<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

પ્રખ્યાત હાસ્ય કલાકાર અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીના અમેરિકા-કેનેડાના પ્રવાસે રચ્યો ઈતિહાસ : ૧૮ સફળ કાર્યક્રમો દ્વારા ગુજરાતની વિવિધ સંસ્થાઓ માટે આશરે ૧૦ કરોડનું માતબર ભંડોળ એકત્ર કર્યું

સવા બે મહિનાના પ્રવાસ બાદ વતન પરત ફરેલા ડો. ત્રિવેદીના હાસ્ય દરબારથી મુની સેવા આશ્રમ, વિવેકાનંદ નેત્રમંદિર અને સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ સહિતની અનેક લોકકલ્યાણ પ્રવૃત્તિઓને મળી કરોડોની આર્થિક સહાય : હવે જુલાઈમાં આફ્રિકાના કેન્યામાં ગરીબો માટે કાર્યક્રમો યોજાશે

રાજકોટ :  જાણીતા હાસ્ય કલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી સવા બે મહિનાનો અમેરિકા અને કેનેડાનો સફળ પ્રવાસ પૂરો કરીને સુખરૂપ હિન્દુસ્તાન પરત આવી ગયા છે. આ વિદેશ પ્રવાસ દરમિયાન તેઓએ ગુજરાતની જુદી જુદી સેવાભાવી સંસ્થાઓના લાભાર્થે કુલ ૧૮ કાર્યક્રમો કર્યા હતા. આ કાર્યક્રમોના માધ્યમથી તેઓ કુલ ૯,૮૪,૮૫,૦૦૦ રૂપિયા એટલે કે આશરે દસ કરોડ રૂપિયા જેટલી માતબર રકમની સેવા માટે નિમિત્ત બન્યા છે. ડો. ત્રિવેદીએ આ સફળતાને મહાદેવની કૃપા ગણાવી છે.

 કૈલાસ કેન્સર હોસ્પિટલ અને વોકેશનલ સેન્ટર માટે ૪.૧૧ કરોડ એકત્ર થયા:
ડો. જગદીશ ત્રિવેદીએ આપેલી વિગતવાર માહિતી મુજબ, મુની સેવા આશ્રમ-ગોરજની કૈલાસ કેન્સર હોસ્પિટલ તેમજ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર માટે કુલ સાત કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં ન્યુયોર્કમાંથી ૧૮,૦૦,૦૦૦, સમરસેટમાંથી ૧,૧૧,૦૦,૦૦૦, વુરહીસમાંથી ૯૨,૦૦,૦૦૦, સિનસિનાટીમાંથી ૨૮,૫૦,૦૦૦, ડીટ્રોઈટમાંથી ૨૩,૫૦,૦૦૦, હ્યુસ્ટનમાંથી ૧,૦ canvas,૦૫,૦૦,૦૦૦ અને સેન્ટ લુઈસમાંથી ૩૩,૦૦,૦૦૦ મળીને કુલ ૪,૧૧,૦૦,૦૦૦ (ચાર કરોડ અગિયાર લાખ) રૂપિયા એકત્ર થયા હતા. આ દાનની રકમ મુની સેવા આશ્રમના ચેરમેન ડો. વિક્રમ પટેલની હાજરીમાં સ્વીકારવામાં આવી હતી.

 સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર અને નિર્દોષાનંદજી હોસ્પિટલને કરોડોનું દાન:
નવસારી પાસે આવેલા સુપા ગામની સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટ સંચાલિત આંખની હોસ્પિટલ માટે કુલ ચાર કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં ડલ્લાસના બે કાર્યક્રમોમાં અનુક્રમે ૭,૬૦,૦૦૦ અને ૮,૪૦,૦૦૦ તથા સાન ફ્રાન્સિસ્કોમાંથી ૨,૬૦,૦૦,૦૦૦ અને લોસ એન્જલસમાંથી ૧,૨૫,૦૦,૦૦૦ મળીને કુલ ૪,૦૧,૦૦,૦૦૦ (ચાર કરોડ એક લાખ) રૂપિયા એકત્ર થયા હતા. આ રકમ સંસ્થાના ચેરમેન ડો. ભાવિન પટેલ તેમજ ટ્રસ્ટી ડો. ભાવિન ભુવાએ હાજર રહીને સ્વીકારી હતી.

આ ઉપરાંત, ટીંબીની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ માટે કરવામાં આવેલા ચાર કાર્યક્રમોમાં ન્યુ જર્સીમાંથી ૨૫,૦૦,૦૦૦, શિકાગોમાંથી ૨૪,૦૦,૦૦૦, વોશિંગટનમાંથી ૪૮,૦૦,૦૦૦ અને બાલટીમોરમાંથી ૧૨,૨૫,૦૦૦ મળીને કુલ ૧,૦૯,૨૫,૦૦૦ (એક કરોડ નવ લાખ પચીસ હજાર) રૂપિયા એકત્ર થયા હતા. આ દાન સંસ્થાના ટ્રસ્ટી ડો. નટુભાઈ રાજપરાએ હાજર રહીને એકત્ર કર્યું હતું.

 દિવ્યાંગોની સંસ્થા અને અન્ય હોસ્પિટલોને પણ મળી મોટી સહાય:
ભારતના દિવ્યાંગ લોકો માટે કામ કરતી સંસ્થા 'સમર્થનમ-અમેરિકા' માટે સાન હોજેમાં યોજાયેલા એક કાર્યક્રમ દ્વારા ૨૬,૬૦,૦૦૦ રૂપિયા એકત્ર થયા હતા, જેમાં સંસ્થાના ફાઉન્ડર ચેરમેન ડો. મહંતેશે હાજર રહી ચેક સ્વીકાર્યો હતો. તદુપરાંત, ફ્રેસ્નો અને બેકર્સફીલ્ડમાં યોજાયેલા એક-એક કાર્યક્રમમાં અનુક્રમે ૧૭,૦૦,૦૦૦ અને ૧૯,૫૦,૦૦૦ રૂપિયાનું દાન એકત્ર થયું હતું. આ ભંડોળમાંથી રાજકોટની કર્મયોગ ટ્રસ્ટ સંચાલિત યુનાઈટેડ કેર હોસ્પિટલ માટે ૧૧,૦૦,૦૦૦ રૂપિયા તેમજ ઉમંગ મૂકબધીર બાળકોની શાળા-વસ્ત્રાપુર અમદાવાદ માટે ૧૧,૦૦,૦૦૦ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જ્યારે ગુજરાતની બીજી કુલ પાંચ શાળાઓને પણ નાની-મોટી રકમની સહાય આપવામાં આવી હતી.

 હવે આફ્રિકાના કેન્યામાં ગરીબો માટે કાર્યક્રમો યોજાશે:
ડો. જગદીશ ત્રિવેદીએ આગામી દિવસોના આયોજન અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તેઓ આગામી જુલાઈ મહિનાની ૨૪, ૨૫ અને ૨૬ તારીખે આફ્રિકાના કેન્યા દેશમાં ત્રણ વિશેષ કાર્યક્રમો કરવાના છે. આ ત્રણેય કાર્યક્રમો દરમિયાન જે કોઈ પણ રકમ એકત્ર થશે, તે સંપૂર્ણ રકમ ત્યાંના ગરીબ આફ્રિકન લોકોના આરોગ્ય અને શિક્ષણના સ્તરને સુધારવા માટે દાનમાં આપી દેવામાં આવશે.

(10:29 PM IST)