<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

મુંબઈના 'ડૂબતા' અંધેરી સબવે માટે ₹૬૦૦ કરોડનો માસ્ટર પ્લાન: ભૂગર્ભ ટાંકીથી મળશે માત્ર અડધી રાહત!

પૂર-નિવારણ માટે મિલન સબવે કરતા ૫ ગણી મોટી સિસ્ટમની દરકાર, પરંતુ અધિકારીઓનો સ્વીકાર – સમસ્યા સંપૂર્ણપણે દૂર કરવી અત્યારે તો મુશ્કેલ!

મુંબઈ : મુંબઈની જીવાદોરી ગણાતા પૂર્વ-પશ્ચિમ લિંક અંધેરી સબવેમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી માથાનો દુખાવો બની રહી છે. તાજેતરમાં ૩ જૂનના રોજ થયેલા ભારે વરસાદે ફરી એકવાર સાબિત કરી દીધું કે કરોડોના ખર્ચ છતાં આ સબવે પાણીમાં ગરકાવ થવાથી બચી શકતો નથી. આ ગંભીર મુદ્દે હવે મુંબઈ મહાનગરપાલિકા (BMC) એક્શન મોડમાં આવી છે. સબવે નીચે વિશાળ ભૂગર્ભ જળ-હોલ્ડિંગ ટાંકી બનાવવાની વિચારણા ચાલી રહી છે, પરંતુ BMC ના અધિકારીઓએ કબૂલાત કરી છે કે ₹૬૦૦ કરોડના આ આંધણ છતાં પાણી ભરાવાની સમસ્યા માત્ર ૫૦ ટકા જેટલી જ ઘટી શકે તેમ છે. એટલે કે, કાયમી ઉકેલ હજુ પણ પાલિકા માટે એક મોટો પડકાર છે.

BMC ની સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે ઉગ્ર ચર્ચા જામી હતી. કોર્પોરેટર પ્રીતિ સાટમે સવાલ ઉઠાવ્યો હતો કે વારંવારની ખાતરીઓ અને કરોડોના ખર્ચ છતાં અંધેરી સબવે દર વર્ષે કેમ ડૂબે છે? તો બીજી તરફ કોંગ્રેસના અશરફ આઝમીએ પંપ પર નિર્ભર રહેવાની નીતિને આડેહાથ લેતા કહ્યું હતું કે, "મુંબઈના ૫૪૭ પંપ પૂર રોકવા માટે પૂરતા નથી, પાલિકાએ કામચલાઉ ઉકેલોથી ઉપર ઉઠીને કાયમી રણનીતિ બનાવવી જોઈએ."

ટેકનિકલ મર્યાદા અને પડકારોનો પહાડ

વધારાના મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ્સ) અભિજીત બાંગરે જણાવ્યું હતું કે અંધેરી સબવેની સ્થિતિ ખરેખર જટિલ છે. દર ચોમાસામાં અહીં ૨૫ થી ૩૦ વખત પાણી ભરાય છે. અહીં ચાર મુખ્ય ડ્રેઇન લાઇન ભેગી થાય છે, જેના કારણે પાણીનો નિકાલ અત્યંત મુશ્કેલ બની જાય છે. જો ₹૬૦૦ કરોડના ખર્ચે મિલન સબવે કરતા પાંચ ગણી મોટી પૂર નિયંત્રણ સિસ્ટમ ઊભી કરવામાં આવે, તો પણ તે માત્ર સમસ્યાને અડધી જ કરી શકશે. વળી, આ કામગીરી માટે મુખ્ય કોરિડોરને લગભગ ૧૮ મહિના માટે બંધ રાખવો પડે તેમ છે, જે વાહનવ્યવહાર માટે મોટું સંકટ બની શકે છે. હાલ પાલિકા આ વિકલ્પો પર ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહી છે અને આગામી થોડા મહિનામાં આ અંગે અંતિમ દરખાસ્ત તૈયાર કરવામાં આવશે.

મેયરની ફિલ્ડ વિઝિટ અને ખાસ બેઠક

સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મેયર રીતુ તાવડેએ શનિવારે અંધેરી, મિલન સબવે, ગાંધી માર્કેટ અને હિંદમાતા પમ્પિંગ સ્ટેશન જેવા પૂર-સંભવિત વિસ્તારોનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. મેયરે ત્વરિત પગલાં તરીકે ભારે વરસાદ દરમિયાન પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે વધારાના ડીવોટરિંગ પંપ તાત્કાલિક સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. સાથોસાથ, કાયમી ઉકેલ માટે BMC મુખ્યાલય ખાતે તમામ સંબંધિત અધિકારીઓની એક સંયુક્ત બેઠક પણ બોલાવવામાં આવી છે.

શું મુંબઈના આ કુખ્યાત 'પૂર પોઈન્ટ'ને ક્યારેય કાયમી મુક્તિ મળશે કે પછી મુંબઈગરાઓએ દર ચોમાસે અંધેરી સબવેના ડૂબવાના દ્રશ્યો જોવા માટે મજબૂર થવું પડશે? તે તો હવે આવનારો સમય જ કહેશે.

(11:29 PM IST)