News of Tuesday, 16th June 2026
એર ઇન્ડિયા એક્સપ્રેસની જેદ્દાહ ફ્લાઇટમાં મિડ-એર એન્જિન વોર્નિંગ: ઉડાન ભર્યા બાદ 2 કલાક હવામાં ચક્કર, કન્નુર એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ
IX-815 ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા પાયલટે તાત્કાલિક પાછા ફરવાનો નિર્ણય લીધો; 160થી વધુ મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખી પ્રિકોશનરી લેન્ડિંગ, DGCA તપાસ કરશે

કન્નુર, તા. 16 : એર ઇન્ડિયા એક્સપ્રેસની વધુ એક ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે ચર્ચામાં આવી છે. કન્નુરથી જેદ્દાહ જઈ રહેલી ફ્લાઇટ IX-815માં ઉડાન ભર્યાના થોડા સમય બાદ જ એન્જિનમાં ખામીનો સંકેત-Engine Warning મળ્યો હતો. આ પછી પાયલટે સાવચેતીના ભાગરૂપે ફ્લાઇટને કન્નુર એરપોર્ટ પર જ પરત લાવવાનો નિર્ણય કર્યો હતો.
ફ્લાઇટમાં 160થી વધુ મુસાફરો સવાર હતા. એન્જિન વોર્નિંગ મળ્યા બાદ લગભગ 2 કલાક સુધી ફ્લાઇટ હવામાં ચક્કર લગાવતી રહી. આ દરમિયાન પાયલટે એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ-ATC સાથે સત સંપર્કમાં રહીને ફ્યુઅલ બર્ન કરીને ફ્લાઇટનું વજન હળવું કર્યું હતું, જેથી સુરક્ષિત લેન્ડિંગ થઈ શકે. આ પ્રક્રિયાને ‘હોલ્ડિંગ પેટર્ન’ કહેવામાં આવે છે.
2 કલાકની રાહબાદ ફ્લાઇટનું કન્નુર એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. લેન્ડિંગ સમયે એરપોર્ટ પર ઇમરજન્સી સર્વિસની ટીમો સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હતી. તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. લેન્ડિંગ બાદ મુસાફરોને ટર્મિનલમાં શિફ્ટ કરી દેવાયા હતા અને એરલાઇન દ્વારા તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે ફ્લાઇટમાં ટેકનિકલ કારણસર પ્રિકોશનરી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મુસાફરોની સલામતી એ અમારી પ્રથમ પ્રાથમિકતા છે અને તેના માટે તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું છે. ખામીવાળા એન્જિનની તપાસ માટે ટેકનિકલ ટીમને બોલાવવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં ટેકનિકલ ખામીઓની ઘટનાઓ વધી છે જેના કારણે મુસાફરોમાં ચિંતા ફેલાઈ છે. DGCAએ પણ આ ઘટનાની નોંધ લઈને તપાસના આદેશ આપ્યા છે. એન્જિનમાં શું ખામી સર્જાઈ હતી અને તે કેટલી ગંભીર હતી તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
