News of Saturday, 13th June 2026
ટીએમસીમાં મોટો રાજકીય વિસ્ફોટ: મમતા બેનર્જીનો બળવાખોરો પર સર્જિકલ સ્ટ્રાઈક, સાયની ઘોષ અને સુદીપ બંદોપાધ્યાયને પદ પરથી હટાવ્યા!
એક સમયે અત્યંત નજીક રહેલા નેતાઓના બળવાથી મમતા બેનર્જીની સરકાર અને સંગઠન બંને પર સંકટ: ૬૪ ધારાસભ્યો અને ૨૦ સાંસદોના નવા જૂથે વધારી મુશ્કેલીઓ

કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજકારણમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંતરિક સંકટ સર્જાયો છે. મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં થયેલા મોટા પાયે બળવાને પગલે પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જીએ બળવાખોર નેતાઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન "કાબા-મદીના" ગીત ગાઈને ચર્ચામાં આવેલા અને મમતા બેનર્જી તથા અભિષેક બેનર્જીના અત્યંત નજીકના માનવામાં આવતા સાયની ઘોષને તૃણમૂલ યુવા કોંગ્રેસના પ્રમુખ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ પગલાંને મમતા બેનર્જી દ્વારા બળવાખોરોને આપવામાં આવેલો સૌથી મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
ટીએમસીમાં સર્જાયેલું આ સંકટ અત્યંત ગંભીર છે. લગભગ ૬૪ ધારાસભ્યો અને ૨૦ સાંસદોએ મમતા બેનર્જીનો સાથ છોડીને એક અલગ જૂથ બનાવી લીધું છે, જે હવે સીધું એનડીએ (NDA) ને ટેકો આપવાની તૈયારી કરી રહ્યું છે. ટીએમસીના ઇતિહાસમાં આ સૌથી મોટું અને જોખમી સંકટ માનવામાં આવે છે, જેણે પાર્ટીની પાયાની મજબૂતીને હચમચાવી નાખી છે.
કાર્યકારી સમિતિમાંથી પણ બળવાખોરોની હકાલપટ્ટી
શનિવારે મળેલી ટીએમસીની મહત્વપૂર્ણ કાર્યકારી સમિતિની બેઠકમાં મમતા બેનર્જીએ એકસાથે અનેક આકરા નિર્ણયો લીધા હતા. બેઠક બાદ સાંસદ કલ્યાણ બેનર્જીએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું કે, સુદીપ બંદોપાધ્યાય અને માલા રોય જેવા વરિષ્ઠ નેતાઓને પણ કાર્યકારી સમિતિમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. સુદીપ બંદોપાધ્યાયના સ્થાને હવે કુણાલ ઘોષને કોલકાતા ઉત્તરના પક્ષ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. આ બેઠકમાં સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે પક્ષ સાથે ગદ્દારી કરનાર કોઈપણ નેતાને બક્ષવામાં નહીં આવે. સાથે જ, ૪,૦૦૦ ઇવીએમ (EVM) સળગાવવાની ઘટનાને ગંભીરતાથી લઈને પાર્ટીએ કાયદેસરની કાર્યવાહી આગળ વધારવાનો નિર્ણય કર્યો છે.
દિલ્હીના પાવર કોરિડોરમાં હલચલ: શું બળવાખોરો ભાજપની નજીક?
ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાયનું દિલ્હીમાં આગમન અને ત્યાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ તથા ગૃહમંત્રી અમિત શાહ સાથેની તેમની મુલાકાતે રાજકીય અટકળોને તેજ કરી દીધી છે. એક સમયે મમતા બેનર્જીના સૌથી વિશ્વાસુ ગણાતા નેતા હવે ભાજપના દિગ્ગજોને મળી રહ્યા છે, જે સૂચવે છે કે પશ્ચિમ બંગાળમાં સત્તાનું સમીકરણ ગમે ત્યારે બદલાઈ શકે છે. બંદોપાધ્યાયની સાથે બળવાખોર સાંસદ શતાબ્દી રોય પણ જોવા મળતા પાર્ટીમાં ભંગાણની પ્રક્રિયા વધુ ઝડપી બની હોવાનું જણાય છે.
મમતા બેનર્જી હવે સંગઠનમાં નવા ચહેરાઓ (જેમ કે સૌગત રોય અને જ્યોતિપ્રિયા મલ્લિક) ને સામેલ કરીને પોતાની પકડ મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ, સંગઠન અને સરકાર બંને મોરચે ચાલી રહેલા આ આંતરિક કલહને શાંત પાડવો મમતા બેનર્જી માટે અત્યારે સૌથી મોટો પડકાર બની રહ્યો છે.
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
