News of Tuesday, 16th June 2026
આધાર કાર્ડથી નાગરિકતા મેળવવાની ‘ખતરનાક રમત’? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને ફટકારેલી નોટિસથી ખળભળાટ
ગેરકાયદેસર ઘુસણખોરો ઓળખના આ દસ્તાવેજનો દુરુપયોગ કરી સરનામું, મતદાર યાદી અને સરકારી યોજનાઓનો લાભ લેતા હોવાની અરજી પર દેશની સર્વોચ્ચ અદાલત કડક મૂડમાં

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટે મંગળવારે આધાર કાર્ડના કથિત દુરુપયોગ અંગે દાખલ કરાયેલી એક અત્યંત સંવેદનશીલ અરજી પર સુનાવણી હાથ ધરીને કેન્દ્ર સરકાર, તમામ રાજ્યો અને ચૂંટણી પંચને આકરી નોટિસ ફટકારી છે. વરિષ્ઠ વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી આ જનહિત અરજીમાં ચોંકાવનારો આરોપ લગાવવામાં આવ્યો છે કે દેશમાં ઘૂસી આવેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ઘુસણખોરો નાગરિકતા હાસલ કરવા તેમજ સરકારી દસ્તાવેજો બનાવવા માટે આધાર કાર્ડનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે મામલાની ગંભીરતાને જોતાં તમામ પક્ષકારો પાસેથી તાત્કાલિક જવાબ માંગ્યો છે અને આધાર કાર્ડના વ્યાપક ઉપયોગની મર્યાદાઓ નક્કી કરવા સંકેત આપ્યા છે.
આ કાનૂની લડાઈમાં સૌથી મોટો મુદ્દો એ ઉઠાવવામાં આવ્યો છે કે આધાર કાર્ડ કાયદાકીય રીતે માત્ર એક વ્યક્તિની ઓળખની ચકાસણી કરવા માટે જ બનાવવામાં આવ્યું છે. આધાર અધિનિયમ, ૨૦૧૬ની કલમ ૯ અને UIDAIની ઓગસ્ટ ૨૦૨૩ની માર્ગદર્શિકા સ્પષ્ટપણે જાહેર કરે છે કે આધાર એ નાગરિકતા, રહેઠાણ, સરનામું કે જન્મ તારીખનો કોઈ કાયદેસર પુરાવો નથી. આમ છતાં, વર્તમાન સમયમાં નવા મતદાર તરીકે નોંધણી કરાવવા માટેના ‘ફોર્મ-૬’માં સરનામા અને ઉંમરના પુરાવા તરીકે તેનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, જે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ અને ભારતીય બંધારણની કલમ ૧૪નું સીધું ઉલ્લંઘન છે.
અરજીમાં વધુમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે આ સરકારી છટકબારીનો લાભ લઈને ઘુસણખોરો શાળા પ્રવેશ, મિલકતની ખરીદી, રેશન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા મહત્વના દસ્તાવેજો સહેલાઈથી મેળવી રહ્યા છે, જે દેશની આંતરિક સુરક્ષા માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. આ ગંભીર લૂપહોલ્સને રોકવા માટે ચૂંટણી પ્રક્રિયા અને ચકાસણી પ્રણાલીમાં આમૂલ પરિવર્તન કરવાની માંગ કરાઈ છે. આ સાથે જ, સુપ્રીમ કોર્ટેના નિવૃત્ત ન્યાયાધીશો, સાયબર સુરક્ષા નિષ્ણાતો અને ફોરેન્સિક એક્સપર્ટ્સની બનેલી એક ઉચ્ચ સ્તરીય દેખરેખ સમિતિ રચવાની દરખાસ્ત પણ મૂકવામાં આવી છે, જે ભવિષ્યમાં આધારના થતા દુરુપયોગને અટકાવવા માટે મજબૂત કિલ્લાબંધી કરી શકે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
