<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

બિહારના રાજકારણમાં ભારે ખળભળાટ: ભાજપે પ્રશાંત કિશોરની પાર્ટીમાં પાડ્યું મોટું ગાબડું, ગણિતશાસ્ત્રી કે. સી. સિંહા બાદ હવે જાણીતા ફિલ્મ ડાયરેક્ટર ચેતના ઝાંબ ભાજપમાં જોડાયા

બાંકીપુર પેટાચૂંટણી પહેલા જન સૂરજ પક્ષમાં મચી નાસભાગ; મુકેશ સાહનીની VIP પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે પણ કેસરીયો ધારણ કર્યો

પટના, તા. ૧૬: બિહારમાં આગામી ૩૦ જુલાઈના રોજ યોજાનારી બાંકીપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પહેલા જ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર (PK) ની ‘જન સૂરજ પાર્ટી’ (JSP) ને એક પછી એક મોટા ફટકા પડી રહ્યા છે. એક તરફ પ્રશાંત કિશોર ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, તો બીજી તરફ તેમના પક્ષના અગ્રણી નેતાઓ અને કલાકારો પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ રહ્યા છે. ગુરુવારે પટના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં જાણીતા ફિલ્મ દિગ્દર્શક અને બિઝનેસવુમન ચેતના ઝાંબ સત્તાવાર રીતે ભાજપમાં સામેલ થયા હતા.

જન સૂરજ અને VIP પક્ષના દિગ્ગજો હવે ભાજપ શરણે

પટનામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સંજય સરાવગીના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં જન સૂરજ અને મુકેશ સાહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) ના અગ્રણી નેતાઓએ કેસરીયો ધારણ કર્યો હતો:

·         ચેતના ઝાંબ (જન સૂરજ): પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર ચેતના ઝાંબે જન સૂરજનો સાથ છોડી દીધો છે. ૨૦૨૫ ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવા છતાં તેઓ અપક્ષ લડ્યા હતા પરંતુ પક્ષમાં રહ્યા હતા. જો કે, હવે તેમણે ભાજપનો હાથ પકડ્યો છે.

·         આનંદ મધુકર યાદવ (VIP): મુકેશ સાહનીની પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આનંદ મધુકર યાદવ પણ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે.

·         ગણિતશાસ્ત્રી કે. સી. સિંહા (જન સૂરજ): આ પહેલા બુધવારે જ પ્રખ્યાત ગણિતશાસ્ત્રી કે. સી. સિંહા અને બિહારી નેતા બિટ્ટુ સિંહે પ્રશાંત કિશોરની નીતિઓની આકરી ટીકા કરીને જન સૂરજ પક્ષ છોડી દીધો હતો. કે. સી. સિંહાએ પક્ષ છોડતી વખતે જણાવ્યું હતું કે, "જન સૂરજ પક્ષની કોઈ ચોક્કસ વિચારધારા જ નથી, આપણે હંમેશા પ્રવાહની સાથે ચાલવું જોઈએ, તેની વિરુદ્ધ નહીં."

"ભાજપ એ માત્ર પક્ષ નથી, રાષ્ટ્રનિર્માણની વિચારધારા છે"

ભાજપમાં જોડાયા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ફિલ્મ ડિરેક્ટર ચેતના ઝાંબે જણાવ્યું હતું કે, "આજે ભારતીય જનતા પાર્ટી માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ રાષ્ટ્રનિર્માણની એક જીવંત વિચારધારા છે. દેશ અને બિહારના સર્વાંગી વિકાસ માટે આપણે સૌએ આ વિચારધારા સાથે જોડાવવું જોઈએ. ભાજપમાં રહીને મને ઘણું શીખવા મળશે અને હું બિહારની પ્રગતિમાં મારું યોગદાન આપી શકીશ."

આ પ્રસંગે સંજય સરાવગીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના નેતૃત્વમાં ભાજપ પરિવાર સતત મજબૂત થઈ રહ્યો છે અને વિપક્ષી છાવણીઓમાં ભારે નાસભાગ મચી ગઈ છે.

બીજી તરફ: સત્તા સંભાળ્યાના બે જ મહિનામાં સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની સરકાર મુશ્કેલીમાં!

નાગરકોઈલ જેલમાં દિવ્યાંગ કેદીના કસ્ટડીયલ ડેથથી ભારે હોબાળો; પોસ્ટમોર્ટમમાં શરીર પર ઈજાના ૧૯ નિશાનો મળતા ડીએમકે અને ભાજપ આક્રમક મૂડમાં

ચેન્નઈ, તા. ૧૬:

ગયા મે મહિનામાં તમિલનાડુની ચૂંટણી જીતીને મુખ્યમંત્રી બનેલા દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર થલાપતિ વિજય અને તેમની પાર્ટી તમિઝગા વેત્રી કઝગમ (TVK) ની સરકાર સત્તા સંભાળ્યાના બે મહિનામાં જ ગંભીર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. તમિલનાડુના નાગરકોઈલ ખાતે પોલીસ કસ્ટડીમાં એક દિવ્યાંગ યુવકના શંકાસ્પદ મોતને પગલે રાજ્યભરમાં ભારે રાજકીય હોબાળો મચી ગયો છે. મુખ્યમંત્રી વિજયના આ મામલે મૌન સામે હવે સવાલો ઉઠી રહ્યા છે.

શું છે સમગ્ર વિવાદ?

નાગરકોઈલના એટ્ટનકાડુ વિસ્તારના રહેવાસી ૩૫ વર્ષીય દિવ્યાંગ એસ. સબરી વર્મનની થેન્થામરાઈકુલમ પોલીસે ગત ૯ જુલાઈના રોજ પ્રતિબંધિત ગુટખા વેચવાના આરોપમાં ધરપકડ કરી હતી. ત્યારબાદ ન્યાયિક કસ્ટડી દરમિયાન જેલમાં તેનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું.

શરૂઆતમાં વહીવટીતંત્રે આ મોતને કુદરતી ગણાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સબરીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બહાર આવતા જ ખળભળાટ મચી ગયો છે. રિપોર્ટ અનુસાર, આ મૃતક દિવ્યાંગ યુવકના શરીર પર કોણી, ઘૂંટણ, હાથ અને પગ સહિત કુલ ૧૯ અલગ-અલગ જગ્યાએ ગંભીર ઈજાના નિશાનો મળી આવ્યા છે, જે સીધી રીતે પોલીસ ટોર્ચર (કસ્ટડીયલ ડેથ) તરફ ઈશારો કરે છે. આ ઘટનાને લઈને મુખ્ય વિરોધ પક્ષ ડીએમકે (DMK) અને ભાજપે વિજય સરકાર પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે અને કડક કાર્યવાહીની માંગ કરી છે.

(5:23 PM IST)