<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

હિમાચલ હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો : પૈસા બચાવવાના બહાને બેરોજગારોનું શોષણ બંધ કરો :સરકારી વિભાગોમાં આઉટસોર્સિંગ ભરતી પર લગાવ્યો કડક પ્રતિબંધ

ભરતી અને પ્રમોશનના નિયમોને બાયપાસ કરીને પાછલા બારણેથી અપાતી નોકરીઓ સામે ચીફ જસ્ટિસની બેન્ચ લાલઘૂમ : આરોગ્ય અને નાણાં સચિવને કોર્ટમાં હાજર થવા આદેશ

શિમલા:  સરકારી વિભાગોમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી થતી ભરતીઓ સામે હિમાચલ પ્રદેશ હાઇકોર્ટે એક અત્યંત કડક અને ઐતિહાસિક ચુકાદો આપીને બેરોજગાર યુવાનોના પક્ષમાં મોટો આદેશ જારી કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ ગુરમીત સિંહ સંધાવાલિયા અને ન્યાયાધીશ બી.સી. નેગીની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકાર અને તેના તમામ ઉપક્રમોમાં આઉટસોર્સિંગ ભરતીઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે સરકારને ફટકાર લગાવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "રાજ્ય સરકાર બજેટ કે પૈસા બચાવવાના બહાને દેશના શિક્ષિત બેરોજગારોનું મનસ્વી અને ભેદભાવપૂર્ણ શોષણ કરી શકે નહીં. કાયદેસરની ખાલી જગ્યાઓ ઉપલબ્ધ હોવા છતાં, નિર્ધારિત ભરતી પ્રક્રિયાનું પાલન કર્યા વિના પાછલા બારણેથી લોકોને રાખવા એ યુવાનોને તેમના વૈધાનિક અધિકારોથી વંચિત રાખવા સમાન છે."

હાઇકોર્ટ સમક્ષ સુનાવણી દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આરોગ્ય વિભાગ સહિતના સરકારી તંત્રોમાં અધિકારીઓ દ્વારા પોતાના અંગત સ્વાર્થ અને અજાણ્યા હેતુઓ માટે એક ગુપ્ત રસ્તો ખોલવામાં આવ્યો હતો. પહેલા લોકોને આઉટસોર્સિંગ ધોરણે રાખવામાં આવતા હતા અને બાદમાં કોઈ પણ નિયમ વિના તેમને સીધા દર્દી કલ્યાણ સમિતિમાં સમાવી લેવાતા હતા. આ ગેરરીતિ સામે આક્રોશ વ્યક્ત કરતા કોર્ટે જ્યારે કુલ આઉટસોર્સ કર્મચારીઓનો ડેટા માંગ્યો, ત્યારે રાજ્ય સરકારે લાચારી દર્શાવી કે તેની પાસે આ અંગેની કોઈ ચોક્કસ માહિતી જ નથી. વહીવટીતંત્રની આ ગંભીર બેદરકારીને પગલે હાઇકોર્ટે રાજ્યના આરોગ્ય સચિવ અને નાણાં સચિવને આ મામલે વ્યક્તિગત રીતે કોર્ટ સમક્ષ હાજર થઈને સ્પષ્ટતા કરવાનો આકરો આદેશ આપ્યો છે.

કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, રાજ્યની વિવિધ 42 સરકારી સંસ્થાઓમાં હાલમાં 17,114 જેટલા લોકો આઉટસોર્સિંગ દ્વારા શોષણનો ભોગ બનીને કામ કરી રહ્યા છે. જેમાં પોલીસ મહાનિર્દેશકની કચેરીમાં 630, જલ શક્તિ વિભાગમાં 542, વિદ્યુત નિગમમાં 1,473, કૃષિ નિયામકમંડળમાં 803 અને તબીબી શિક્ષણ વિભાગમાં 2,578 લોકોનો સમાવેશ થાય છે. કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે કે કાયમી નોકરીના સ્થાને આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરીને યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. સરકારી નોકરીઓની તૈયારી કરતા લાખો ઉમેદવારો માટે આ ચુકાદો મોટી આશા સમાન સાબિત થયો છે, ત્યારે હવે આગામી 7 જુલાઈના રોજ યોજાનારી સુનાવણી પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.

(8:31 PM IST)