<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

AIનો હવે કોર્ટની કાર્યપદ્ધતિમાં પગપેસારો

ડિજિટલ ન્‍યાયનો નવો અધ્‍યાયઃ અદાલતોમાં AIના પ્રવેશ સાથે કાયદાકીય ક્રાંતિનો પાયો નંખાયો : સુપ્રીમ કોર્ટ દ્વારા એઆઇની માર્ગદર્શિકા બહાર પાડીને લોકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્‍યાં

નવી દિલ્‍હી,તા.૧૭: ચિપથી લઈને શીપ સુધી અને મોબાઈલથી લઈને મિસાઈલ સુધી એઆઈ ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. ત્‍યારે કોર્ટના કામકાજમાં પણ એઆઈની દસ્‍તક વાગી ગઈ છે. એઆઇના વધતા જતા વ્‍યાપને ધ્‍યાને રાખીને દેશની અદાલતોમાં આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સના નિયમન માટે એક ઐતિહાસિક કાયદાનું મૂળખું રેગ્‍યુલેશન ફોર યુઝ ઓફ આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ ઇન કોર્ટ, ૨૦૨૬) તૈયાર કરાયું છે. જેનાથી ભવિષ્‍યમાં કાયદાની પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે. જો કે, જામીન જેવી અમુક બાબતો અને તેના વપરાશમાંથી એઆઈને બાકાત રાખવામાં આવ્‍યું છે. કાયદો અને ટેકનોલોજીના આ સુમેળથી ભારતીય ન્‍યાયતંત્રમાં પારદર્શિતા અને સચોટતાનો એક નવો સૂર્યોદય થવા જઈ રહ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્‍ડિયા દ્વારા અદાલતોમાં આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સના ઉપયોગ માટેના ડ્રાફટ નિયમો જાહેર કરી, જનતા પાસેથી સૂચનો મંગાવવામાં આવ્‍યા છે. આ માટે સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્‍ડિયાની

આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ કમિટીના નેજા હેઠળ 'અદાલતોમાં આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સના ઉપયોગ માટેના નિયમો, ૨૦૨૬'નો પ્રાથમિક ડ્રાફટ તૈયાર કરાયો છે. આ નિયમોનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય ન્‍યાયિક સ્‍વતંત્રતા અને માનવીય નિર્ણય ક્ષમતાને સર્વોપરી રાખીને અદાલતી કામગીરીમાં એઆઈ ટેકનોલોજીનો સમાવેશ કરવાનો છે. આ ડ્રાફટ રેગ્‍યુલેશન્‍સમાં કેટલાક સિદ્ધાંતો નક્કી કરાયા છે. આ એઆઈ સિસ્‍ટમ એ એકમાત્ર સહાયક તરીકે કામ કરશે. પરંતુ ન્‍યાયાધીશનું સ્‍થાન લઈ શકે નહીં. આ પ્રક્રિયામાં કાયદાનું શાસન, ન્‍યાયીપણું, બિન બિન-ભેદભાવ, પારદર્શિતા, ડેટા પ્રોટેક્‍શન, પ્રાઇવસી અને સાયબર સુરક્ષા જેવા સિદ્ધાંતોનું ચુસ્‍તપણે પાલન કરવાનું રહેશે. કોઈપણ નિર્ણય માટે અંતિમ જવાબદારી સંબંધિત ન્‍યાયિક અધિકારીની જ રહેશે. આ અંગે સુપ્રીમ કોર્ટે એક સત્તાવાર નોટિસ જાહેર કરીને તમામ હિતધારકો (સ્‍ટેકહોલ્‍ડર્સ) અને સામાન્‍ય જનતા પાસેથી તેમના મંતવ્‍યો અને સૂચનો આમંત્રિત કર્યા છે. આ સૂચનો અને મંતવ્‍યો આગામી તા. ૨૦મી જૂન સુધી સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ વેબસાઈટ ઉપર મૂકી શકાશે. આ નિયમોના અસરકારક અમલીકરણ અને નીતિ ઘડતર માટે સુપ્રીમ કોર્ટમાં એક કાયમી અને પૂર્ણ-સમયની એપેકક્‍સ બોડીની

રચના કરાશે. આ બોડીમાં સુપ્રીમ કોર્ટના બે ન્‍યાયાધીશો, હાઈકોર્ટના મુખ્‍ય ન્‍યાયાધીશો, સાયબર સુરક્ષા અને ફાઈનાન્‍સ એકસપર્ટ્‍સ, તેમજ ઈલેક્‍ટ્રોનિકસ અને ઈન્‍ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના સંયુક્‍ત સચિવું કક્ષાના અધિકારી હોવાનું જાણવા મળ્‍યું છે.

આ નિયમો ઉપર એઆઇનો પ્રતિબંધ રહેવાની શક્‍યતા

કોઈપણ કેસનો ન્‍યાયિક ચુકાદો કે સજા માત્ર અલ્‍ગોરિધમ અથવા એઆઇ ના આધારે નક્કી કરી શકાશે નહીં.

આરોપીની જામીન પાત્રતા નક્કી કરવા, ગુનાખોરીની આગાહી કરવા અથવા સાક્ષીઓની વિશ્વસનીયતા માપવા માટે 'રિસ્‍ક સ્‍કોરિગ' તરીકે એઆઇ નો ઉપયોગ થઈ શકશે નહીં.

અદાલતી પરિસરમાં ન્‍યાયાધીશો, વકીલો કે પક્ષકારો પર દેખરેખ રાખવા માટે એઆઇ નો ઉપયોગ કરી શકાશે નહીં.

યોગ્‍ય મંજૂરી વિના કોઈપણ વ્‍યક્‍તિના પર્સનલ ડેટાનો ઉપયોગ એઆઇ સિસ્‍ટમની ટ્રેનિગ માટે થઈ શકશે નહીં

ભવિષ્‍યનો ન્‍યાય ઝડપી હશે, પણ તે ટેકનોલોજીનો ગુલામ નહીં હોય

આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સના કારણે આજે સમગ્ર વિશ્વનો બૌદ્ધિક ખજાનો આંગળીના ટેરવે આવી ગયો છે. જેનાથી હવે કોર્ટ કામકાજ પણ દુર રહેશે નહીં. કારણ કે તાજેતરમાં જે ડ્રાફટ નિયમો જાહેર કરાયા છે જેમાં કુલ ૧૦ પ્રકરણો છે અને હજુ પણ તેમાં સુધારા આવકાર્ય છે. અદાલતોમાં એઆઇના ઉપયોગ અંગેના નિયમોના પ્રકરણ-૧ની હેડલાઇન એ વાતની સાક્ષી પૂરે છે કે, ભવિષ્‍યનો ન્‍યાય ઝડપી હશે. પણ તે ટેકનોલોજીનો ગુલામ નહીં હોય. આમ પણ એ સ્‍વીકારવું જ રહ્યું કે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધી જાય પરંતુ માનવીની મૌલિકતા જ સર્વોપરી છે તેમ વકીલોએ જણાવ્‍યું હતું.

કઇ-કઇ કામગીરીમાં ઉપયોગ કરી શકાશે ?

* કેસ મેનેજમેન્‍ટ, ફાઇલિંગમાં રહેલી ખામીઓની ઓળખ અને સુનાવણીનું શિડયુલિગ

* નોટિસ કે સમન્‍સ જારી કરવા, રજીસ્‍ટ્રીના કાર્યો અને ફીની ગણતરી જેવા વહીવટી કામોમાં એઆઇ મદદ કરી શકશે

* કોર્ટ કાર્યવાહીનું ઓટોમેટેડ લખાણ અને ચુકાદાઓ કે જે દસ્‍તાવેજોનું અન્‍ય ભાષામાં અનુવાદ થઇ શકે, પરંતુ આ માટે માનવીય વેરિફિકેશન ફરજિયાત રહેશે.

* અગાઉના ચુકાદાઓ શોધવા, કાયદાઓ શોધવા તેમજ દસ્‍તાવેજોનું સંક્ષિપ્તીકરણ કરવું.

* દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓ માટે ટેક્‍સ્‍ટ-ટુ-સ્‍પીચ અને બ્રેઇલ ટ્રાન્‍સલેશન જેવી સુવિધાઓ પૂરી પાડવી.

(9:55 AM IST)