<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

બાબા કેદારનાથ અને બદ્રીનાથના શરણે મુકેશ અંબાણી: બંને પવિત્ર ધામોમાં કર્યું ₹5 કરોડનું ભવ્ય દાન

.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેને ઉત્તરાખંડના હિમાલયની પહાડીઓમાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ મંદિરોમાં વિશેષ જલાભિષેક અને પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા : હેલિકોપ્ટર મારફતે પહોંચતા ભક્તોમાં ભારે ઉત્સાહ

દહેરાદૂન: ભારત અને વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સોમવારે સવારે ઉત્તરાખંડના પવિત્ર ચારધામ પૈકીના મુખ્ય એવા શ્રી બદ્રીનાથ અને શ્રી કેદારનાથ ધામના દર્શનાર્થે પહોંચ્યા હતા. આધ્યાત્મિકતા પ્રત્યે ઊંડી આસ્થા ધરાવતા અંબાણીએ બંને પવિત્ર મંદિરોમાં ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને લોકકલ્યાણ માટે વિશેષ પ્રાર્થના કરી હતી. આ ધાર્મિક યાત્રા દરમિયાન તેમણે બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિ ને બંને મંદિરોના વિકાસ અને વ્યવસ્થા અર્થે ₹5 કરોડની માતબર રકમનું દાન અર્પણ કર્યું હતું.

મુકેશ અંબાણીનું ખાનગી હેલિકોપ્ટર સવારે બરાબર 10 વાગ્યે બદ્રીનાથના હેલિપેડ પર ઉતર્યું હતું, જ્યાંથી તેઓ કડક સુરક્ષા વચ્ચે ભગવાન બદ્રીવિશાલના દરબારમાં પહોંચ્યા હતા. મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમણે વિશેષ પૂજા વિધિ સંપન્ન કરી હતી અને ત્યારબાદ મંદિર સમિતિના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરીને ત્યાંની વ્યવસ્થાઓની માહિતી મેળવી હતી. બદ્રીનાથમાં દર્શન પૂર્ણ કર્યા બાદ તુરંત જ સવારે 10:40 વાગ્યે તેમનું હેલિકોપ્ટર કેદારનાથ જવા રવાના થયું હતું અને આશરે 11:15 વાગ્યે બાબા કેદારના ધામમાં લેન્ડ થયું હતું.

હેલિપેડથી માત્ર 10 મિનિટમાં જ મુકેશ અંબાણી બાબા કેદારનાથના ગર્ભગૃહમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે અત્યંત શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવનો જલાભિષેક કર્યો હતો. દેશના આટલા મોટા ઉદ્યોગપતિને પોતાની વચ્ચે અચાનક જોઈને મંદિરમાં હાજર હજારો શ્રદ્ધાળુઓ રોમાંચિત થઈ ઉઠ્યા હતા અને આખું મંદિર સંકુલ "જય શ્રી રામ" અને "હર હર મહાદેવ" ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. મુકેશ અંબાણીએ પણ ખૂબ જ નમ્રતાપૂર્વક હાથ જોડીને તમામ ભક્તોનું અભિવાદન ઝીલ્યું હતું અને બપોરે 12 વાગ્યે અહીંથી સીધા દિલ્હી જવા રવાના થયા હતા.

(10:15 PM IST)