News of Tuesday, 16th June 2026
ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ સેનાનો સચોટ હુમલો: હમાસના બે ખતરનાક કમાન્ડરોનો ખાત્મો બોલાવાયો
ઈઝરાયેલ સૈન્ય પર હુમલાનું કાવતરું ઘડનારા આતંકવાદીઓ ઠાર: નાગરિકોને નુકસાન ન થાય તેની તકેદારી રખાઈ

તેલ અવીવ: ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ) દ્વારા સોમવારે ગાઝા પટ્ટીમાં કરવામાં આવેલી એક અત્યંત સચોટ અને મહત્ત્વપૂર્ણ હવાઈ કાર્યવાહીમાં હમાસના બે ટોચના કમાન્ડરોનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે. આ બંને આતંકવાદીઓ ઈઝરાયેલના સૈન્ય પર ઘાતક હુમલો કરવાની ફિરાકમાં હતા અને મોટો ખતરો ઊભો કરી રહ્યા હતા, પરંતુ કાવતરું પાર પડે તે પહેલા જ સૈન્યની પ્રિસિઝન સ્ટ્રાઈકમાં તેમને ફૂંકી મારવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, મધ્ય ગાઝા પટ્ટીમાં આઈડીએફ દ્વારા કરવામાં આવેલા હુમલામાં હમાસની નુસેરાત બટાલિયનના સેલ કમાન્ડર સાલેહ રમઝાન મુહમ્મદ ખલીફાને ઠાર મારવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, ઉત્તર ગાઝા પટ્ટીમાં વધુ એક સચોટ હુમલો કરાયો હતો, જેમાં હમાસની પશ્ચિમી જબાલિયા બટાલિયનના સેલ કમાન્ડર મુહમ્મદ મુસા દિયાબ અલ-હબીલને પણ મોતને ઘાટ ઉતારી દેવાયો છે.
આ કાર્યવાહી અંગે માહિતી આપતા સૈન્ય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આતંકવાદીઓ પર નિશાન સાધતા પહેલા આસપાસના સામાન્ય નાગરિકોને કોઈ નુકસાન ન થાય તે માટે હવાઈ નિરીક્ષણ સહિતની ખાસ તકેદારી રાખવામાં આવી હતી.
હાલમાં, દક્ષિણ કમાન્ડ હેઠળના ઈઝરાયેલી સૈનિકો યુદ્ધવિરામ કરાર મુજબ આ વિસ્તારોમાં સતત તૈનાત છે અને કોઈપણ સંભવિત તાત્કાલિક ખતરાને મૂળમાંથી જ ડામી દેવા માટે આક્રમક રીતે ઓપરેશન ચલાવી રહ્યા છે.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
