<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

ટ્રમ્પની ‘અંતિમ વિકલ્પ’ની ચેતવણી વચ્ચે ઈરાનનો નવો દાવ; હોર્મુઝ સેવાઓ માટે નાણાં ચૂકવવા અમેરિકા સમક્ષ માંગ

૧૫ જૂને યોજાનારી ફ્રાન્સ G7 સમિટ પૂર્વે તેહરાને બ્લોક્ડ ફંડ્સની મુક્તિને શાંતિ કરારનો ભાગ ગણાવ્યો; પરમાણુ મુદ્દાના બદલે લેબનોન સંકટ પર ધ્યાન કેન્દ્રિત

તેહરાન : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને ‘અંતિમ વિકલ્પ’ની અપાયેલી ગંભીર ચેતવણી અને ઈરાની લક્ષ્યો પર તાજેતરમાં થયેલા B-2 બોમ્બર હુમલા બાદ મધ્ય પૂર્વમાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ વૈશ્વિક સંકટ વચ્ચે શનિવારે ઈરાને અમેરિકા સાથેના પ્રસ્તાવિત શાંતિ કરાર માટે નવી શરતો મૂકતા સ્પષ્ટ કર્યું છે કે, તેના બ્લોક્ડ ફંડ્સ (સ્થિર સંપત્તિ) ની મુક્તિ આ કરારનો અનિવાર્ય ભાગ હોવો જોઈએ. આ સાથે જ ઈરાને વ્યૂહાત્મક રીતે અતિ મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ જળમાર્ગમાં પૂરી પાડવામાં આવતી સુરક્ષિત દરિયાઈ સેવાઓ બદલ આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે વળતરની પણ માંગ કરી છે.
ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘાઈએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, તેહરાનને હોર્મુઝ સ્ટ્રેટ સંબંધિત સેવાઓ માટે યોગ્ય ચૂકવણી મળવી જ જોઈએ, કારણ કે જળમાર્ગ દ્વારા સુરક્ષિત દરિયાઈ ટ્રાફિકનું સંચાલન કરવું એ વૈશ્વિક હિતમાં છે. તેમણે ઉમેર્યું કે બંને પક્ષો હાલ પરમાણુ મુદ્દાને બાજુ પર રાખીને તાત્કાલિક યુદ્ધનો અંત લાવવા તેમજ લેબનોન સાથે જોડાયેલી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા સંમત થયા છે. બાગાઈએ મધ્ય પૂર્વમાં બાહ્ય લશ્કરી સંદોવણી પર તેહરાનના લાંબા સમયથી ચાલતા વલણને પુનરાવર્તિત કરતા દલીલ કરી હતી કે આ પ્રદેશમાંથી વિદેશી લશ્કરી દળો અને ઠેકાણાઓનો સંપૂર્ણ અંત આવવો જોઈએ.
બીજી તરફ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર એક સત્તાવાર પોસ્ટમાં દાવો કર્યો છે કે રવિવારે ઈરાન સાથે એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે, જે હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક ફરીથી ખોલવા તરફ દોરી જશે. ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાના ૨૦૧૫ના પરમાણુ કરાર સાથે આ નવી વ્યવસ્થાની સરખામણી કરતા સ્પષ્ટ કર્યું કે નવી શરતો હેઠળ ઈરાનને કોઈ રોકડ રકમ હાથમાં આપવામાં નહીં આવે અને આ પ્રસ્તાવિત કરાર ઈરાન માટે પરમાણુ શસ્ત્રોના વિકાસ સામે મજબૂત દીવાલ સમાન સાબિત થશે. તેમણે વધુમાં ઉમેર્યું કે વોશિંગ્ટન આગામી સમયમાં ઈરાનની ઊંડી ભૂગર્ભ લેબોરેટરીઓમાં દટાયેલી પરમાણુ ધૂળનો સંપૂર્ણ નાશ કરશે.
વૈશ્વિક સ્તરે આ ઘટનાક્રમ ત્યારે ગરમાયો છે જ્યારે હોર્મુઝ જળમાર્ગમાં ભારતીય નાવિકો પર થયેલા હુમલાને કારણે ભારત પણ ચિંતામાં છે. આ ગંભીર વૈશ્વિક કટોકટીના ઉકેલ માટે ફ્રાન્સમાં યોજાનારી આગામી G7 સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાનાર છે. આ હાઈ-પ્રોફાઈલ સમિટમાં ભારત પોતાના નાવિકોની સુરક્ષા અને મુક્ત દરિયાઈ વ્યાપારનો મુદ્દો વૈશ્વિક મંચ પર પ્રખરતાથી ઉઠાવશે, જેના પર હવે સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.

(12:19 AM IST)