News of Monday, 15th June 2026
ખેતરની માટીમાં મુખ્યમંત્રી: ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ ટિલર ચલાવી ઓર્ગેનિક ખેતીનો આપ્યો નવો સંદેશ!
પરંપરા અને આધુનિકતાનો સુમેળ: ગાયના છાણના ખાતરનો ઉપયોગ કરી ખેડૂતોને આપ્યું રાસાયણિક મુક્ત ખેતીનું પ્રોત્સાહન; માતાની હાજરીમાં ખેતર ખેડ્યા.

દહેરાદૂન : ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે ખેડૂતો અને સામાન્ય જનતા માટે એક મિસાલ પૂરી પાડી છે. રાજ્યના નાગલા તરાઈ વિસ્તારમાં મુખ્યમંત્રી પોતે ટિલર લઈને ખેતર ખેડતા જોવા મળ્યા હતા. માત્ર ખેતી જ નહીં, તેમણે ખેતરમાં કુદરતી ખાતર (ગાયના છાણ) નો ઉપયોગ કરીને ઓર્ગેનિક ખેતી તરફ વળવા માટે પ્રબળ સંદેશ આપ્યો છે. આ પ્રસંગે તેમના માતા શ્રીમતી બિષ્ના દેવી પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા, જેણે આ દ્રશ્યને વધુ ભાવનાત્મક અને યાદગાર બનાવ્યું હતું.
ખેતી માત્ર આજીવિકા નહીં, આપણી સંસ્કૃતિ છે
ખેતરમાં પરસેવો પાડતા મુખ્યમંત્રીએ ખેડૂતોની મહેનતને વંદન કરતા જણાવ્યું હતું કે, ખેતી એ માત્ર આજીવિકાનું સાધન નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અને આપણા ગ્રામીણ અર્થતંત્રનો આત્મા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જો આપણે આધુનિક ટેકનોલોજીને આપણી પરંપરાગત અને કુદરતી ખેતી પદ્ધતિઓ સાથે જોડીએ, તો કૃષિ ક્ષેત્રને વધુ ટકાઉ અને સમૃદ્ધ બનાવી શકાય છે.
રાસાયણિક ખેતી છોડો, કુદરત તરફ વળો
મુખ્યમંત્રી ધામીએ ખેડૂતોને અપીલ કરતા કહ્યું કે, જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે ગાયના છાણ જેવા કુદરતી ખાતરનો ઉપયોગ કરવો અત્યંત અનિવાર્ય છે. રાસાયણિક ખાતરો જમીનને ઝેરી બનાવી રહ્યા છે, ત્યારે ઓર્ગેનિક ખેતી એ આવનારી પેઢીઓ માટે પૃથ્વીને સુરક્ષિત રાખવાનો એકમાત્ર રસ્તો છે. રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવા અને સ્થાનિક ઓર્ગેનિક ઉત્પાદનોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે.
ગ્રામીણ વિકાસ અને યુવા પેઢી
રાજ્યના સર્વાંગી વિકાસ વિશે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ઉત્તરાખંડની ઓળખ પ્રકૃતિ અને કૃષિ સાથે જોડાયેલી છે. બાગાયત અને પરંપરાગત ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોને સઘન સહાય પૂરી પાડી રહી છે. તેમણે યુવા પેઢીને ખાસ સંદેશ આપતા કહ્યું કે, કૃષિ ક્ષેત્રે નવા આયામો સર કરવાની જરૂર છે અને યુવાનો જો ખેતી સાથે જોડાશે તો જ ગ્રામીણ ભારતનો વિકાસ ખરા અર્થમાં થશે. મુખ્યમંત્રીની આ સાદગી અને ખેતી પ્રત્યેનો તેમનો લગાવ આજે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
