News of Monday, 15th June 2026
શ્રદ્ધાળુઓથી ભરેલી પિકઅપ વાન કૂવામાં ખાબકીઃ ૧૪ લોકોના મોત
મહારાષ્ટ્રમાં પંઢરપુરમાં ભીષણ અકસ્માત : મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. મૃત્યુઆંક વધવાની શક્યતા

સોલાપુર તા.૧૫: મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માલશિરસ વિસ્તારમાં મ્હાસાડ-પંઢરપુર માર્ગ પર તાંડુવાડી ગામ પાસે એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. એક પિકઅપ વાન કૂવામાં ખાબકતા ૧૪ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તમામ મૃતકો પંઢરપુર વિસ્તારના રંજની ગામના રહેવાસી છે. દુર્ઘટના બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોની ભીડ જમા થઈ હતી. અત્યાર સુધીમાં ૮ લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં છે. જેમાં ચાર મહિલાઓ અને ચાર બાળકો સામેલ છે.
જાણકારી અનુસાર, માલશિરસ વિસ્તારમાં મ્હસવાડ-પંઢરપુર રોડ પર તાંડલવાડી ગામ નજીક એક પિકઅપ વાન કૂવામાં ખાબકતા આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પંઢરપુર વિસ્તારના રંજની ગામના ૧૪ લોકોના ડૂબવાથી મોત થયા છે. મૃતકોમાં એ તમામ લોકો સામેલ છે જે મ્હસવાડમાં સિદ્ધનાથના દર્શન કરવા ગયા હતા. આ દુર્ઘટના માલશિરસ તાલુકાના તાંડલવાડી ગામ પાસે એવા સમયે સર્જાઈ જ્યારે તે પોતાના ગામ પરત ફરી રહ્યાં હતા.
અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. જોકે, પ્રાથમિક માહિતી મુજબ ડ્રાઇવરે વાહન પર કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. રસ્તાની બાજુમાં આવેલો કૂવો પાણીથી ભરેલો હતો. શ્રદ્ધાળુઓથી ભરેલી પિકઅપ ગાડી સીધી આ કૂવામાં ખાબકી હતી. કૂવાની આસપાસ કોઈ રેલિગ ન હોવાથી પિકઅપ વાન સીધી જ પાણીમાં ખાબકી, જેના કારણે ૧૪ લોકોનાં મોત નીપજ્યાં હોવાનું જણાવાયું છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૮ લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
અકસ્માતની જાણ થતાં જ વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મૃતકોમાં ૪ બાળકો અને ૪ મહિલાઓનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી મુજબ દુર્ઘટનામાં બે લોકોનો બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ કૂવા આસપાસ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને રાહત કાર્યમાં જોડાયા હતા.
માહિતી અનુસાર, વાહનમાં તેની ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હતા, જેના કારણે બચાવ કામગીરીમાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. મૃત્યુઆંક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને ઘટનાના કારણોની તપાસ શરૂ કરી છે.
હાલ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. વહીવટી તંત્ર દ્વારા મૃતકોની ઓળખ કરવાની અને ઘાયલોને સારવાર આપવાની પ્રક્રિયા ચાલુ છે, જ્યારે અકસ્માતના સાચા કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
