<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

પોરબંદર માટે વિમાની સેવાનો સુવર્ણ સૂર્યોદય: ૨૫ જૂનથી ત્રિપાંખીયા એર રૂટ ફરી ધમધમશે

અમદાવાદ, મુંબઈ અને કેશોદ માટે 'એલાયન્સ એર' નું ૭૨ સીટર એરક્રાફ્ટ ઉડાન ભરશે: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની મોટી જાહેરાત

પોરબંદર, : સુદામાપુરી અને મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરના પ્રવાસીઓ તેમજ વેપારીઓ માટે લાંબા સમય બાદ એક ખુશીના સમાચાર આવ્યા છે, જેમાં છેલ્લા એક મહિનાથી બંધ પડેલી હવાઈ સેવાઓનો આગામી ૨૫ જૂનથી પુનઃ પ્રારંભ કરીને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ એર ઈન્ડિયાની સબસીડીયરી કંપની 'એલાયન્સ એર' મારફતે અમદાવાદ, મુંબઈ અને કેશોદ વચ્ચે સાપ્તાહિક બે દિવસીય ફ્લાઈટ્સ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.

પોરબંદરના પ્રવાસીઓ અને વેપારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 1 મહિનાથી બંધ પડેલી વિમાની સેવા આગામી 25 જૂનથી ફરી ધમધમતી થશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડલિયાએ જાહેરાત કરી છે કે, પોરબંદરથી મુંબઈ, અમદાવાદ અને કેશોદ વચ્ચે એર ઈન્ડિયાની સબસીડીયરી કંપની 'એલાયન્સ એર' ની સેવા શરુ થશે. આ સેવા માટે 72 સીટરનું એ.ટી.આર-72 એરક્રાફ્ટ કાર્યરત કરાશે. જે અઠવાડિયામાં બે દિવસ એટલે કે, દર ગુરુવાર અને શનિવારે ઉડાન ભરશે. મુંબઈ થી પોરબંદર સવારે 07:05 કલાકે ઉપડી સવારે 08:40 કલાકે પહોંચશે. પોરબંદર થી કેશોદ સવારે 09:05 થી 09:35, કેશોદ થી અમદાવાદ સવારે 09:35 થી 10:55, અમદાવાદ થી કેશોદ સવારે 11:20 થી બપોરે 12:15, કેશોદ થી પોરબંદર બપોરે 12:40 થી 13:10 અને પોરબંદર થી મુંબઈ બપોરે 13:10 કલાકે ઉપડી બપોરે 15:10 કલાકે પહોંચશે.

કેન્દ્રીયમંત્રીએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સમય અને નાણાંની બચત: મુંબઈ કે અમદાવાદ જવા માટે અત્યાર સુધી બસ કે ટ્રેનમાં થતી 9 કલાકની મુસાફરીમાંથી મુક્તિ મળશે. હવે માત્ર 1.5 કલાકમાં અમદાવાદ પહોંચી શકાશે. પ્રવાસને વેગ મળશે: પૂજ્ય બાપુની જન્મભૂમિ પોરબંદર આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને હવે સીધી એર કને્ક્ટિવિટી મળશે. તત્કાલ ઈમરજન્સી સેવા: મેડિકલ ઈમરજન્સી, ઉચ્ચ અભ્યાસ અને રોજિંદા વ્યાપારિક કામકાજસ માટે જતાં લોકોને આ સેવાનો મોટો લાભ મળશે. ડો. મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું કે, પોરબંદર માત્ર ગાંધીજીની જન્મભૂમિ નથી. પરંતુ વિકસિત ભારતની અપાર સંભાવનાઓથી ભરેલું શહેર છે. આ નવી હવાઈ સેવા રોજગારી, વેપારીઓનું નવું બજાર અને પ્રવાસનને નવી ઉંચાઈ આપશે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના આ ઔદ્યોગિક અને પ્રવાસી હબમાં અગાઉ કનેક્ટિવિટીના અભાવે સ્થાનિક વિકાસ રુંધાયો હોવાની રજૂઆતો અવારનવાર થતી રહી હતી. આ નવી વિમાની સેવાની નિયમિતતા જળવાઈ રહે તે માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને ટેકનિકલ સ્ટાફની સજ્જતા સુનિશ્ચિત કરવામાં આવી છે. આગામી સમયમાં મુસાફરોના ટ્રાફિક અને પ્રતિસાદને ધ્યાનમાં રાખીને, આ સેવાને અઠવાડિયાના અન્ય દિવસોમાં પણ લંબાવવા તેમજ તહેવારોની સીઝનમાં વિશેષ કનેક્ટિવિટી પૂરી પાડવા અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા સકારાત્મક પગલાં લેવામાં આવશે.

(12:24 PM IST)