<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

અયોધ્યા રામ મંદિરમાં પ્રસાદ-દાનની રકમ ચોરી કરનાર ‘ટોળકી’નો પર્દાફાશ: ૫ થી ૬ કર્મચારીઓએ જ આચરી ગદ્દારી: કરોડો રૂપિયાની હેરાફેરીની શંકા

સીસીટીવી કેમેરાના ફૂટેજ દ્વારા ચોરીની પુષ્ટિ થયા બાદ સરકારે તપાસ માટે SIT ની રચના કરી : પૂછપરછ અને બેંક વ્યવહારોની તપાસ શરૂ થતાં કૌભાંડનો આંકડો મોટો હોવાની આશંકા

અયોધ્યા:   અયોધ્યાના ભવ્ય અને પવિત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિરમાંથી ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા પ્રસાદ અને દાનપેટીની રકમની ચોરી થવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેને પગલે સમગ્ર દેશના શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ મહાપાપમાં મંદિરના જ 5 થી 6 આંતરિક કર્મચારીઓ સામેલ હતા, જેઓ દાનપેટીઓમાંથી મોટી રકમની ઉઠાવતરી કરી રહ્યા હતા. મંદિર ટ્રસ્ટના ઉચ્ચ અધિકારીઓએ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરીને આ ચોરીની પુષ્ટિ કરી છે. હાલમાં મંદિર પરિસરમાં દાનપેટીઓની સંખ્યા 10 થી વધારીને 40 કરવામાં આવી છે અને આ નાણાંની ગણતરીમાં કુલ 50 કર્મચારીઓ તૈનાત હતા, જેમાંથી જ કેટલાક લોકોએ આ ગદ્દારી આચરી હોવાનું બહાર આવ્યું છે.

આ હાઈ-પ્રોફાઈલ ચોરીની ગંભીરતાને જોતા ઉત્તર પ્રદેશની યોગી સરકારે તાત્કાલિક એસઆઈટીની રચના કરીને આગામી 15 દિવસમાં સંપૂર્ણ તપાસ અહેવાલ રજૂ કરવાનો કડક આદેશ આપ્યો છે. એસઆઈટીની ટીમે સતત બીજા દિવસે રામ મંદિર પરિસરની મુલાકાત લઈને 42 થી વધુ શંકાસ્પદ કર્મચારીઓ અને ટ્રસ્ટના સભ્યોની સઘન પૂછપરછ હાથ ધરી છે. તપાસ ટીમ માત્ર ચોરીના સમયગાળાની જ શોધખોળ નથી કરી રહી, પરંતુ શંકાના દાયરામાં આવેલા તમામ કર્મચારીઓના તાજેતરના બેંક વ્યવહારો, મોટા આર્થિક રોકાણો અને મિલકતોની ખરીદીના રેકોર્ડ પણ ફંગોળી રહી છે, જેથી આ ચોરી કેટલા સમયથી ચાલતી હતી અને કુલ કેટલા રૂપિયાની હેરાફેરી થઈ છે તેનો સચોટ આંકડો મેળવી શકાય.

દરમિયાન, આ સમગ્ર કૌભાંડમાં રામ શંકર ઉર્ફે ટીનુ યાદવ નામના વ્યક્તિની ભૂમિકા અત્યંત શંકાસ્પદ માનવામાં આવી રહી છે. જોકે, માધ્યમો સાથેની વાતચીતમાં ટીનુ યાદવે પોતાની સફાઈ આપતા જણાવ્યું હતું કે, "મારે દાન કે પ્રસાદની ગણતરી સાથે કોઈ લેવાદેવા નથી, મારું કામ માત્ર મંદિરની સ્વચ્છતા, પાણી પુરવઠો અને પંખાની દેખરેખ રાખવાનું હતું. મેં વર્ષ 2008માં જમીન ખરીદીને હોસ્ટેલ બનાવી હતી અને હું અગાઉ ટેમ્પો ડ્રાઈવર તરીકે કામ કરતો હતો." તેણે ઉમેર્યું કે ભગવાન બધું જોઈ રહ્યા છે અને આ પાપમાં જે પણ દોષિત હોય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હાલમાં એસઆઈટીની કડક તપાસને કારણે મંદિર પ્રશાસન અને કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

(8:30 PM IST)