News of Saturday, 13th June 2026
ભારતની પ્રચંડ પરમાણુ શક્તિ જોઈ પાકિસ્તાનમાં હાહાકાર: ૧૨ એટમ બોમ્બ હાઈ-એલર્ટ ઓપરેશનલ મોડમાં તૈનાત થતાં જ દુનિયા સમક્ષ રોવા લાગી શાહબાઝ સરકાર!
વૈશ્વિક સંસ્થા SIPRI ના ખુલાસાથી ઇસ્લામાબાદમાં હડકંપ, આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની ભીખ માંગી: બીજી તરફ ભારત સરહદોને સુરક્ષિત કરવા ₹૨૧,૭૦૦ કરોડના સ્વદેશી 'પ્રોજેક્ટ કુશ' હેઠળ તૈયાર કરી રહ્યું છે 'સુદર્શન ચક્ર' અભેદ્ય કવચ

નવી દિલ્હી : વૈશ્વિક સ્તરે લશ્કરી તાકાત અને શસ્ત્રો પર નજર રાખતી સ્વીડનની પ્રખ્યાત સંસ્થા 'સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' (SIPRI) ના તાજેતરના વાર્ષિક અહેવાલે સરહદ પાર પાકિસ્તાનમાં ભયંકર ફફડાટ અને હડકંપ મચાવી દીધો છે. આ આંતરરાષ્ટ્રીય અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે માત્ર પોતાના પરમાણુ હથિયારો (Nuclear Warheads) ની સંખ્યા વધારીને ૧૯૦ કરી દીધી છે એવું નથી, પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત પોતાના ૧૨ અણુબોમ્બને અત્યંત વ્યૂહાત્મક સ્થળો પર સીધા ઓપરેશનલ (એક્શન) મોડમાં તૈનાત પણ કરી દીધા છે. ભારતની આ આક્રમક રણનીતિ અને વધતી સૈન્ય તાકાતથી ગભરાઈને પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર વૈશ્વિક મંચો પર ભારત વિરુદ્ધ આજીજી કરવા લાગી છે અને આ મામલે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માંગ કરી રહી છે.
ગત વર્ષે ભારત પાસે ૧૮૦ એટમ બોમ્બ હતા, જેમાં આ વર્ષે વધુ ૧૦ નવા બોમ્બનો ઉમેરો થયો છે. તેની સરખામણીએ પાકિસ્તાનની ન્યુક્લિયર ક્ષમતા સ્થિર રહી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદરાબીએ ચિંતા વ્યક્ત કરતા નિવેદન આપ્યું છે કે, "ભારત જે ઝડપે પરમાણુ હથિયારો વધારી રહ્યું છે અને ન્યુક્લિયર પાવરથી સજ્જ સબમરીન તૈનાત કરી રહ્યું છે, તે માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની શાંતિ અને સ્થિરતા માટે મોટો ખતરો છે." પાકિસ્તાને દાવો કર્યો છે કે ભારત પોતાની સંરક્ષણ જરૂરિયાતો કરતાં ઘણી વધુ લાંબી રેન્જ ધરાવતી ઘાતક મિસાઈલો વિકસાવી રહ્યું છે.
શરૂ થયો ૨૧,૭૦૦ કરોડનો સ્વદેશી 'પ્રોજેક્ટ કુશ': આકાશમાં જ દફન થશે દુશ્મન
પાકિસ્તાનની ઊંઘ હરામ થવાનું એક મુખ્ય કારણ એ પણ છે કે ભારત માત્ર આક્રમક શસ્ત્રો જ નથી બનાવી રહ્યું, પરંતુ પોતાના સંરક્ષણ તંત્રને પણ લોખંડી બનાવી રહ્યું છે. દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે હૈદરાબાદમાં ડીઆરડીઓ (DRDO) ના મહત્વાકાંક્ષી 'પ્રોજેક્ટ કુશ' (Project Kusha) ની વિધિવત શરૂઆત કરી દીધી છે. ₹૨૧,૭૦૦ કરોડના આ સંપૂર્ણ સ્વદેશી પ્રોજેક્ટનું વૈજ્ઞાનિક નામ 'એક્સ્ટેન્ડેડ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ' (LRSAM) છે. આ અંતર્ગત જમીન પરથી હવામાં પ્રહાર કરનારી અત્યંત શક્તિશાળી લોન્ગ-રેન્જ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
પીએમ મોદીની ઘોષણા: ભારતનું આધુનિક 'સુદર્શન ચક્ર'
આ હાઈટેક એર ડિફેન્સ સિસ્ટમ દુશ્મનના કોઈપણ ફાઈટર જેટ્સ, આધુનિક ડ્રોન, સ્ટીલ્થ ક્રૂઝ મિસાઈલ કે બેલિસ્ટિક મિસાઈલોને ભારતની સરહદમાં ઘૂસતા પહેલા જ, એટલે કે ૪૦૦ કિલોમીટર દૂર આકાશમાં જ ફૂંકી મારવા સક્ષમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી જે દેશની મલ્ટી-લેયર્ડ એર ડિફેન્સ સિસ્ટમ 'સુદર્શન ચક્ર'ની જાહેરાત કરી હતી, આ પ્રોજેક્ટ તેનો જ એક મુખ્ય ભાગ છે.
સંરક્ષણ મંત્રીએ આ સુરક્ષા પ્રણાલીનું મહત્વ સમજાવતા કહ્યું કે, જે રીતે મહાભારતના મહાયુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાના 'સુદર્શન ચક્ર'થી અધર્મીઓ અને દુષ્ટોનો નાશ કર્યો હતો, બરાબર તે જ રીતે ભારતની આ આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ પણ દુશ્મન દેશોના તમામ નાપાક અને આક્રમક ઈરાદાઓને હવામાં જ નેસ્તનાબૂદ કરી દેશે અને ભારત માતાની આસપાસ એક અભેદ્ય સુરક્ષા કવચ તૈયાર કરશે. ભારતની આ અપ્રતિમ સૈન્ય પ્રગતિએ વૈશ્વિક સ્તરે ભારતનો દબદબો મજબૂત કરી દીધો છે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
