News of Tuesday, 16th June 2026
DRDOની મોટી સિદ્ધિ: ભારતે 1000 કિમી રેન્જ ધરાવતી નવી લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ LRLACMનું સફળ પરીક્ષણ કરીને સંરક્ષણ ક્ષેત્રે નવી સિદ્ધિ હાંસલ કરી
સ્વદેશી ટેકનોલોજી પર આધારિત LRLACM મિસાઇલનું પરીક્ષણ સફળ; જમીન પરથી લાંબા અંતર સુધી ચોક્કસ નિશાન સાધવાની ક્ષમતા સાથે ભારતની મિસાઇલ શક્તિમાં વધારો, આત્મનિર્ભર ભારત અભિયાનને મળ્યું બળ

નવી દિલ્હી, તા. 16 : સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન-DRDOએ ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધુ એક સીમાચિહ્નરૂપ ઉમેરો કર્યો છે. DRDOએ સ્વદેશી ટેકનોલોજી પર આધારિત 1000 કિમી રેન્જ ધરાવતી નવી લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ LRLACMનું સફળ પરીક્ષણ કર્યું છે.
આ પરીક્ષણથી ભારત હવે જમીન પરથી લાંબા અંતર સુધી ચોક્કસ નિશાન સાધી શકે તેવી અદ્યતન ક્રૂઝ મિસાઇલ ધરાવતા દેશોની હરોળમાં મજબૂતીથી સ્થાન પામ્યું છે. LRLACM મિસાઇલ સંપૂર્ણપણે સ્વદેશી ડિઝાઇન અને વિકાસ પર આધારિત છે અને તે ઓછી ઊંચાઈએ ઉડાન ભરીને રડારની પકડમાં આવ્યા વિના દુશ્મનના લક્ષ્યને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.
આ મિસાઇલની 1000 કિમી સુધીની રેન્જ તેને વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વપૂર્ણ બનાવે છે કારણ કે તેનાથી ભારતની પ્રહાર ક્ષમતા અને પ્રતિરોધ શક્તિમાં નોંધપાત્ર વધારો થશે. DRDOના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે પરીક્ષણ દરમિયાન મિસાઇલના તમામ મિશન ઉદ્દેશ્યો સફળતાપૂર્વક પૂર્ણ થયા હતા અને સિસ્ટમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું હતું. આ સફળતા આત્મનિર્ભર ભારત અભિયાન અને મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ મજબૂત બનાવે છે કારણ કે LRLACMમાં વપરાયેલી મોટાભાગની ટેકનોલોજી અને સિસ્ટમો ભારતમાં જ વિકસાવવામાં આવી છે. સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોના મતે આ મિસાઇલના સફળ પરીક્ષણથી ભારતની ત્રિદળ સેનાની પ્રહાર ક્ષમતામાં નવો ઉમેરો થયો છે અને ભવિષ્યમાં આ મિસાઇલને નૌસેના અને વાયુસેના માટે પણ વિકસાવવાની શક્યતા છે.
DRDOની આ સિદ્ધિ દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વની રક્ષા માટે એક મોટું પગલું ગણાઈ રહી છે અને તેનાથી ભારત વિશ્વ મંચ પર સંરક્ષણ ટેકનોલોજીના ક્ષેત્રે વધુ આત્મવિશ્વાસ સાથે ઊભું રહી શકશે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
