<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

મોંઘવારીના મોરચે સૌથી મોટી રાહત: અમેરિકા-ઈરાન યુદ્ધ વિરામ બાદ ભારતમાં LPG, CNG અને ખાતર સહિત 10 વસ્તુઓ સસ્તી થશે

ગલ્ફ દેશોમાં તણાવ ઘટતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવો ગગડ્યા: હોર્મુઝખુલવાથી શિપિંગ ભાડામાં ઘટાડો થશે: રસોઈ ગેસના સિલિન્ડરમાં ₹100 સુધીના ઘટાડા સાથે સામાન્ય જનતા અને ખેડૂતોને મળશે અણધારી આર્થિક બૂસ્ટર

ગાંધીનગર: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક સૈન્ય સંઘર્ષનો આખરે અંત આવ્યો છે, જેની સૌથી સીધી અને ખુશખબર ભારતીય નાગરિકોના ખિસ્સા અને રસોડાના બજેટ પર જોવા મળશે. ભારત પોતાની એલપીજી જરૂરિયાતોનો લગભગ 60 ટકા અને કુદરતી ગેસનો 50 ટકા જેટલો મોટો હિસ્સો ગલ્ફ દેશોમાંથી આયાત કરે છે. યુદ્ધ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રોપેન અને બ્યુટેનના ભાવ પ્રતિ મેટ્રિક ટન $800 ને પાર થઈ ગયા હતા, જે હવે ઘટીને $550-600 ની સપાટીએ આવી જશે. આ વૈશ્વિક ઘટાડાના કારણે ભારતમાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતોમાં ₹70 થી ₹100 સુધીનો મોટો ઘટાડો થઈ શકે છે. આ જ રીતે, કતાર અને યુએઈ (UAE) થી આવતા સ્પોટ એલએનજીના ભાવ પ્રતિ mmBtu $15-18 થી ઘટીને $9-10 થઈ જતાં, સ્થાનિક સ્તરે સીએનજી (CNG) અને પીએનજી (PNG) ના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹4 થી ₹6 સુધીનો ઘટાડો થવાની પ્રબળ સંભાવના છે.

આ શાંતિ કરાર માત્ર વાહનચાલકો કે ગૃહિણીઓ માટે જ નહીં, પરંતુ દેશના અન્નદાતા અને ઔદ્યોગિક ક્ષેત્ર માટે પણ વરદાન સાબિત થશે. ઓમાન અને સાઉદી અરેબિયાથી આયાત થતા વાર્ષિક 70-80 લાખ ટન યુરિયા અને ફોસ્ફેટિક ખાતરોના સપ્લાયમાં યુદ્ધના કારણે મોટો વિક્ષેપ પડ્યો હતો અને આયાત ખર્ચ પ્રતિ ટન $50-70 વધી ગયો હતો. હવે હોર્મુઝ દરિયાઈ માર્ગ પુનઃ શરૂ થતાં ખાતર કંપનીઓનો ઇનપુટ કોસ્ટ 12-15 ટકા ઘટશે, જેનાથી બજારમાં ખાતરની અછત દૂર થશે અને સરકાર પરથી સબસિડીનો અબજો રૂપિયાનો બોજ હળવો થશે. આ ઉપરાંત, કટોકટીના સમયે ઈરાન અને ખાડી દેશોમાંથી આવતા ખજૂર અને અંજીર જેવા વિદેશી સૂકા મેવાના ભાવોમાં 40 ટકા સુધીનો જે તોતિંગ વધારો થયો હતો, તે પુરવઠો સામાન્ય થતાં જ જથ્થાબંધ અને છૂટક બજારમાં 25 થી 30 ટકા સુધી તૂટી જશે.

ગલ્ફ સંકટ ટળવાની વ્યાપક અસર અન્ય 6 ઉદ્યોગો પર પણ તેજી લાવશે. ક્રૂડ ઓઇલના ભાવ $125થી ઘટીને $75-80ના સામાન્ય સ્તરે આવતાં જ એરલાઇન્સ માટે સૌથી મહત્વનું ગણાતું એવિએશન ટર્બાઇન ફ્યુઅલ 12 ટકા જેટલું સસ્તું થશે, જેનાથી વિમાની ભાડામાં 8 થી 10 ટકાનો ઘટાડો જોવા મળશે. પેટ્રોકેમિકલ્સ અને પોલિમરના ભાવ 15 ટકા સુધી ઘટવાના કારણે પ્લાસ્ટિક પેકેજિંગ, કન્ટેનર્સ અને ઘરગથ્થુ પ્લાસ્ટિકની વસ્તુઓ સસ્તી થશે. શિપિંગ ફ્રેઈટ અને વોર-રિસ્ક ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં 30 ટકાનો ઘટાડો થતાં UAEથી આવતો એલ્યુમિનિયમ અને કોપર સ્ક્રેપ 10 ટકા સસ્તો થશે, જે સ્થાનિક રિસાયક્લિંગ ઉદ્યોગને વેગ આપશે. રબર અને કેમિકલ ઉદ્યોગ માટે જરૂરી ઔદ્યોગિક સલ્ફરમાં 15 ટકા અને રેઝિન-સોલવન્ટ્સ સસ્તા થવાથી પેઇન્ટ અને કોટિંગ્સ ઉત્પાદન ખર્ચમાં 8 ટકા સુધીનો ઘટાડો થશે, જેનો સીધો ફાયદો ડિસ્કાઉન્ટ સ્વરૂપે ગ્રાહકોને મળશે.

(6:28 PM IST)