News of Sunday, 14th June 2026
મેટાનું એલર્ટ અને પોલીસનું '5 મિનિટ' ઓપરેશન: ગ્રેટર નોઈડામાં એક યુવકને મોતના મોંમાંથી બહાર કાઢી લીધો
રાત્રે 12:12 વાગ્યે મેટાના અદ્યતન અલ્ગોરિધમે આ આત્મઘાતી પોસ્ટને ડિટેક્ટ કરી લીધી: કંપનીએ તાત્કાલિક યુપી પોલીસના સોશિયલ મીડિયા સેન્ટરને ઈમેલ એલર્ટ મોકલ્યું

ગ્રેટર નોઈડામાંથી ટેક્નોલોજી અને પોલીસની તત્પરતાનો એક અદભૂત કિસ્સો સામે આવ્યો છે, જે સાબિત કરે છે કે જો સાચો સમન્વય હોય તો કોઈનો કિંમતી જીવ કેવી રીતે બચાવી શકાય છે. જેવર વિસ્તારમાં પ્રેમમાં હાર મળતા આપઘાતનો પ્રયાસ કરી રહેલા 24 વર્ષીય યુવકને નોઈડા પોલીસે માત્ર 5 મિનિટની અંદર ઘટનાસ્થળે પહોંચીને મોતના મોંમાંથી બહાર કાઢી લીધો છે. આ સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અને તેની પેરન્ટ કંપની મેટાના એલર્ટ સિસ્ટમે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
મળતી માહિતી મુજબ, મજૂરી કામ કરતા આ યુવકને એક યુવતી સાથે પ્રેમ થયો હતો. યુવકે જ્યારે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે યુવતીએ ના પાડી દીધી હતી. આ આઘાત સહન ન થતાં યુવક ભારે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. 12 જૂન 2026ની રાત્રે તેણે ઊંઘની ગોળીઓ ખાઈ લીધી અને આત્મહત્યા કરતા પહેલાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં કેપ્શન લખ્યું હતું - "આ મારો છેલ્લો વીડિયો છે, શું ખબર પછી રહું કે નહીં."
રાત્રે 12:12 વાગ્યે મેટાના અદ્યતન અલ્ગોરિધમે આ આત્મઘાતી પોસ્ટને ડિટેક્ટ કરી લીધી હતી. કંપનીએ તાત્કાલિક યુપી પોલીસના સોશિયલ મીડિયા સેન્ટરને ઈમેલ એલર્ટ મોકલ્યું અને ત્યાંથી નોઈડા પોલીસને યુવકનું ચોક્કસ લોકેશન મળી ગયું. પોલીસ કમિશનર લક્ષ્મી સિંહના આદેશથી જેવર પોલીસ સ્ટેશનની ટીમ એક્શનમાં આવી અને માત્ર 5 જ મિનિટમાં યુવકના ઘરના દરવાજે પહોંચી ગઈ.
પોલીસે અડધી રાત્રે યુવકના પિતાને જગાડીને જ્યારે રૂમનો દરવાજો ખોલ્યો, ત્યારે યુવક બેભાન અવસ્થામાં પડ્યો હતો. પોલીસે એકપણ સેકન્ડ ગુમાવ્યા વિના તેને નજીકની હોસ્પિટલ પહોંચાડ્યો, જ્યાં સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયો હતો. બાદમાં પોલીસે યુવકનું કાઉન્સિલિંગ પણ કરાવ્યું હતું.
વર્ષ 2022થી યુપી પોલીસ અને મેટા વચ્ચે એક ખાસ કરાર થયેલો છે. આ અંતર્ગત ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ પર જ્યારે પણ કોઈ વ્યક્તિ આપઘાત સંબંધિત પોસ્ટ કે વીડિયો શેર કરે છે, ત્યારે મેટા સિસ્ટમ સીધું જ પોલીસ કંટ્રોલ રૂમને એલર્ટ અને યુઝરનું લોકેશન મોકલી દે છે. આ ટેક્નોલોજી અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ બચાવી ચૂકી છે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
