<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

પાકિસ્તાન વાયુસેનાનું તાલીમ વિમાન ક્રેશ :રસ્તા પર તૂટી પડતાં ભયંકર વિસ્ફોટ: 2 પાઇલટના મોત

દુર્ઘટના બાદ બચાવ અને ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત કામગીરી શરૂ કરી : અકસ્માત બાદ વિમાનના ટુકડાઓ રસ્તા અને આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયા

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના મર્દાન વિસ્તારમાં એક ગંભીર હવાઈ દુર્ઘટના સર્જાઈ હતી. પાકિસ્તાન વાયુસેનાનું તાલીમ વિમાન નિયમિત ટ્રેનિંગ મિશન દરમિયાન અચાનક નિયંત્રણ ગુમાવીને રસ્તા પર તૂટી પડ્યું હતું. વિમાન જમીન સાથે અથડાતાં જ જોરદાર વિસ્ફોટ થયો અને આગની જ્વાળાઓ આકાશમાં ઉઠી હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર બંને પાઇલટના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે રસ્તા પર હાજર બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. દુર્ઘટના બાદ બચાવ અને ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિમાન નીચે પડતાં જ ભારે ધડાકો સંભળાયો હતો અને થોડી જ ક્ષણોમાં સમગ્ર વિસ્તાર કાળા ધુમાડાથી છવાઈ ગયો હતો. અકસ્માત બાદ વિમાનના ટુકડાઓ રસ્તા અને આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયા હતા. કેટલાક સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઘટનાસ્થળે દૃશ્ય એટલું ભયાનક હતું કે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં વિમાન જમીન તરફ ઝડપથી ધસી આવતું દેખાય છે. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે મૃતક પાઇલટ્સની ઓળખ કેપ્ટન કાસિમ અને કેપ્ટન તલ્હા તરીકે કરવામાં આવી છે.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ક્રેશ થયેલું વિમાન સુપર મુશ્શાક (MFI-17) પ્રકારનું ટ્રેનર એરક્રાફ્ટ હતું. પ્રાથમિક માહિતી મુજબ ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા પાઇલટ્સે વિમાનને ગીચ વસ્તીવાળા વિસ્તારથી દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો જેથી જમીન પર જાનમાલનું મોટું નુકસાન ટાળી શકાય. જોકે આ પ્રયાસ દરમિયાન બંને પાઇલટ્સ પોતાના જીવ બચાવી શક્યા નહોતા. પાકિસ્તાન વાયુસેનાએ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ માટે સત્તાવાર તપાસના આદેશ આપ્યા છે.

 

તાજેતરની આ ઘટના પાકિસ્તાનની લશ્કરી ઉડ્ડયન વ્યવસ્થાની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે. છેલ્લા એક મહિનામાં પાકિસ્તાનમાં લશ્કરી વિમાનો અને હેલિકોપ્ટર સાથે જોડાયેલી આ પાંચમી મોટી દુર્ઘટના હોવાનું માનવામાં આવે છે. 10 જૂને પાકિસ્તાન આર્મી એવિએશનનું Mi-17 હેલિકોપ્ટર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ટેકઓફ દરમિયાન ક્રેશ થયું હતું.  જેમાં 22 લશ્કરી કર્મચારીઓના મોત થયા હતા. તે પહેલાં 20 મેના રોજ FT-7PG ટ્રેનર એરક્રાફ્ટ અને 19 મેના રોજ JF-17 થંડર ફાઇટર જેટ પણ તાલીમ મિશન દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયા હતા. જોકે તે બંને કિસ્સાઓમાં પાઇલટ્સ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. સતત બની રહેલી આ દુર્ઘટનાઓને કારણે પાકિસ્તાનની વિમાન જાળવણી અને તકનીકી સલામતી વ્યવસ્થાઓ અંગે ફરી એકવાર ગંભીર ચર્ચા શરૂ થઈ છે.

 

(2:19 PM IST)