News of Monday, 15th June 2026
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત છતાં ઇઝરાયેલનો મોટો બળવો : લેબેનોન, સીરિયા અને ગાઝામાંથી પોતાની સેના પાછી ખેંચવાનો ઇઝરાયેલનો સાફ ઇનકાર
સરહદો અને નાગરિકોની સુરક્ષા માટે ઇઝરાયેલી સેના અનિશ્ચિત સમય સુધી સુરક્ષા ઝોનમાં તૈનાત રહેશે : રક્ષણ મંત્રી ઇઝરાયેલ કાત્ઝે ટ્રમ્પ અને ઈરાનને આપી સીધી ચેતવણી : સરહદી ગામોમાં આતંકી આંતરમાળખાં અને ઘરોને કરાશે ધ્વસ્ત

તેલ અવીવ: સમગ્ર મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા ભયાનક યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક કરાર થયાના ગણતરીના કલાકોમાં જ ઇઝરાયેલે આકરો વલણ અપનાવીને મોટો આંચકો આપ્યો છે. ઇઝરાયેલના રક્ષણ મંત્રી ઇઝરાયેલ કાત્ઝે સોમવારે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે ઇઝરાયેલી સેના (IDF) લેબેનોન, સીરિયા અને ગાઝા પટ્ટીમાંથી અનિશ્ચિત સમય સુધી પાછી હટશે નહીં. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધ વિરામના સોદાનો સીધો કોઈ ઉલ્લેખ કર્યા વિના ઇઝરાયેલે પોતાનો સૈન્ય એજન્ડા સ્પષ્ટ કરી દીધો છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે.
સરહદી વિસ્તારોને સ્થાનિક રહેવાસીઓથી ખાલી કરાવી આતંકી અડ્ડા તોડી પડાશે:
ઇઝરાયેલના રક્ષણ મંત્રી ઇઝરાયેલ કાત્ઝે જણાવ્યું હતું કે, "વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને હું એક અત્યંત સ્પષ્ટ નીતિ પર આગળ વધી રહ્યા છીએ. આ નીતિ અંતર્ગત ઇઝરાયેલી સરહદો અને સ્થાનિક સમુદાયોને જેહાદી તત્વોથી સુરક્ષિત રાખવા માટે આઈડીએફ (IDF) લેબેનોન, સીરિયા અને ગાઝાના સુરક્ષા ઝોનમાં અસીમિત સમયગાળા માટે તૈનાત રહેશે." તેમણે વધુમાં ઉમેર્યું કે આ સમગ્ર સરહદી વિસ્તારોને સ્થાનિક રહેવાસીઓથી સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવશે. આ સિવાય જમીનની ઉપર અને જમીનની અંદર રહેલી તમામ આતંકવાદી માળખાકીય સુવિધાઓ તેમજ આતંકી ચોકીઓ તરીકે ઉપયોગમાં લેવાતા ફ્રન્ટલાઈન ગામોના તમામ ઘરોને પણ સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પને પણ નિર્ણયથી માહિતગાર કરાયા - પીછેહઠનો સવાલ જ નથી:
ઇઝરાયેલી રક્ષણ મંત્રીએ સૈન્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ચોક્કસ પ્રદેશો પર નિયંત્રણ મેળવવું અને સુરક્ષા ઝોન જાળવી રાખવા એ ઇઝરાયેલી સેનાની અત્યાર સુધીની સૌથી મોટી સિદ્ધિઓમાંથી એક છે. તેથી, ભલે ગમે તેટલું આંતરરાષ્ટ્રીય દબાણ આવે કે ભવિષ્યમાં ગમે તેવી પરિસ્થિતિ સર્જાય, ઇઝરાયેલ લેબેનોન કે અન્ય વિસ્તારોમાંથી સૈન્ય પાછું ખેંચવાની વાતનો સખત વિરોધ કરે છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ ઇઝરાયેલના આ મક્કમ નિર્ણય અંગે પહેલેથી જ માહિતગાર કરી દીધા છે.
ઈરાનને ખુલ્લી ચેતવણી - હુમલો થશે તો બમણી તાકાતથી જવાબી પ્રહાર કરીશું:
આ આકરા વલણની સાથે જ ઇઝરાયેલે ઈરાનને પણ સીધી અને ગંભીર ચેતવણી આપી દીધી છે. ઇઝરાયેલ કાત્ઝે જણાવ્યું કે, જો ઇસ્લામિક સ્ટેટ ઈરાન દ્વારા લેબેનોનની ઘટનાઓનો બદલો લેવા માટે ઇઝરાયેલ પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે, તો ઇઝરાયેલ તેની સામે પોતાની "પૂરેપૂરી તાકાત" થી વળતો પ્રહાર કરશે. ઇઝરાયેલ પોતાના નાગરિકોના રક્ષણ અને સર્વોચ્ચ સુરક્ષા હિતો સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી. જો ઈરાન હુમલો કરશે તો ઇઝરાયેલ તેને જડબાતોડ જવાબ આપીને બંને દેશોની સૈન્ય ક્ષમતાઓ વચ્ચેનો મોટો તફાવત દુનિયા સમક્ષ સ્પષ્ટપણે સાબિત કરી બતાવશે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
