News of Saturday, 13th June 2026
પશ્ચિમના બેવડા સ્ટાન્ડર્ડ પર જયશંકરનો પ્રહાર: ભારતને લોકશાહીના પાઠ ભણાવતું અમેરિકા પોતે જ માઓના ખોળામાં બેઠું
ફિનલેન્ડની ધરતી પરથી વિદેશ મંત્રી એસ. જયશંકરે પશ્ચિમી દેશોની દંભી નીતિઓનો પર્દાફાશ કર્યો : ઇતિહાસકાર ફ્રેન્ક ડિકોટરના પુસ્તકનો હવાલો આપીને જણાવ્યું કે કેવી રીતે યુરોપ-અમેરિકા સરમુખત્યારો પર વિશ્વાસ કરી ભારત જેવા મોટા લોકશાહી દેશોનું રેન્કિંગ ખરાબ કરવામાં વ્યસ્ત છે

નવી દિલ્હી: વૈશ્વિક મંચ પર ભારતીય હિતો અને આત્મસન્માનની વાત જ્યારે પણ આવે છે, ત્યારે વિદેશ મંત્રી એસ. જયશંકર પોતાના ધારદાર અને સચોટ જવાબોથી પશ્ચિમી દેશોની બોલતી બંધ કરી દેવા માટે જાણીતા છે. તાજેતરમાં ફિનલેન્ડની મુલાકાત દરમિયાન તેમણે પશ્ચિમના દેશોના બેવડા વલણ પર અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કર્યો છે. જયશંકરે વૈશ્વિક સમુદાય સમક્ષ ખુલ્લેઆમ કહ્યું કે, "કોઈ પણ યુરોપિયન દેશ પર ક્યારેય ભારતીય શસ્ત્રોથી હુમલો કરવામાં આવ્યો નથી, પરંતુ કાશ હું ભારતના સંદર્ભમાં યુરોપિયન શસ્ત્રો વિશે પણ આ જ ગર્વ સાથે કહી શકતો." તેમના આ નિવેદને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચાલી રહેલા એ દંભને બેનકાબ કર્યો છે, જ્યાં પશ્ચિમી દેશો ભારત જેવા વિશાળ લોકશાહી દેશ પર પ્રશ્નો ઉઠાવે છે, જ્યારે ક્રૂર સરમુખત્યારશાહી સરકારો સામે સોય ઝાટકીને મૌન સેવી લે છે.
પશ્ચિમી દેશોના આ વિરોધાભાસ અને ઇતિહાસની ગંભીર ભૂલોને પ્રખ્યાત ઇતિહાસકાર અને લેખક ફ્રેન્ક ડિકોટરે તેમના પુસ્તક "રેડ ડોન ઓવર ચાઇના" માં પણ વિગતવાર ઉજાગર કરી છે. ડિકોટરના મતે, ચીનમાં માઓ ઝેડોંગની ભયાનક સરમુખત્યારશાહી પાછળ માત્ર તેમની પોતાની તાકાત નહોતી, પરંતુ પશ્ચિમી દેશોની અસ્થિર અને અપરિપક્વ નીતિઓ જવાબદાર હતી. આ ઘટનાને 'માઓ સિન્ડ્રોમ' તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં પશ્ચિમી ઉદારવાદી વિચારકો લોકશાહી દેશો પર તો કડક નિયમો અને શરતો લાદી દે છે, પરંતુ કમ્યુનિસ્ટ કે સરમુખત્યારશાહી વિચારસરણીના પ્રોપગેન્ડામાં સરળતાથી ફસાઈ જાય છે. જો તે સમયે પશ્ચિમે ડહાપણ વાપર્યું હોત, તો કદાચ વર્તમાન વિશ્વ નકશા પર ચીનનું આ આક્રમક સ્વરૂપ ન હોત.
પુસ્તકના ચોંકાવનારા આંકડા દર્શાવે છે કે ૧૯૨૦ અને ૧૯૩૦ ના દાયકામાં ચીની સામ્યવાદી પક્ષ અત્યંત નબળો અને સીમિત હતો. શાંઘાઈના મોટા ઔદ્યોગિક શહેર વુક્સીમાં ૧ લાખથી વધુ કામદારો હોવા છતાં ૧૯૨૯માં કમ્યુનિસ્ટ પાર્ટી પાસે માત્ર ૨૫ સભ્યો હતા. પોર્ટુગલ જેવા નાના દેશોની સરખામણીએ પણ ચીનમાં સામ્યવાદીઓનું પ્રમાણ નગણ્ય હતું. પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના અચાનક આક્રમણે રાષ્ટ્રવાદી સેનાને નબળી પાડી અને સોવિયેત સરમુખત્યાર જોસેફ સ્ટાલિને મંચુરિયા જેવા વ્યૂહાત્મક વિસ્તારો માઓની સેનાને સોંપીને તેમનો વિજય પાકો કર્યો. વિદેશ મંત્રી જયશંકરે પશ્ચિમના આ જ ઘેરા રહસ્યો પરથી પડદો હટાવીને સાબિત કર્યું છે કે જે દેશો આજે ભારતની લોકશાહી પર આંગળી ચીંધે છે, તેમનો પોતાનો ઇતિહાસ સરમુખત્યારોને ખોળે બેસવાનો રહ્યો છે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
