<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

અબજોનો ખજાનો અને ટનબંધ સોનું: ભારતના સૌથી ધનિક મંદિરોની સંપત્તિનો આંકડો જાણી આંખો પહોળી થઈ જશે, જાણો કયા ક્રમે છે અયોધ્યાનું રામ મંદિર

તિરુપતિ બાલાજી ₹૨.૨૬ લાખ કરોડની સંપત્તિ સાથે દેશમાં સૌથી મોખરે : જ્યારે ભક્તિ અને ભવ્યતાના નવા પ્રતીક બનેલા અયોધ્યાના રામ મંદિરે ટૂંકા ગાળામાં જ કરોડોની કમાણી કરી ધનકુબેરોની યાદીમાં મેળવ્યું ટોચનું સ્થાન

અયોધ્યા:  ભારત દેશ અનાદિકાળથી આસ્થા અને સંસ્કૃતિનો દેશ રહ્યો છે, પરંતુ અહીં આવેલા ભવ્ય મંદિરો માત્ર શ્રદ્ધાના જ કેન્દ્રો નથી, પણ દેશની સૌથી મોટી અને સમૃદ્ધ નાણાકીય સંસ્થાઓ પણ છે. લાખો-કરોડો ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા દાન, સોના-ચાંદીના દાગીના અને રોકાણોને કારણે આ ધાર્મિક સ્થળોનો આર્થિક વૈભવ અબજો રૂપિયાનો છે. આ ધનકુબેર મંદિરોની યાદીમાં આંધ્રપ્રદેશનું 'તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ' (તિરુપતિ બાલાજી) ₹2.26 લાખ કરોડથી વધુની કુલ સંપત્તિ સાથે ભારતમાં પ્રથમ ક્રમે રાજ કરે છે. બાલાજી મંદિરની વાર્ષિક આવક જ ₹5,258.68 કરોડ છે, જેમાં 10.3 ટન સોનું અને ₹15,938 કરોડથી વધુની રકમ વિવિધ બેંક ખાતાઓમાં જમા છે, જે ભારતની અજોડ ધાર્મિક સંપત્તિ દર્શાવે છે.

આ યાદીમાં હાલમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અયોધ્યાનું ભવ્ય 'શ્રી રામ જન્મભૂમિ મંદિર' બન્યું છે. આવકની દ્રષ્ટિએ રામ મંદિર ખૂબ જ ટૂંકા ગાળામાં દેશના ટોચના ધનિક મંદિરોની યાદીમાં પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. નાણાકીય વર્ષ 2024-25 માં રામ મંદિરની વાર્ષિક આવક ₹327 કરોડ નોંધાઈ છે, જ્યારે મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટને અત્યાર સુધીમાં ₹3,500 કરોડનું જંગી ભંડોળ પ્રાપ્ત થયું છે. અયોધ્યામાં દરરોજ સરેરાશ ₹20 થી ₹30 લાખનું રોકડા દાન બોક્સમાં આવે છે. આ મંદિરની નાણાકીય તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રામ મંદિર ટ્રસ્ટે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારને અંદાજે ₹400 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે, જે ભારતીય ધાર્મિક ઇતિહાસમાં એક મોટો રેકોર્ડ છે.

દક્ષિણથી લઈને ઉત્તર ભારત સુધીના અન્ય મંદિરો પણ અબજોની સંપત્તિ ધરાવે છે. મહારાષ્ટ્રનું શિરડી સાંઈ બાબા સંસ્થાન ટ્રસ્ટ વાર્ષિક ₹900 કરોડની આવક અને ₹2,693 કરોડની કુલ સંપત્તિ સાથે બીજા ક્રમે આવે છે, જેમાંથી ₹2,500 કરોડ માત્ર બેંક એફડીમાં છે. કેરળનું સબરીમાલા અયપ્પા મંદિર નાણાકીય વર્ષ 2024-25 માં ₹440 કરોડની રેકોર્ડ આવક સાથે ત્રીજા સ્થાને છે, જે તેની ખાસ ત્રણ મહિનાની મંડલા સીઝનમાં જ આ કમાણી કરે છે. આ ઉપરાંત, ઓડિશાનું જગન્નાથ મંદિર વાર્ષિક ₹200-250 કરોડના દાન અને 60,000 એકર જમીન સાથે તેમજ જમ્મુનું માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ ₹171.90 કરોડની વાર્ષિક આવક, 27.7 કિલો સોનું અને 3,424 કિલો ચાંદીના ખજાના સાથે દેશના સૌથી ધનિક આસ્થા કેન્દ્રોમાં સામેલ છે.

આ યાદીના અન્ય ધનકુબેરો પર નજર કરીએ તો કેરળનું ગુરુવયુરપ્પન કૃષ્ણ મંદિર ₹1,500-180 કરોડની વાર્ષિક આવક, ₹1,700 કરોડની બેંક બેલેન્સ અને 260 કિલો સોનાની ગુપ્ત સંપત્તિ સાથે વૈભવશાળી સ્થાન ધરાવે છે. આર્થિક પાટનગર મુંબઈનું લડકા ગણેશજીનું સિદ્ધિવિનાયક મંદિર પણ કોર્પોરેટ્સ અને બોલિવૂડ સેલિબ્રિટીઝના બળ પર વર્ષ 2024-25 માં ₹133 કરોડની કમાણી કરી ચૂક્યું છે, જે આગામી વર્ષે ₹154 કરોડે પહોંચવાનો અંદાજ છે. તમિલનાડુનું ઐતિહાસિક મીનાક્ષી અમ્માન મંદિર પણ સોના-હીરાના સ્વરૂપમાં વાર્ષિક ₹60 થી ₹80 કરોડનું દાન મેળવે છે. આ તમામ આંકડા સાબિત કરે છે કે ભારતના આ ટોચના 10 મંદિરો પાસે એટલું સોનું અને રોકડ અનામત છે જે દુનિયાના કેટલાક નાના દેશોની કુલ અર્થવ્યવસ્થા કરતાં પણ ઘણું વધારે છે.

(8:29 PM IST)