<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

જાણીતી યુટ્યુબર રચના ગુર્જરને સોશિયલ મીડિયા પર મોંઘા દાગીનાનો દેખાડો કરવો ભારે પડ્યો: ઘરમાંથી ઘરેણાંની ચોરી

ચોરોએ તેના વીડિયો જોઈને પ્લાનિંગ કર્યું અને ઘરમાંથી ૨ લાખ રોકડા સહિત લાખોના ઘરેણાં ચોરી લીધા:ચોરોએ સીસીટીવી ફેરવીને વારદાતને અંજામ આપ્યો:સોશિયલ મીડિયા પર યુઝર્સ તેને સહાનુભૂતિ આપવાને બદલે ટ્રોલ કરી રહ્યા છે

મધ્યપ્રદેશના શિવપુરીમાં સોશિયલ મીડિયા પર વધારે પડતો દેખાવો કરવો એક પ્રખ્યાત યુટ્યુબરને ભારે પડી ગયો છે. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પોતાના વીડિયોમાં સોના-ચાંદીના મોંઘા દાગીના પ્રદર્શિત કરનારી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રચના ગુર્જરના ઘરે શાતિર ચોરોએ ત્રાટકીને લાખો રૂપિયાની રોકડ રકમ અને કિંમતી ઘરેણાંની ચોરી કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

 

શિવપુરીની રહેવાસી રચના ગુર્જર ડિજિટલ પ્લેટફોર્મ પર ખૂબ જ સક્રિય રહે છે અને વારંવાર પોતાના વ્લોગ્સમાં કિંમતી ઘરેણાં ટેબલ પર સજાવીને તેની કિંમતો ગણાવતી હતી. તેના આ વીડિયોને વ્યુઝ તો પુષ્કળ મળ્યા, પરંતુ આ દેખાવની સીધી નજર ચોરો પર પણ પડી ગઈ. સ્થાનિક અહેવાલો અનુસાર, ચોરોએ રચનાના વીડિયો ખૂબ જ બારીકાઈથી જોયા હતા અને કયા રૂમમાં કિંમતી સામાન હોઈ શકે છે તેની પૂરી પ્લાનિંગ કરી હતી. તસ્કરો તેના ઘરમાંથી આશરે ૨ લાખ રૂપિયાની રોકડ, સોનાના મંગળસૂત્ર, વીંટી અને ચાંદીના અનેક દાગીના ચોરીને રફુચક્કર થઈ ગયા છે.

 

 

ચોરોએ આ વારદાતને એટલી ચાલાકીથી અંજામ આપ્યો કે ઘરમાં સૂતેલા કોઈ સભ્યને ભનક સુધ્ધાં ન લાગી. તેમણે સૌથી પહેલા ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરાની દિશા બદલી નાખી હતી, જેથી રેકોર્ડિંગ ન થાય. ત્યાર બાદ બાઉન્ડ્રીની ફેન્સિંગ કાપીને અંદર પ્રવેશ્યા અને ઘરના રૂમ બહારથી લોક કરી દીધા હતા. પરિવાર જ્યારે સવારે જાગ્યો ત્યારે તેમને રૂમ બહારથી બંધ હોવાની અને ચોરી થઈ હોવાની ખબર પડી હતી.

 

 

આ ચોંકાવનારી ઘટના બાદ રચના ગુર્જરના દાગીના બતાવતા જૂના વીડિયો ઇન્ટરનેટ પર ફરીથી વાયરલ થવા લાગ્યા છે. નવાઈની વાત એ છે કે, આટલી મોટી નાણાકીય નુકસાની બાદ પણ સોશિયલ મીડિયા યુઝર્સ રચના પ્રત્યે કોઈ સહાનુભૂતિ દર્શાવી રહ્યા નથી. લોકો કમેન્ટ સેક્શનમાં તેની મજાક ઉડાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે "હજી વધુ દેખાડો કરો, હવે ભોગવો." આ ઘટના એ વાતનું જીવંત ઉદાહરણ છે કે સોશિયલ મીડિયા પર પોતાની અંગત સંપત્તિ અને પ્રાઇવસીનું પ્રદર્શન કરવું ક્યારેક સુરક્ષા માટે કેટલું મોટું જોખમ બની શકે છે.

(1:32 PM IST)