<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

જીનીવામાં ઐતિહાસિક શાંતિ કરારની તૈયારી: અમેરિકા-ઈરાન વચ્ચે મહાયુદ્ધનો અંત લાવવા રવિવારે થશે હસ્તાક્ષર

જે.ડી. વાન્સ અને ઈરાની સ્પીકર કાલિબાફ મધ્યસ્થી દેશમાં સોદા પર મહોર મારશે : ઈરાન પરથી તેલ પ્રતિબંધો હટશે અને અબજો ડોલરનું ફંડ અનફ્રીઝ થશે : બદલામાં વ્યૂહાત્મક હોર્મુઝ સત્તાવાર રીતે ખુલ્લુ મુકાશે

જીનીવા: પશ્ચિમ એશિયા માં છેલ્લા ૧૦૦ કરતાં વધુ દિવસોથી ચાલી રહેલા ભયંકર અમેરિકા-ઈરાન સૈન્ય સંઘર્ષ અને મહાયુદ્ધની સ્થિતિનો આખરે અંત આવવા જઈ રહ્યો છે. એક અત્યંત પ્રતિષ્ઠિત પશ્ચિમી રાજદ્વારી સૂત્રએ રોઇટર્સને સનસનાટીભરી વિગતો આપતા જણાવ્યું છે કે, રવિવાર સુધીમાં બંને દેશો યુદ્ધ અટકાવવા માટે એક ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કરી શકે છે, જેના માટે સ્વિટ્ઝર્લેન્ડનું જીનીવા શહેર સૌથી સંભવિત સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. શનિવાર સુધીમાં આ સોદાના અંતિમ ડ્રાફ્ટને આખરી ઓપ આપી દેવામાં આવશે, જેથી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર કાલિબાફ રવિવારે આ વૈશ્વિક કરાર પર સત્તાવાર સહીઓ કરી શકે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને ગર્વભેર જણાવ્યું છે કે, "અમે યુદ્ધના મુદ્દા પર ઈરાન સાથે એક શાનદાર સોદો કર્યો છે અને હવે ઈરાન પર નવા હુમલાઓ કરવામાં નહીં આવે."

શુક્રવારે એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ જાહેર કરેલી શરતો અનુસાર, આ શાંતિ કરારમાં તેહરાનની મોટાભાગની આર્થિક અને સૈન્ય માંગણીઓ સ્વીકારી લેવામાં આવી હોય તેવું સ્પષ્ટ દેખાય છે. આ ડ્રાફ્ટ હેઠળ ઈરાનના ક્રૂડ ઓઇલ વેચાણ પર લાદવામાં આવેલા તમામ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટાવી લેવામાં આવશે અને વૈશ્વિક બેંકોમાં ફ્રીઝ કરાયેલું ઈરાનનું અબજો ડોલરનું ભંડોળ તાત્કાલિક અનફ્રીઝ કરવામાં આવશે. ઈરાનની મેહર ન્યૂઝ એજન્સીના દાવા મુજબ, આ કરારમાં અમેરિકાએ એક મોટી છૂટછાટ આપતા ઈરાનની આસપાસના વિસ્તારોમાંથી પોતાના સૈનિકો પાછા ખેંચવાનું અને બરબાદ થયેલી ઈરાની અર્થવ્યવસ્થાના પુનર્નિર્માણ માટે પશ્ચિમી દેશો સાથે મળીને આશરે ૩૦૦ અબજ ડોલરનો મેગા પ્લાન રજૂ કરવાનું વચન પણ આપ્યું છે. બદલામાં, ટ્રમ્પ વહીવટીતંત્ર માત્ર એક જ મોટી શરત મનાવવામાં સફળ રહ્યું છે, અને તે છે ફેબ્રુઆરીથી બંધ પડેલી હોર્મુઝની સામુદ્રધુનીને (Strait of Hormuz) આંતરરાષ્ટ્રીય વેપાર માટે ફરીથી સત્તાવાર રીતે ખુલ્લી મુકવી.

આ ઐતિહાસિક શાંતિ વાટાઘાટોમાં લેબનોનનો મોરચો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો છે, જ્યાં ઈરાન પ્રેરિત હિઝબુલ્લાહ લશ્કર સામે ઇઝરાયલી સેના ભીષણ યુદ્ધ લડી રહી છે. ઈરાને સ્પષ્ટ આગ્રહ રાખ્યો હતો કે જ્યાં સુધી લેબનોન સહિતના તમામ મોરચે ઇઝરાયલી દુશ્મનાવટ અને હુમલાઓ સંપૂર્ણપણે બંધ નહીં થાય, ત્યાં સુધી તેઓ કોઈ કરાર નહીં કરે, જેને અમેરિકાએ સ્વીકારવી પડી છે. જોકે, સૌથી જટિલ ગણાતા પરમાણુ શસ્ત્રોના મુદ્દા પરની ચર્ચા હાલ પૂરતી ભવિષ્ય પર છોડી દેવામાં આવી છે. ગુરુવારે રાત્રે ટ્રમ્પ દ્વારા ઈરાન પર મોટા હુમલાની ધમકી આપ્યાના ગણતરીના કલાકોમાં જ આ અણધાર્યા સોદાની જાહેરાત થતાં જ વૈશ્વિક શેરબજારોમાં જોરદાર ઉછાળો આવ્યો હતો અને આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવમાં ૨% થી વધુનો મોટો ઘટાડો નોંધાતા સમગ્ર વિશ્વએ મોટી રાહત અનુભવી છે.\

(8:16 PM IST)