News of Tuesday, 16th June 2026
દિલ્હીમાં પાકિસ્તાની આતંકી નેટવર્કનો પર્દાફાશ: ISI ના ઈશારે સક્રિય થયેલી ગેંગના 7 સાગરીતો ઝડપાયા, ડ્રોન દ્વારા શસ્ત્રો અને ડ્રગ્સની હેરાફેરીનો થયો ખુલાસો
સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને લાલચ આપી આતંકના રસ્તે ધકેલવાનું કાવતરું નિષ્ફળ; દિલ્હી-NCR અને આસપાસના સંવેદનશીલ વિસ્તારો પર હતી આ ગેંગની નજર

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓએ એક મોટા આતંકવાદી નેટવર્કને તોડી પાડવામાં સફળતા મેળવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI ના નિર્દેશ પર કામ કરતા 7 શખ્સોની ધરપકડ કરી છે. આ ગેંગનો મુખ્ય હેતુ ભારતની આંતરિક સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો હતો. તપાસમાં સામે આવ્યું છે કે પાકિસ્તાન સ્થિત આકાઓ શાહજાદ ભટ્ટી અને અજમલ ગુજ્જરના ઈશારે આ નેટવર્ક પંજાબ સરહદ મારફતે ડ્રોન દ્વારા શસ્ત્રો અને ડ્રગ્સની દાણચોરી કરી રહ્યું હતું.
યુવાનોને કેવી રીતે ફસાવતા હતા?
આ આતંકી મોડ્યુલની કામગીરી ખૂબ જ ખતરનાક હતી. સ્પેશિયલ સેલના જણાવ્યા અનુસાર, તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને યુવાનોને નિશાન બનાવતા હતા. પૈસાની લાલચ અને અંડરવર્લ્ડના આકર્ષણનો ઉપયોગ કરીને યુવાનોને ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં ખેંચવામાં આવતા હતા. પોલીસને તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી પાંચ પિસ્તોલ, 41 જીવંત કારતૂસ અને સાત મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. સાથે જ એક સ્કોર્પિયો ગાડી પણ મળી આવી છે, જેનો ઉપયોગ શસ્ત્રોની હેરાફેરી માટે થતો હતો.
દિલ્હી અને ગાઝિયાબાદ પર હતી નજર:
આ ગેંગના સભ્યો માત્ર દાણચોરી જ નહીં, પરંતુ દિલ્હી અને ગાઝિયાબાદ જેવા મહત્વના વિસ્તારોમાં 'રેકી' પણ કરી રહ્યા હતા. તેઓ મહત્વના સ્થળોના ફોટોગ્રાફ્સ અને વીડિયો પાકિસ્તાન મોકલી રહ્યા હતા, જે દેશની સુરક્ષા સામે મોટો ખતરો હતો. પોલીસના મતે, આ નેટવર્કના સભ્યો અગાઉ પણ હત્યા, લૂંટ અને હથિયારોના ગુનાઓમાં સામેલ રહી ચૂક્યા છે. પોલીસની સમયસૂચકતાને કારણે એક મોટું આતંકી કાવતરું નિષ્ફળ ગયું છે.
તપાસનો વ્યાપ વધ્યો:
મે 2026માં મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસે સૌપ્રથમ મોહિત ઉર્ફે યોગીની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા અને ત્યાર બાદ આ આખું નેટવર્ક બહાર આવ્યું. અત્યારે પોલીસ તે લોકોની શોધ કરી રહી છે જેઓ આ નેટવર્કને ફંડિંગ પૂરું પાડતા હતા અને હથિયારો સપ્લાય કરતા હતા. અધિકારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં આ મામલે વધુ ધરપકડ થઈ શકે છે અને કેટલાક નવા કનેક્શન પણ સામે આવી શકે છે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
