<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

ઈન્‍કમટેક્‍સ કરદાતાઓને મેસેજ મોકલી છેતરવાનો નવતર કીમિયો

આઈટીના નામે આવતા મેસેજની વેબસાઈટ પર તપાસ કરવી

મુંબઈ,તા.૧૬: ઇન્‍કમટેક્‍સ રિટર્ન ભરવાની શરૂઆત થાય અને તેના થોડા દિવસોમાં જ અનેક કરદાતાઓને રિફંડ મેળવવા માટેના મેસેજ અને ઈ-મેઈલ મોકલીને લોકોને છેતરવાનું સુવ્‍યવસ્‍થિત નેટવર્ક ચલાવવામાં આવતું હોય છે. તે અંતર્ગત અત્‍યારથી જ અનેક કરદાતાઓને આવા મેસેજ આવવાનું શરૂ થઈ ગયું છે.

લોકોને અલગ અલગ મેસેજ મોકલીને ઠગવા માટે દર વખતે નવા નવા કીમિયા શોધી કાઢવામાં આવતા હોય છે. થોડા સમય પહેલા આરટીઓના ચલણના નામે અનેક લોકો સાથે ઠગાઈ કરવાના ગુના નોંધાયા છે. જ્‍યારે હાલમાં ઈન્‍કમટેક્‍સના નામે લોકોના બેંક એકાઉન્‍ટ ખાલી કરતી ટોળકી સક્રિય બની છે. આ માટે ઈન્‍કમટેક્‍સ કરદાતાઓને મેઈલ અને એસએમએસ મોકલીને રિફંડ નહીં મળ્‍યું હોય તો અહીંયા ક્‍લીક કરો, તમને બીજા દિવસે જ રિફંડ મળી જશે તેવી લોભામણી વાત કરવામાં આવે છે. જેથી કરદાતા દ્વારા આવા મેસેજમાં ક્‍લીક કરે એટલે તેના ખાતામાં પડેલા રૂપિયા બારોબાર ઉપડી જાય છે. જેથી આવા લોકો દ્વારા કરવામાં આવતા મેસેજ કે ઈ-મેઈલ માટે સાવચેતી રાખવી જરૂરી છે.

બીજી તરફ ઈન્‍કમટેક્‍સ વિભાગ દ્વારા આવા કોઈ પણ મેસેજ કે ઈ-મેઈલ મોકલતું નથી. તેમજ ઈ-મેઇલ કરે તો પાન નંબરના આધારે ઈન્‍કમટેક્‍સની વેબસાઈટ પર જઈને તેની ચકાસણી પણ કરી શકાય તેવી વ્‍યવસ્‍થા વર્ષોથી કરી દેવામાં આવી છે. જેથી આવા લોકો સામે તકેદારી રાખવી જરૂરી છે. આ માટે ઈન્‍કમટેક્‍સ વિભાગ દ્વારા પણ કરદાતાઓને ચેતતા રહેવા માટે અપીલ કરી રહ્યા છે. તેના માટે ઈન્‍કમટેક્‍સ વિભાગે પોતાની વેબસાઇટ પર પણ જાણકારી આપવામાં આવી રહી છે. જોકે છેલ્‍લા પાંચેક વર્ષથી આ રીતે ઈન્‍કમટેક્‍સ કરદાતાઓને મેસેજ મોકલીને છેતરવાની તરકીબ કરવામાં આવતી હોય છે. તેની સામે આઈટી દ્વારા કરદાતાઓને મેસેજ અને વીડિયો મોકલીને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. તેના કારણે અનેક લોકો છેતરાતા બચી જતા હોવાનું જાણકારો કહી રહ્યા છે.

 

 

(10:25 AM IST)