તા. ૨૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૫ શનિવાર
તમિલનાડુમાં રાજકીય ગરમાવો: તંજાવુરની કાવેરી રેલી દરમિયાન મુખ્યમંત્રી વિજય અને અભિનેત્રી તૃષા વિરુદ્ધ કથિત દ્વિઅર્થી-અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ડીએમકે નેતા અને વિપક્ષી નેતા ઉદયનિધિ સ્ટોલિનની ચેન્નઈસ્થિત નિવાસસ્થાનેથી પોલીસ દ્વારા અટકાયત
કાવેરી જળ વિવાદ સભાઓમાં જનતાના નારા વચ્ચે વિવાદિત નિવેદન આપવાનો મુદ્દો બીજેપી અને ટીવીકે પક્ષો દ્વારા વકર્યો; કાયદાકીય કાર્યવાહી હેઠળ એફઆઈઆર નોંધાયા બાદ ડીએમકેના પૂર્વ ઉપમુખ્યમંત્રીએ પોલીસ અટકાયતને રાજકીય બદલાની ભાવના ગણાવી ને કાનૂની લડત આપવાનો હૂંકાર કર્યો.

ચેન્નઈ / તાંજોર: તમિલનાડુના રાજકારણમાં એક મોટો ભડકો થયો છે, જેમાં કાવેરી જળ વિવાદને લઈને આયોજિત એક જાહેર વિરોધ પ્રદર્શન દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય અને તમિલ સિનેમાની જાણીતી અભિનેત્રી તૃષા કૃષ્ણન વિશે કથિત રીતે દ્વિઅર્થી અને અપમાનજનક ટિપ્પણી કરવાના ગંભીર આક્ષેપોસર દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK)ના વરિષ્ઠ નેતા તથા તમિલનાડુ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ઉદયનિધિ સ્ટોલિનની ચેન્નઈ ખાતેથી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. મંગળવારે સવારે ચેન્નઈના નીલાંકરાઈ સ્થિત તેમના નિવાસસ્થાને ભારે રાજકીય નાટક અને ડીએમકેની લીગલ ટીમ સાથેની ચર્ચા-વિચારણા બાદ પોલીસ કાફલાએ તેમને કસ્ટડીમાં લીધા હતા.
મળતી વિગતો મુજબ, તંજાવુર ખાતે કાવેરી નદીના પાણીના મુદ્દે અને ખેડૂતોના હિતો રક્ષવા માટે ડીએમકે દ્વારા એક વિશાળ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ સભાને સંબોધિત કરતી વખતે ઉદયનિધિ સ્ટોલિને તમિલનાડુના મુખ્યમંત્રી વિજય અને તેમની સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકારને કાવેરી વિવાદમાં ખેડૂતોને પાણી અપાવવામાં કોઈ રસ નથી અને તે માત્ર વિપક્ષી નેતાઓ સામે ખોટા કેસો નોંધવામાં મશગૂલ છે.
આ ભાષણ દરમિયાન જ્યારે ઉદયનિધિ બોલી રહ્યા હતા, ત્યારે સભામાં ઉપસ્થિત કેટલાક કાર્યકર્તાઓએ અચાનક અભિનેત્રી "તૃષા, તૃષા"ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. આ નારેબાજી પર ઉદયનિધિ સ્ટોલિને સ્મિત સાથે દ્વિઅર્થી ભાષામાં એક ટિપ્પણી કરી હતી, જેને ઉપસ્થિત લોકોએ અભિનેત્રી અને મુખ્યમંત્રી સાથે જોડીને જોઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ રાજ્યભરમાં રાજકીય બવાળ મચી ગયો હતો.
આ ઘટના બાદ તમિલગામ વેટ્રી કઝગમ (TVK) અને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉદયનિધિના આ નિવેદનની આકરી ટીકા કરવામાં આવી હતી. ટીવીકેના મહિલા પાંખ દ્વારા તંજાવુર ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો તેમજ તમિલનાડુ મહિલા ઉત્પીડન વિરોધી કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બીજેપી અને ટીવીકેના નેતાઓએ આ ટિપ્પણીને મહિલાઓના સન્માન પર પ્રહાર અને અસંસ્કારી ભાષા ગણાવીને ઉદયનિધિની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી.
બીજી તરફ, પોતાની અટકાયત બાદ પત્રકારો સાથે વાતચીતમાં ઉદયનિધિ સ્ટોલિને તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "મેં જે વાત કહી જ નથી તેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જનતાનું ધ્યાન મૂળ મુદ્દાઓ અને કાવેરી વિવાદ પરથી હટાવવા માટે આ એક રાજકીય ષડયંત્ર છે." ડીએમકેના કાનૂની સેલે આ અટકાયત વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટમાં અગાઉથી જામીન અરજી દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જ્યારે ડીએમકેના અન્ય નેતાઓએ આ પગલાને સરકારની રાજકીય બદલાની નીતિ ગણાવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
