News of Monday, 15th June 2026
"ઘર છોડીને ભાગવું એ માતા-પિતાનું અપમાન": લિવ-ઇન કપલની સુરક્ષા અરજી ફગાવતા હાઇકોર્ટની આકરી ટિપ્પણી
બંધારણની કલમ 21 હેઠળ માત્ર કપલને જ નહીં પરંતુ માતા-પિતાને પણ ગૌરવ સાથે જીવવાનો સમાન અધિકાર છે: ટૂંકા ગાળાના આકર્ષણને કાયદેસર લિવ-ઇન રિલેશનશિપ ન ગણી શકાય તેમ કહીને પંજાબ-હરિયાણા હાઇકોર્ટે પોલીસ પ્રોટેક્શન આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો

ચંદીગઢ: પ્રેમના નામે ઘરની દિવાલો ઠેકીને ભાગી જતાં યુગલો માટે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ સંદીપ મુદગિલની સિંગલ બેન્ચે સુરક્ષાની માંગણી સાથે કોર્ટના દ્વાર ખખડાવનાર એક લિવ-ઇન કપલની અરજીને ફગાવી દેતા આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, માત્ર પોતાના સ્વાર્થ અને ટૂંકા ગાળાના આકર્ષણ માટે માતા-પિતાનું ઘર છોડીને ભાગી જવું એ પરિવારની સામાજિક પ્રતિષ્ઠાને કલંકિત કરવા સમાન છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભારતીય બંધારણની કલમ 21 હેઠળ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર દરેક નાગરિકને મળ્યો છે, જેમાં વડીલો અને માતા-પિતાના સન્માન તેમજ ગૌરવ સાથે જીવવાના અધિકારનો પણ સમાવેશ થાય છે. સંતાનોના આવા પગલાંથી માતા-પિતાના આ મૂળભૂત અધિકારનું સરેઆમ ઉલ્લંઘન થાય છે, જેને કાયદાકીય પીઠબળ આપી શકાય નહીં.
આ રસપ્રદ કિસ્સાની વિગતો મુજબ, પંજાબના એક યુવક અને યુવતીએ હાઇકોર્ટમાં અરજી કરીને દાવો કર્યો હતો કે તેઓ બંને પુખ્ત વયના (18 વર્ષથી વધુ) છે અને પરસ્પર સંમતિથી લિવ-ઇન રિલેશનશિપમાં રહી રહ્યા છે. યુવતીના પરિવારજનો આ સંબંધની વિરુદ્ધમાં હોવાથી તેઓને જાનનું જોખમ છે અને યુવકને ખોટા ફોજદારી કેસમાં ફસાવવાની ધમકીઓ મળી રહી છે. જોકે, સુનાવણી દરમિયાન એ વાત સામે આવી હતી કે યુવકની ઉંમર હજુ લગ્ન માટેની કાયદેસરની વય (21 વર્ષ) કરતાં ઓછી છે અને તેઓ ભવિષ્યમાં લગ્ન કરવાનો ઇરાદો ધરાવે છે. હાઇકોર્ટે આ દલીલોને ફગાવતા નોંધ્યું હતું કે, ફક્ત થોડા દિવસો કે મહિનાઓ સુધી સાથે રહેવા માત્રથી કોઈ સંબંધ કાયદેસર રીતે માન્ય લિવ-ઇન રિલેશનશિપ બની જતો નથી અને આવા કામચલાઉ સંબંધોના આધારે પોલીસ સુરક્ષાનો દાવો કરી શકાય નહીં.
અદાલતે ભારતીય સામાજિક અને કાનૂની વ્યવસ્થાના પાયા સમાન નૈતિક મૂલ્યો, પરંપરાઓ અને રિવાજોનું મહત્વ પુનઃ રેખાંકિત કર્યું હતું. લગ્નને "ઉચ્ચ સામાજિક આદર અને કાનૂની પરિણામો ધરાવતો પવિત્ર સંબંધ" ગણાવતા જસ્ટિસ મુદગિલે સ્વીકાર્યું કે બદલાતી જીવનશૈલીના કારણે આધુનિક સમાજનો એક વર્ગ લિવ-ઇન તરફ વળ્યો છે, પરંતુ કાયદાના દાયરાની બહાર જઈને અપાતી આવી કોઈ પણ રાહત સમાજની સ્થાપિત કૌટુંબિક વ્યવસ્થા અને તેના માળખાને છિન્નભિન્ન કરી શકે છે. આ કેસમાં દંપતી તરફથી એડવોકેટ કોમલ સિદ્ધુ અને પંજાબ સરકાર વતી એડિશનલ એડવોકેટ જનરલ રાજીવ વર્મા હાજર રહ્યા હતા. અંતે કોર્ટે રજૂ કરાયેલા તથ્યોને સુરક્ષા આપવા માટે અપૂરતા ગણાવીને અરજીને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી, જે હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
