News of Monday, 15th June 2026
યુએસ ડીલ સામે ઈરાન સળગ્યું: તેહરાનના રસ્તાઓ પર કેમ ફાટી નીકળ્યો કટ્ટરપંથીઓનો જ્વાળામુખી?
પ્રતિબંધો હટાવવાના બદલામાં પરમાણુ સ્વાયત્તતા ગુમાવવાના ડરે વિદેશ પ્રધાન અને મુખ્ય વાટાઘાટકારના રાજીનામાની ઉગ્ર માંગ

તેહરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરારની સત્તાવાર જાહેરાત થાય તે પહેલા જ ઈરાનની રાજધાની તેહરાન ભીષણ આંતરિક વિરોધ પ્રદર્શનોની આગમાં હોમાઈ ગયું છે. સીએનએન ના અહેવાલ મુજબ, ઇસ્લામિક ક્રાંતિના કટ્ટર સમર્થક જૂથો અને હજારો નાગરિકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. દેખાવકારોનો મુખ્ય આક્ષેપ છે કે વર્તમાન સરકારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર સામે ઘૂંટણ ટેકી દીધા છે. યુદ્ધ ટાળવા અને આર્થિક પ્રતિબંધોમાં તત્કાલ રાહત મેળવવાના લોભમાં ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમ અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વ પર મોટો સોદો કરી લીધો છે, જે દેશની વ્યૂહાત્મક શક્તિને કાયમ માટે નબળી પાડી દેશે.
આ વિસ્ફોટક જનઆક્રોશનું નેતૃત્વ 1979ની ઇસ્લામિક ક્રાંતિની કટ્ટર કથિત વિચારધારાના રક્ષક ગણાતા જૂથ "જેભે-એ પેયદારી" (એન્ડ્યુરન્સ ફ્રન્ટ) દ્વારા કરવામાં આવી રહ્યું છે. જૂથના વરિષ્ઠ નેતા મહમૂદ નબાવિયનના જણાવ્યા મુજબ, આ કરાર એટલો એકતરફી છે કે ભવિષ્યમાં ઈરાને પોતાના વૈજ્ઞાનિક સંશોધન કે નાગરિક ઉર્જા માટે પણ ઓછી માત્રામાં યુરેનિયમ સંવર્ધન કરવું હશે, તો પણ વોશિંગ્ટનની કાનૂની મંજૂરી લેવી પડશે. પ્રદર્શનકારીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે, વર્ષોના સંઘર્ષ અને પ્રતિબંધો સામે લડીને મેળવેલી પરમાણુ સ્વાયત્તતાને અમેરિકાની કડક દેખરેખ હેઠળ સરેન્ડર કરવી એ રાષ્ટ્રીય હિત વિરુદ્ધનો મોટો ગુનો છે.
તેહરાનની સડકો પર ઉતરેલા કટ્ટરપંથીઓએ આ સોદાને રાષ્ટ્રીય અપમાન ગણાવી વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી અને મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ બાઘેર કાલિબાફના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા છે. પશ્ચિમી પ્રતિબંધો હટવાની આશા વચ્ચે ઈરાનની વિદેશમાં ફ્રીઝ થયેલી અબજો ડોલરની સંપત્તિ ક્યારે પરત મળશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી, જેથી વિરોધીઓ તેને સરકારની નબળી રાજદ્વારી વ્યૂહરચના ગણાવે છે. જોકે, રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનના વહીવટીતંત્રે આ વિરોધને મર્યાદિત ગણાવતા દેશમાં બિનજરૂરી વિભાજન ન ફેલાવવા અપીલ કરી છે, પરંતુ આ આંતરિક અસંતોષે આગામી શાંતિ વાર્તાલાપ પર મોટો પ્રશ્નાર્થચિહ્ન મૂકી દીધો છે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
