<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

જામનગરના સાંસદ પૂનમબેન માડમના માતૃશ્રી દિનાબેન હેમતભાઈ માડમનું દુઃખદ અવસાન : જામનગરમાં માડમ પરિવાર શોકમગ્ન

આજે, રવિવારે સાંજે ૪:૩૦ કલાકે જામનગર, નવાગામ (ઘેડ) ખાતેથી આદર્શ સ્મશાન (સોનાપુરી) જવા માટે નીકળશે સદગતની અંતિમયાત્રા : રાજકીય અને સામાજિક અગ્રણીઓ દ્વારા ઘેરા શોકની લાગણી વ્યક્ત કરાઈ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર:જામનગર લોકસભા મતવિસ્તારના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સાંસદ પૂનમબેન માડમના આદરણીય માતૃશ્રી દિનાબેન  હેમતભાઈ માડમનું તા. ૧૪/૦૬/૨૦૨૬ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયું છે. જામનગરના જાણીતા માડમ પરિવારના મોભી એવા દિનાબેન માડમના નિધનના સમાચાર વહેતા થતાં જ સમગ્ર પંથકમાં અને રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ઘેરા શોકની કાલીમા છવાઈ ગઈ છે.

સદગત દિનાબેન હેમતભાઈ માડમ તે સ્વ. મેરુભાઈ માડમ, સ્વ. ઘેલુભાઈ માડમ તથા સ્વ. વલ્લભભાઈ માડમના નાનાભાઈ સ્વ. હેમતભાઈ રામભાઈ માડમના ધર્મપત્ની હતા. તેઓ પોતાના પાછળ એક મોટો અને પ્રતિષ્ઠિત પરિવાર વિલાપ કરતો છોડી ગયા છે. દિનાબેન માડમ તે સ્વ. વિમલભાઈ હેમતભાઈ માડમ, શ્રીમતી કલ્પનાબેન આંબલીયા, સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ અને શ્રીમતી તોરલબેન યાદવના માતૃશ્રી હતા. આ ઉપરાંત તેઓ શ્રીમતી શીતલબેન વિમલભાઈ માડમના સાસુ તેમજ જીતભાઈ અને વરુણભાઈના દાદી થતા હતા.

આ અણધાર્યા આઘાતથી માડમ પરિવારમાં ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે. સદગતના આત્માની શાંતિ અર્થે અને પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે વિવિધ રાજકીય પક્ષોના હોદ્દેદારો, ઉદ્યોગપતિઓ, વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ અને વિશાળ જનસમુદાય દ્વારા સોશિયલ મીડિયા તેમજ રૂબરૂ મુલાકાત લઈને માડમ પરિવાર પ્રત્યે સંવેદના અને સાંત્વના પાઠવવામાં આવી રહી છે.

સદગત દિનાબેન હેમતભાઈ માડમની અંતિમયાત્રા, આજે તા. ૧૪/૦૬/૨૦૨૬ ને રવિવારના રોજ સાંજે ૪:૩૦ કલાકે તેમના જામનગર સ્થિત નિવાસ સ્થાન માડમ ફળી, નવાગામ (ઘેડ) ખાતેથી નીકળશે. આ અંતિમયાત્રા જામનગરના આદર્શ સ્મશાન (સોનાપુરી) જવા માટે રવાના થશે, જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સદગતના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, તેમ જાણવા મળે છે. ૐ શાંતિ...

(12:50 PM IST)