ઈમિગ્રન્ટ્સને ના અટકાવ્યા તો અમેરિકા થર્ડ વર્લ્ડ કન્ટ્રી બની જશે
અમેરિકામાં વધી રહેલા રેસીઝમ અને ઈન્ડિયન્સને ટાર્ગેટ કરવાની ઘટનાઓ વચ્ચે ટ્રમ્પે ફરી એક વાર ઈમિગ્રન્ટ્સને નિશાન બનાવ્યા

વોશીંગ્ટન તા.૧૭: અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે જો થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝમાંથી લોકો અમેરિકા આવતા રહ્યા તો અમેરિકા પણ જલ્દી થર્ડ વર્લ્ડ કન્ટ્રી એટલે કે એક ગરીબ અને પછાત દેશ બની જશે અને કોઈ કશુંય નહીં કરી શકે. ટ્રમ્પે આ પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર મૂકી હતી જેના પર હજારો રિએક્શન્સ આવ્યા છે. ડોનલ્ડ ટ્રમ્પ કેનેડા અને યુરોપના અમુક દેશોને છોડીને દુનિયાના તમામ દેશોને થર્ડ વર્લ્ડ કંટ્રી જ માને છે અને તેનો તેઓ અનેકવાર સીધી અથવા આડકતરી રીતે ઉલ્લેખ કરી ચૂક્યા છે અને ઈન્ડિયા પણ તેમાંથી બાકાત નથી. હજુ મહિના પહેલા જ ટ્રમ્પે એક પોડકાસ્ટની ટ્રાન્સ્ક્રિપ્ટને ટ્રુથ સોશિયલ પર શેર કરી હતી જેમાં ઈન્ડિયાને હેલહોલ કન્ટ્રી એટલે કે નરકના દ્વાર સમાન દેશ ગણાવાયો હતો. ટ્રમ્પની આ પોસ્ટ પર ભારતે વિરોધ વ્યક્ત કર્યો હતો પરંતુ તે પોસ્ટ ટ્રમ્પે ડિલીટ નહોતી કરી કે ના તો તેના પર કોઈ ખુલાસો આપ્યો હતો.
ટ્રમ્પની લેટેસ્ટ પોસ્ટ ખૂલ્લેઆમ ઈમિગ્રેશન વિરોધી છે અને તેમની સરકાર સત્તા પર આવી છે ત્યારથી જ એન્ટી ઈમિગ્રન્ટ એજન્ડા ચલાવી રહી છે. અમેરિકામાં હાલ ઈન્ડિયન્સને ખાસ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેવામાં ટ્રમ્પે પણ આ પોસ્ટ દ્વારા ઈમિગ્રન્ટ્સ સામે જે કંઈ વિરોધ થઈ રહ્યો છે તેને આડકતરી રીતે પોતાનું સમર્થન આપી દીધું છે. સ્વાભાવિક છે કે દેશના પ્રેસિડેન્ટ જ જો ઈમિગ્રન્ટ્સનો વિરોધ કરતા હોય તો તેમના ટેકેદારોને પણ આમ કરવા માટે પ્રોત્સાહન મળશે. ટ્રમ્પ આ પહેલા પણ ઘણીવાર એન્ટી ઈમિગ્રન્ટ સ્ટેટમેન્ટ્સ આપી ચૂક્યા છે અને તેમણે ઈલીગલની સાથે લીગલ ઈમિગ્રેશન પર પણ જે હદે સકંજો કસ્યો છે તે બતાવે છે કે હવે અમેરિકા ઈમિગ્રન્ટ્સ ફ્રેન્ડલી દેશ નથી રહ્યો. અમેરિકામાં આજકાલ કન્ઝર્વેટિવ ઈન્ફલુએન્સર્સની બોલબાલા વધી રહી છે અને ઈમિગ્રેશન વિરોધી જે એજન્ડા ચલાવી રહ્યો છે તેના સૌથી વધુ ભોગ ઈન્ડિયન્સ બની રહ્યા છે.
ટ્રમ્પના સમર્થકો એવા દાવા કરી રહ્યા છે કે ઈમિગ્રન્ટ્સ અમેરિકા પ્રત્યે જરાય વફાદારી નથી ધરાવતા અને એક ઈમિગ્રન્ટની પાછળ તેની આખીય પેઢી ધીરે-ધીરે અમેરિકામાં ઘૂસી જાય છે. જોકે, અમેરિકા આવ્યા બાદ પણ આ લોકો પોતાનું થર્ડ વર્લ્ડ કલ્ચર નથી છોડતા અને અમેરિકન્સના માથે પણ તેને ઠોકી બેસાડવા માટે પ્રયાસ કરે છે. ટ્રમ્પે ગયા મહિને જે પોડકાસ્ટની ટ્રાન્સ્ક્રિપ્ટ શેર કરી હતી તેના હોસ્ટ માઈકલ સેવજે તો ત્યાં સુધી કહી દીધું હતું કે કેલિફોર્નિયામાં ચાઈનીઝ અને ઈન્ડિયન્સની એવી ગોઠવણ થઈ ગઈ છે કે ત્યાં આ બે દેશના લોકો સિવાય કોઈને જોબ જ નથી મળતી. તેણે એવું પણ કહ્યું હતું કે અમેરિકામાં જન્મતું બાળક પેદા થતાની સાથે જ યુએસ સિટીઝન બની જાય છે અને પછી તે ચાઈના કે ઈન્ડિયા જેવા હેલહોલ કન્ટ્રીમાંથી આખીય ફેમિલીને અમેરિકા લઈ આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
