News of Saturday, 13th June 2026
‘રાહુલ ગાંધીનો અભિગમ ભાજપ માટે આશીર્વાદરૂપ’: આલિંગન વિવાદ પર કેરળના પૂર્વ સીએમ પિનરાયી વિજયનનો કોંગ્રેસ હાઈકમાન્ડ પર આકરો પ્રહાર!
‘મોદીને ગળે લગાવી શકે છે, પણ અમને નહીં?’ – રાહુલની ટિપ્પણી બાદ વિપક્ષી ગઠબંધનમાં ગાબડાં: સીપીઆઈ(એમ) ના દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને ઘેરી

તિરુવનંતપુરમ: ઇન્ડિયા બ્લોક (INDIA Bloc) ની એકતા અને અખંડિતતા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) ના વરિષ્ઠ નેતા અને કેરળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પિનરાયી વિજયને શનિવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારોનો મારો ચલાવ્યો છે. રાહુલ ગાંધીની કથિત 'આલિંગન' ટિપ્પણી બાદ બંને પક્ષો વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. વિજયને સીધા શબ્દોમાં આક્ષેપ કર્યો છે કે રાહુલ ગાંધીનું વર્તન અને તેમની નેતૃત્વ શૈલી ઇન્ડિયા ગઠબંધનને મજબૂત બનાવવાને બદલે પરોક્ષ રીતે ભાજપના હાથ મજબૂત કરી રહી છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઈન્ડિયા બ્લોકની એક બંધબારણે મળેલી બેઠકમાં રાહુલ ગાંધીએ કથિત રીતે કહ્યું હતું કે, કેરળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચેની રાજકીય દુશ્મનાવટને કારણે તેઓ પિનરાયી વિજયનને ગળે લગાવી શકતા નથી. આ ટિપ્પણીથી અકળાયેલા વિજયને પલટવાર કરતા કહ્યું હતું કે, "આપણે બધાએ રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદીને ગળે લગાવતા જોયા છે. મારો વાંધો મોદીને ગળે લગાવવા સામે નથી, પરંતુ રાહુલ ગાંધીની આ ટિપ્પણી તેમના રાજકીય અભિગમને સ્પષ્ટ કરે છે."
‘કોંગ્રેસના વલણને કારણે ગઠબંધન નબળું પડી રહ્યું છે’
પિનરાયી વિજયને માત્ર પોતાના પૂરતું સીમિત ન રહેતા, ઇન્ડિયા બ્લોકના અન્ય સહયોગી પક્ષોની નારાજગીનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે બેઠક દરમિયાન અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ જેવા નેતાઓએ પણ કોંગ્રેસના આ અભિગમ સામે વાંધો ઉઠાવ્યો હતો. વિજયને વધુમાં જણાવ્યું હતું કે, "હાલની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તે મુખ્યત્વે કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધીના વલણને કારણે છે. આ પ્રકારના વર્તનથી ઇન્ડિયા બ્લોક મજબૂત બનતું નથી, પરંતુ ભાજપને સીધો ફાયદો થાય છે. રાહુલ ગાંધી અજાણતા જ ભાજપના હિતોના રક્ષક બની રહ્યા છે."
સીપીઆઈ(એમ) માં ભારે રોષ: ખડગેને પત્ર લખી ફરિયાદ
રાહુલ ગાંધીની આ ટિપ્પણીથી સીપીઆઈ(એમ) ના અન્ય નેતાઓ પણ ભારે રોષમાં છે. પાર્ટીના મહાસચિવ એમ.એ. બેબીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને રાહુલ ગાંધીના નિવેદનોને વિપક્ષી એકતાના મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવ્યા છે. બેબીએ કટાક્ષ કરતા કહ્યું કે, "આલિંગન એ કોઈ દબાણ કે શરત નથી, તે સ્નેહ અને સદ્ભાવનાનું પ્રતીક છે જે સ્વાભાવિક રીતે આવે છે."
આ સાથે જ સીપીઆઈ(એમ) ના રાજ્યસભા સાંસદ જોન બ્રિટાસે પણ રાહુલ ગાંધીના નિવેદનોમાં રહેલા વિરોધાભાસને ઉજાગર કર્યો હતો. તેમણે કહ્યું કે એક તરફ રાહુલ ગાંધી વિપક્ષી એકતાની વાત કરે છે, તો બીજી તરફ કેરળમાં ડાબેરીઓ વિરુદ્ધ રાજકીય લડાઈ ચાલુ રાખવાની વાત કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, "જો કોઈ પક્ષ પર ભાજપ સાથે સમાધાન કરવાનો આરોપ મૂકવામાં આવે, તો તે સમગ્ર વિપક્ષી બ્લોકને નબળો પાડે છે."
આ ઘટનાક્રમ બાદ ઇન્ડિયા ગઠબંધનની એકતા પર સંકટના વાદળો ઘેરાયા છે, અને આવનારા દિવસોમાં કોંગ્રેસ કેવી રીતે આ આંતરિક કલહને શાંત પાડે છે તે જોવું રહ્યું.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
