પાકિસ્તાન સામે કાશ્મીરી બળવાખોરોનો સૌથી મોટો બળવો : ભારત સાથે વેપાર શરૂ કરવાની ખુલ્લી માંગ : PoK છોડો, તમારી સબસિડી તમારા મોઢા પર મારીશું
ઇસ્લામાબાદની આર્થિક કટોકટી અને સંસાધનોની લૂંટથી ત્રસ્ત બનેલા જમ્મુ-કાશ્મીર સંયુક્ત આવામી કાર્યવાહી સમિતિના નેતા સરદાર અમન કાશ્મીરીએ પાકિસ્તાની સેનાને આપી સીધી ચેતવણી, કહ્યું- ભારત સામે રક્ષણ મેળવવું એ અમારો મુદ્દો છે, તમારો નહીં

રાવલકોટ : પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીર (PoK) માં વહીવટી અને લશ્કરી શાસન સામે ચાલી રહેલો જનઆક્રોશ હવે એક સશક્ત બળવામાં પરિવર્તિત થઈ ચૂક્યો છે. વીજળીના બિલ, મોંઘા ઘઉં અને સતત થતા આર્થિક શોષણ સામે શરૂ થયેલું આ આંદોલન હવે પાકિસ્તાનની સત્તાને સીધો જ પડકાર આપી રહ્યું છે. તાજેતરમાં રાવલકોટ ખાતે યોજાયેલી એક પ્રચંડ રેલીમાં જમ્મુ અને કાશ્મીર સંયુક્ત આવામી કાર્યવાહી સમિતિ (JAAC) ના ફાયરબ્રાન્ડ નેતા સરદાર અમન કાશ્મીરીએ પાકિસ્તાની હુકુમત પર પ્રહારો કરતા ગર્જના કરી હતી કે, "અમે તમારી સબસિડી ભીખમાં માંગતા નથી, પણ તમારા મોઢા પર મારીએ છીએ. આ અમારો દેશ છે, અમારું રાજ્ય છે, માટે પાકિસ્તાની સેના તાત્કાલિક અહીંથી બહાર નીકળે. અમારે ભારત અને જમ્મુ-કાશ્મીર સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે અમારો મુદ્દો છે, તેમાં તમારું કોઈ કામ નથી."
વર્ષ 2024 અને 2025 થી સતત ભભૂકી રહેલી આ ચળવળે હવે પાકિસ્તાનના કાશ્મીર એજન્ડાના લીરેલીરા ઉડાવી દીધા છે. પાકિસ્તાન સરકાર દ્વારા સ્થાનિક લોકોને આર્થિક રીતે દબાવવા માટે રાશન સપ્લાય રોકવાના થઈ રહેલા પ્રયાસોનો જડબાતોડ જવાબ આપતા વિરોધ પક્ષના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે જો ઇસ્લામાબાદ તેમના હકનું અનાજ રોકશે, તો તેઓ ભારત તરફ જતા પરંપરાગત વેપાર માર્ગોને ફરીથી ખોલતા અચકાશે નહીં. પાકિસ્તાન દ્વારા અગાઉ આપવામાં આવેલી કામચલાઉ આર્થિક રાહતોને લોલીપોપ ગણાવતા કાશ્મીરી નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ઇસ્લામાબાદ માત્ર સ્થાનિક કુદરતી સંસાધનોની લૂંટ ચલાવી રહ્યું છે. સરદાર અમને પાકિસ્તાની સેનાની હાજરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "ભારત સામે સરહદનું રક્ષણ કરવું એ અમારો મામલો છે, સેના અહીં સુરક્ષાના નામે માત્ર આતંક ફેલાવી રહી છે."
રાજકીય વિશ્લેષકોના મતે, PoK માંથી ઉઠેલા આ બળવાખોર અવાજો પાકિસ્તાન માટે વૈશ્વિક સ્તરે અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો છે. પાકિસ્તાન હંમેશા આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીરીઓના હકની વાતો કરતું આવ્યું છે, પરંતુ ખુદ તેના જ કબજા હેઠળના લોકો હવે પાકિસ્તાનથી મુક્તિ મેળવીને ભારત સાથે વ્યાપારી અને રાજકીય સંબંધો સ્થાપિત કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. સ્થાનિક નાગરિકો હવે વૈકલ્પિક આર્થિક તકો અને પોતાના ભૌગોલિક અધિકારો માટે આરપારની લડાઈના મૂડમાં છે. પીઓકેની ધરતી પરથી ગુંજેલો 'ભારત સાથે વેપાર માર્ગો ખોલવાનો' આ નારો આગામી દિવસોમાં દક્ષિણ એશિયાના ભૂ-રાજકીય સમીકરણોને સંપૂર્ણપણે બદલી નાખે તેવી પ્રબળ સંભાવનાઓ દેખાઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
