<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

ટેલિગ્રામ પર પ્રતિબંધથી દેશમાં મોટો બબાલ: IIT કાનપુરના ડિરેક્ટર અને ૧૮ વર્ષના વિદ્યાર્થી આમને-સામને: WhatsApp ને કેમ છોડી દીધું?

NEET-UG ૨૦૨૬ ની પુનઃપરીક્ષા પહેલાં સરકારના એકપક્ષીય નિર્ણય સામે સોશિયલ મીડિયા પર યુદ્ધ: ટેલિગ્રામના એડિટ ફીચર અને નકલી પેપર લીકની અફવાઓ અંગે ટેકનિકલ દલીલોની જોરદાર જંગ

નવી દિલ્હી:  દેશની સૌથી મોટી તબીબી પ્રવેશ પરીક્ષા NEET-UG ૨૦૨૬ ની પુનઃપરીક્ષા યોજાય તે પહેલાં જ કેન્દ્ર સરકાર દ્વારા લોકપ્રિય મેસેજિંગ એપ ટેલિગ્રામ પર આગામી ૨૨ જૂન સુધી કામચલાઉ પ્રતિબંધ મૂકવાના નિર્ણયે દેશભરમાં એક નવો મોટો વિવાદ છેડી દીધો છે. આ આકરા નિર્ણય બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ૧૮ વર્ષના તેજસ્વી વિદ્યાર્થી સાર્થક સિદ્ધાંત અને આઈઆઈટી (IIT) કાનપુરના ડિરેક્ટર પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલ વચ્ચે ટેકનિકલ મુદ્દાઓ પર જોરદાર શાબ્દિક જંગ શરૂ થઈ ગઈ છે, જે હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. અગાઉ સીબીએસઈ (CBSE) ની મૂલ્યાંકન પ્રક્રિયામાં ચાલતી ગેરરીતિઓનો પર્દાફાશ કરીને રાષ્ટ્રીય સ્તરે લાઈમલાઈટમાં આવેલા વિદ્યાર્થી સાર્થકે સરકારના આ વલણ સામે સણસણતો સવાલ ઉઠાવ્યો હતો કે, જો ખોટી માહિતી અને અફવાઓ ફેલાવવાનો જ તર્ક હોય તો દેશમાં વૉટ્સએપ (WhatsApp) કે એક્સ (X) ને કેમ અસ્પૃશ્ય છોડી દેવામાં આવ્યા છે?

આ ધારદાર સવાલના જવાબમાં આઈઆઈટી કાનપુરના ડિરેક્ટર મણીન્દ્ર અગ્રવાલે સરકારના પ્રતિબંધના આદેશનો મજબૂતીથી બચાવ કર્યો હતો અને ટેલિગ્રામના એક ચોક્કસ તકનીકી પાસા તરફ આંગળી ચીંધી હતી. પ્રોફેસર અગ્રવાલે દાવો કર્યો હતો કે ટેલિગ્રામમાં એવી વિશિષ્ટ સુવિધા છે જેમાં મેસેજ એડિટ (સુધારો) કર્યા પછી પણ યુઝર્સને ઘણીવાર એ સ્પષ્ટ દેખાતું નથી કે સંદેશામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે અસામાજિક તત્વો જૂની પોસ્ટ સુધારીને નકલી પેપર લીકના ભ્રામક પુરાવા ઊભા કરે છે અને વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાવે છે. જોકે, વિદ્યાર્થી સાર્થકે ડિરેક્ટરના આ ટેકનિકલ દાવાને સરેઆમ નકારી કાઢ્યો હતો અને ટેલિગ્રામના ઓપન-સોર્સ કોડનો સત્તાવાર પુરાવો રજૂ કરીને સાબિત કર્યું હતું કે પ્લેટફોર્મ પર એડિટ કરેલા મેસેજની સાથે તેનો ચોક્કસ સમય અને તારીખ સ્પષ્ટ દેખાય જ છે, જેથી ટેલિગ્રામ વિશે ખોટી માહિતી ફેલાવી આખા પ્લેટફોર્મને નિશાન બનાવવું અન્યાયી છે.

બીજી તરફ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની કડક ભલામણ બાદ જ સરકારે ૨૧ જૂને યોજાનારી NEET પુનઃપરીક્ષાને સુરક્ષિત રાખવા માટે આ આકરો કદમ ઉઠાવ્યો છે. એનટીએના સત્તાવાર અહેવાલ મુજબ, ટેલિગ્રામ પર "પેપર લીક્ડ NEET" અને "પ્રાઇવેટ માફિયા" જેવી અનેક શંકાસ્પદ ચેનલો સક્રિય થઈ હતી, જે વિદ્યાર્થીઓ અને ભોળા વાલીઓ પાસેથી અસલી પ્રશ્નપત્ર આપવાના નામે ખુલ્લેઆમ લાખો રૂપિયાની ખંડણી માંગી રહી હતી. એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે પરીક્ષાના તમામ પેપર્સ સંપૂર્ણ સુરક્ષિત વૉલ્ટમાં છે અને બહાર ક્યાંય ઉપલબ્ધ નથી, જેથી અફવાઓ પર લગામ લગાવવા માટે ૨૨ જૂન સુધી આ પ્રતિબંધ અનિવાર્ય હતો. હવે આ પ્રતિબંધથી પેપર લીક માફિયાઓ અટકશે કે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધશે, તે ૨૧ જૂનની પરીક્ષા બાદ જ સ્પષ્ટ થશે.

(8:33 PM IST)