<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

ટ્રમ્‍પ-ઈરાન ડીલથી ભડકયું ઈઝરાયલ

યે હો કયા રહા હૈ? : ઈઝરાયલ કહે છે... ડીલ અમારી ઉપર લાગુ નહી પડેઃ અમે અમેરિકાના ગુલામ નથી

 

તેલ અવીવ, તા.૧૫: મધ્‍ય પૂર્વમાં ફરી એકવાર વિનાશક યુદ્ધના નગારા વાગી રહ્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ દ્વારા ઈરાન સાથે એક ‘ઐતિહાસિક' શાંતિ કરાર કર્યાના દાવા છતાં આ ક્ષેત્રમાં લોહિયાળ સંઘર્ષ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ઇઝરાયલે આ અમેરિકન કરારને સંપૂર્ણપણે નકારી કાઢીને ઈરાન અને તેના પ્રોક્‍સી સંગઠનો પર સૈન્‍ય કાર્યવાહી વધુ તેજ કરી દીધી છે. નેતન્‍યાહૂની સરકારે સ્‍પષ્ટ કરી દીધું છે કે તેઓ પોતાની રાષ્‍ટ્રીય સુરક્ષાના મુદ્દે વોશિંગ્‍ટનના કોઈ પણ રાજદ્વારી દબાણ સામે ઝૂકશે નહીં, જેના કારણે ટ્રમ્‍પ વહીવટીતંત્રના શાંતિ પ્રયાસોને મોટો આંચકો લાગ્‍યો છે. ઇઝરાયલના રાષ્‍ટ્રીય સુરક્ષા મંત્રી, ઇટામર બેન-ગ્‍વિરે એક સત્તાવાર નિવેદન જારી કરીને વળતો પ્રહાર કર્યો છે. તેમણે સ્‍પષ્ટ શબ્‍દોમાં આક્રોશ ઠાલવતા જાહેર કર્યું કે, યુએસ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ દ્વારા મધ્‍યસ્‍થી કરાયેલો આ શાંતિ કરાર ઇઝરાયલને કોઈ પણ કાળે બંધનકર્તા રહેશે નહીં. ઇઝરાયલ એક સાર્વભૌમ રાષ્‍ટ્ર છે અને પોતાના દેશની રક્ષા માટે ગમે તેવા સૈન્‍ય પગલાં લેવા માટે સંપૂર્ણપણે સ્‍વતંત્ર છે.

ટ્રમ્‍પ પ્રશાસને હોર્મુઝ સ્‍ટ્રેટ ફરી ખોલવા અને આર્થિક પ્રતિબંધો હટાવવાના બદલામાં ઈરાનના સંવર્ધિત યુરેનિયમનો નાશ કરવાની યોજના બનાવી હતી, પરંતુ ઇઝરાયલ આ ડીલને પોતાના અસ્‍તિત્‍વ માટે જોખમી માને છે. ઇઝરાયલી ગુપ્તચર એજન્‍સી મોસાદ અને વાયુસેનાએ અમેરિકાની ચેતવણીઓને અવગણીને સીરિયા, લેબનોન અને ખુદ ઈરાનની અંદર ઘૂસીને તેના વ્‍યૂહાત્‍મક ઠેકાણાઓ પર બોમ્‍બમારો ચાલુ રાખ્‍યો છે. તેલ અવીવનું માનવું છે કે આ કરારથી ઈરાનને આર્થિક ઓક્‍સિજન મળશે, જેનો ઉપયોગ તે ગુપ્ત રીતે પરમાણુ બોમ્‍બ બનાવવા અને હિઝબુલ્લાહ જેવા સંગઠનોને મજબૂત કરવા માટે કરશે.

રાજદ્વારી વિશ્‍લેષકો ચેતવણી આપી રહ્યા છે કે ઇઝરાયલની આક્રમક વ્‍યૂહરચના ટ્રમ્‍પના કરારને કાગળનો ટુકડો બનાવી દેશે. જો ઈરાન આ સતત થઈ રહેલા હુમલાઓથી કંટાળીને વળતો પ્રહાર કરશે અથવા પોતાની બેલિસ્‍ટિક મિસાઈલો છોડશે, તો સમગ્ર મધ્‍ય પૂર્વ એવા ભયાનક મહાયુદ્ધની આગમાં હોમાઈ જશે જેને કાબૂમાં લેવું અમેરિકા માટે પણ અશકય બની જશે. કરારના અમલીકરણ પહેલાં જ ઇઝરાયલ દ્વારા ઈરાનનું સૈન્‍ય માળખું તોડી પાડવાની આ જીદ હાલ વૈશ્વિક અર્થતંત્ર અને શાંતિ માટે સૌથી મોટો ખતરો બની ગઈ છે.

(2:52 PM IST)