'પેડી' વિવાદ વકર્યો: ફિલ્મના ઓવરસેક્સ્યુઅલાઈઝ્ડ શોટ્સ પર જાહ્નવી કપૂરે વ્યક્ત કર્યો હતો સખત વિરોધ, મેક-અપ આર્ટિસ્ટે કર્યા ચોંકાવનારા ખુલાસા!
દિગ્દર્શકની ભૂલ કે અભિનેત્રીની લાચારી? શૂટિંગ દરમિયાન કેમેરા એંગલ બદલવા માટે કહી હોવા છતાં ફૂટેજ રાખવામાં આવતા સોશિયલ મીડિયા પર આક્રોશ

મુંબઈ : રામ ચરણ અને જાહ્નવી કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'પેડી' તેની સફળતા કરતા વધુ વિવાદોને કારણે ચર્ચામાં છે. ફિલ્મમાં અભિનેત્રી જાહ્નવી કપૂરના પાત્રના અતિશય સેક્સ્યુઅલાઈઝ્ડ (Hyper-sexualized) ચિત્રણ સામે દર્શકોમાં મોટો રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે સોશિયલ મીડિયા પર લોકો જાહ્નવીને સવાલો પૂછી રહ્યા હતા કે તેણે કેમ વિરોધ ન કર્યો, ત્યારે હવે તેના મેક-અપ આર્ટિસ્ટ અને લીક થયેલી ચેટ્સ દ્વારા સત્ય સામે આવ્યું છે કે જાહ્નવીએ શૂટિંગ દરમિયાન જ વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ દિગ્દર્શક દ્વારા તેની અવગણના કરવામાં આવી હતી.
શું કહે છે મેક-અપ આર્ટિસ્ટનો ખુલાસો?
જાહ્નવી કપૂરની મેક-અપ આર્ટિસ્ટ સાવલીન કૌર મનચંદાએ સોશિયલ મીડિયા પર અભિનેત્રીનો બચાવ કરતા લખ્યું, "કોઈપણ અભિનેત્રીને પાત્ર માટે દોષ આપવો સરળ છે, પરંતુ સત્ય કંઈક અલગ જ છે. જાહ્નવીએ પોસ્ટ-પ્રોડક્શન દરમિયાન જ આ વાંધાજનક શોટ્સ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેણે વ્યાવસાયિક મર્યાદા જાળવી રાખી હતી અને ચોક્કસ કેમેરા એંગલ્સનો ઉપયોગ ન કરવા સ્પષ્ટપણે જણાવ્યું હતું, છતાં દિગ્દર્શકે તેની સંમતિને અવગણીને અંતિમ સંપાદનમાં તે ફૂટેજ જાળવી રાખ્યા હતા."
મેક-અપ આર્ટિસ્ટના મતે, આ કિસ્સો અભિનેત્રીની ચૂપકિદીનો નહીં, પરંતુ દિગ્દર્શકની એવી માનસિકતાનો છે જેણે અભિનેત્રીની સંમતિ કરતાં બોક્સ ઓફિસના આંકડાઓને વધુ મહત્વ આપ્યું છે.
લીક થયેલી ચેટ્સ અને વિવાદનું મૂળ
દરમિયાન, સોશિયલ મીડિયા પર જાહ્નવી કપૂરની કેટલીક ખાનગી ચેટ્સના સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે. જેમાં અભિનેત્રી તેના ફેનપેજ સાથેની વાતચીતમાં કથિત રીતે જણાવે છે કે, "મેં તેમને સ્પષ્ટ કહ્યું હતું કે મારા શરીરના એવા ભાગોના ફોટા ન લેવા. રામ સર આ વાતને લઈને ખૂબ જ સમજદાર હતા અને તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે હવે આવા એંગલ ક્યારેય ન લેવા જોઈએ, છતાં અંતિમ ફિલ્મમાં બધું વિપરીત જોવા મળ્યું."
ફિલ્મના કેટલાક દ્રશ્યો, જેમાં જાહ્નવીની સંમતિ વિના તેને ચુંબન કરવાનું કે અચિયામ્માના પાત્રને માત્ર ગ્લેમરના દ્રષ્ટિકોણથી બતાવવાનું સામેલ છે, તે ચાહકોમાં આક્રોશનું મુખ્ય કારણ બન્યા છે. દિગ્દર્શક બુચી બાબુ સનાએ આ મામલે માફી માંગી છે અને વાંધાજનક દ્રશ્યો સંપાદિત કરવાની ખાતરી આપી છે, પરંતુ આ સમગ્ર વિવાદે ફિલ્મ ઉદ્યોગમાં મહિલા અભિનેત્રીઓની સંમતિ અને ગરિમા વિશે મોટી ચર્ચાઓ શરૂ કરી દીધી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
