<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

TMCમાં ‘બખેડો’ શાંત? અભિષેક બેનર્જી પર સાંસદ કલ્યાણ બેનર્જીના તેવર નરમ : "તે મારા પુત્ર જેવો, પિતા ભૂલો માફ કરે"

મમતા બેનર્જીને "હું કે ભત્રીજો" નું અલ્ટીમેટમ આપી બળવો પોકારનારા વરિષ્ઠ નેતાએ અચાનક વાળ્યો યુ-ટર્ન : અભિષેકને ઘમંડી કહી પાર્ટી બરબાદ કરવાના ગંભીર આરોપો લગાવ્યા બાદ હવે સમાધાનના મૂડમાં આવ્યા

કોલકાતા: પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો હાઈ-વોલ્ટેજ રાજકીય ડ્રામા હવે એક નવો વળાંક લઈ રહ્યો છે. પાર્ટીના વડા મમતા બેનર્જીને ખુલ્લું અલ્ટીમેટમ આપનારા વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનર્જીના તેવર અચાનક નરમ પડી ગયા છે. રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી વિરુદ્ધ મોરચો ખોલ્યા બાદ, હવે કલ્યાણ બેનર્જીએ ભારે આશ્ચર્ય વચ્ચે સમાધાનકારી વલણ અપનાવ્યું છે. સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં તેમણે અભિષેક બેનર્જીને પોતાના પુત્ર સમાન ગણાવ્યા હતા અને લાગણીશીલ કાર્ડ રમતા કહ્યું હતું કે, "તે મારા પુત્ર જેવો છે અને પોતાના પુત્રની ભૂલોને માફ કરવી એ એક પિતાની જ ફરજ છે."

કલ્યાણ બેનર્જીનું આ નવું નિવેદન તેમના થોડા દિવસ પહેલાના આક્રમક વલણથી તદ્દન વિપરીત છે, જેના કારણે બંગાળના રાજકારણમાં અનેક તર્ક-વિતર્કો શરૂ થઈ ગયા છે. આ અઠવાડિયાની શરૂઆતમાં જ કલ્યાણ બેનર્જીએ અભિષેક બેનર્જી પર અત્યંત ઘમંડી હોવાનો આક્ષેપ કર્યો હતો અને જાહેરમાં કહ્યું હતું કે તેમના કારણે જ આજે આખી પાર્ટી બરબાદ થઈ ગઈ છે. એટલું જ નહીં, તેમણે મમતા બેનર્જી સામે શરત મૂકતા કહ્યું હતું કે "અમારામાંથી કોઈ એકને પસંદ કરો – કાં તો અમને અથવા અભિષેકને." તેમણે એવી ચેતવણી પણ આપી દીધી હતી કે જો મમતા બેનર્જી તેમના ભત્રીજાનો પક્ષ લેશે, તો તેઓ કોઈ અલગ અને મોટો નિર્ણય લેવા માટે મજબૂર બનશે. જોકે, શનિવારે તેમના સુરમાં આવેલી નરમાઈ દર્શાવે છે કે પડદા પાછળ ડેમેજ કંટ્રોલની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

આ આંતરિક વિખવાદ વચ્ચે કલ્યાણ બેનર્જીએ પશ્ચિમ બંગાળની વર્તમાન રાજકીય સ્થિતિ અને લોકશાહીના જોખમ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વિપક્ષી પક્ષો અને ભાજપ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે બંગાળમાં ક્યારેય આવી પરિસ્થિતિ નહોતી જ્યાં વિપક્ષને કચડી નાખવાનો પ્રયાસ થતો હોય. આ સાથે જ, તૃણમૂલ કોંગ્રેસના કેટલાક બળવાખોર સાંસદો લોકસભા સ્પીકર ઓમ બિરલાનો સંપર્ક કરી રહ્યા હોવાના અહેવાલો અને ટીએમસીના કોંગ્રેસમાં વિલીનીકરણની અટકળોને તેમણે સદંતર ફગાવી દીધી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, "અમે કોંગ્રેસમાં ભળી રહ્યા નથી" અને બળવાખોરો માત્ર ભાજપના શરણાગત થઈને રાજકીય ચાલબાજી કરી રહ્યા છે.

(10:40 PM IST)