News of Tuesday, 4th August 2026
૧૯૭૫ની કટોકટી, મોરારજી દેસાઈની જેલબંધી અંગે ઇન્દિરા ગાંધીનો ધમાકેદાર ખુલાસો જાહેર થયો
વિપક્ષના હિંસક અરાજકતાના ષડયંત્ર સામે દેશના અસ્તિત્વ અને એકતાને બચાવવા કટોકટી અનિવાર્ય હતી : કટોકટી ન લાદી હોત તો ભારત ટકી શક્યો ન હોત: બ્રિટીશ ટીવી ઈન્ટરવ્યૂમાં ઇન્દિરાજીનો બચાવ, વિપક્ષે સંસદ અને પીએમ નિવાસને ઘેરવા અને સૈન્યને ઉશ્કેર્યા હોવાનો આક્ષેપ

નવી દિલ્હી: વર્ષ ૧૯૭૮માં બ્રિટિશ થેમ્સ ટેલિવિઝનને આપેલા ઐતિહાસિક ઈન્ટરવ્યૂમાં ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ ૧૯૭૫-૭૭ દરમિયાન દેશમાં લાદવામાં આવેલી કટોકટી અને મોરારજી દેસાઈ સહિત વિપક્ષી નેતાઓની જેલબંધીનો બચાવ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે વિપક્ષી નેતાઓ લોકશાહીનો નાશ કરી દેશમાં બિન-કાર્યરત અરાજકતા ફેલાવી રહ્યા હતા. વડાપ્રધાન આવાસ અને સંસદને ઘેરીને દેશનું કામકાજ ઠપ્પ કરવાની તેમની યોજના સામે દેશની અખંડિતતા અને અસ્તિત્વ બચાવવા માટે કટોકટી લાદવી અનિવાર્ય બની હતી.
ભારતના રાજકીય ઇતિહાસમાં અતિ વિવાદાસ્પદ ગણાતી ૧૯૭૫-૧૯૭ત્તી ની કટોકટી (ઈમરજન્સી) અને તે દરમિયાન વિપક્ષી નેતાઓની ધરપકડ અંગે દેશના સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના એક દુર્લભ વિદેશી ઈન્ટરવ્યૂએ ફરી ચર્ચા જગાવી છે. ૧૬ નવેમ્બર ૧૯૭૮ના રોજ બ્રિટનની પ્રસિદ્ધ 'થેમ્સ ટેલિવિઝન'ના પત્રકાર જોનાથન ડિમ્બલબીને આપેલા આ સનસનાટીભર્યા ઈન્ટરવ્યૂમાં ઇન્દિરા ગાંધીએ કટોકટીના સખત પગલાંનો ખુલ્લેઆમ બચાવ કરતા જણાવ્યું હતું કે, જો તે સમયે કટોકટી લાદવામાં ન આવી હોત તો એક દેશ તરીકે ભારતનું અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ ગયું હોત.
કટોકટી ઉઠાવી લીધા બાદ અને ૧૯૭૭ની સામાન્ય ચૂંટણીઓમાં કૉંગ્રેસની હાર થયા પછી લેવાયેલા આ આકરા ઈન્ટરવ્યૂમાં જ્યારે પત્રકાર જોનાથન ડિમ્બલબી એ પ્રશ્ન કર્યો કે, પાછળથી દેશના વડાપ્રધાન બન્યા તે મોરારજી દેસાઈ અને અન્ય નેતાઓને જેલમાં પુરવાની શું જરૂર પડી? શું તેઓ રાજ્ય માટે કોઈ ખતરો હતા? ત્યારે તેના જવાબમાં ઇન્દિરા ગાંધીએ સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે આ નેતાઓ કોઈ ખતરો નહીં પરંતુ દેશની લોકશાહીનો જ નાશ કરી રહ્યા હતા.
ઇન્દિરા ગાંધીએ ઈન્ટરવ્યૂમાં વિપક્ષો સામે આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, "જ્યારે વિરોધ પક્ષોને લાગ્યું કે તેઓ લોકશાહી ઢબે ચૂંટણીમાં વિજય મેળવી શકે તેમ નથી, ત્યારે તેમણે વિરોધની લડાઈને રસ્તાઓ પર લાવી દેવાનો નિર્ણય કર્યો હતો. મોરારજી દેસાઈનું ઓન-રેકોર્ડ નિવેદન હતું કે તેઓ વડાપ્રધાન આવાસ અને સંસદ ભવનને ચારેય તરફથી ઘેરી લેશે, જેથી કોઈ અંદર ન જઈ શકે કે બહાર ન આવી શકે અને સરકારનું તમામ કામકાજ ઠપ્પ થઈ જાય." તેમણે ઉમેર્યું હતું કે વિપક્ષના અન્ય એક નેતાએ તો 'બેલેટથી નહિ તો બુલેટથી જીતીશું' તેવી ધમકી આપી હતી અને સૈન્ય તથા પોલીસને પણ સરકાર સામે બળવો કરવા ઉશ્કેરવામાં આવ્યા હતા.
ઈન્ટરવ્યૂ દરમિયાન પત્રકારે સામેથી તીખો પ્રશ્ન પૂછ્યો હતો કે, જો આ લોકો કાયદો તોડી રહ્યા હતા તો સામાન્ય કાયદા હેઠળ તેમની ધરપકડ કરવાને બદલે આખા દેશ પર કટોકટી કેમ લાદવામાં આવી? તેના જવાબમાં ઇન્દિરા ગાંધીએ સમજાવ્યું હતું કે, "ભારત બ્રિટન જેવો નાનો દેશ નથી. તે વિશાળ અને જટિલ સમસ્યાઓથી ભરેલો દેશ છે. વિપક્ષોએ સમગ્ર દેશમાં ગેરશિસ્તનું એવું વાતાવરણ ઊભું કરી દીધું હતું કે જે 'કાર્યરત અરાજકતા'માંથી 'બિન-કાર્યરત અરાજકતા'માં ફેરવાઈ રહ્યું હતું. દેશ વિખેરાઈ જવાની આ અતિ ગંભીર ક્ષણે જો તેને રોકવામાં ન આવ્યું હોત તો ભારત ટકી શક્યું ન હોત."
ઈન્ટરવ્યૂ: અક્ષરસ:
પત્રકાર જોનાથન ડિમ્બલબી: "તો પછી મોરારજી દેસાઈને જેલ ભેગા કરવાની શું જરૂર પડી, જેઓ પાછળથી ભારતના વડાપ્રધાન બન્યા? શું તેઓ રાજ્ય માટે કોઈ આર્થિક ખતરો હતા?"
ઇન્દિરા ગાંધી: "ના, તેઓ એવા લોકો હતા જેઓ લોકશાહીનો નાશ કરી રહ્યા હતા."
પત્રકાર: "લોકશાહીનો નાશ?"
ઇન્દિરા ગાંધી: "હા, લોકશાહીનો નાશ. કારણ કે... મને ખેદ છે કે તમારા લોકોની યાદશક્તિ આટલી ટૂંકી છે. પરંતુ કારણ કે તેમને લાગ્યું કે તેઓ ચૂંટણીમાં જીતી શકે તેમ નથી, તેથી તેમણે કહ્યું કે આપણે લડાઈને રસ્તાઓ પર લઈ જવી પડશે. શ્રી મોરારજી દેસાઈનું એક ઈન્ટરવ્યૂમાં ઓન-રેકોર્ડ કહેવું છે કે, 'અમે વડાપ્રધાનના નિવાસસ્થાનને ઘેરી લેવાના છીએ, અમે સંસદને ઘેરી લેવાના છીએ, અમે એ સુનિશ્ચિત કરીશું કે કોઈ કામગીરી ન થાય. ના તો વડાપ્રધાન બહાર આવી શકે, ના કોઈ અંદર જઈ શકે.' વિપક્ષના અન્ય એક સભ્ય, જેઓ હવે મંત્રી છે, તેમણે કહ્યું હતું કે 'જો આપણે બેલેટ (મતદાન) થી જીતી શકતા નથી, તો આપણે બુલેટ (ગોળી) થી જીતીશું.' અન્ય કોઈએ પોલીસ અને સૈન્યને ગેરકાયદેસર આદેશો અનાદર કરવા માટે ઉશ્કેર્યા."
પત્રકાર: "હું તમને માત્ર એ પૂછી શકું કે જો આ લોકો કાયદો તોડી રહ્યા હતા, તો તેમને એરેસ્ટ કરવા માટે તમારી પાસે જે કાયદો પહેલેથી ઉપલબ્ધ હતો તેનો ઉપયોગ તમે શા માટે ન કરી શક્યા?"
ઇન્દિરા ગાંધી: "મને ડર છે કે... જુઓ, ભારત યુકે (બ્રિટન) જેવો નાનો દેશ નથી. આ ખૂબ જ મોટો દેશ છે અને ખૂબ જ જટિલ સમસ્યાઓ ધરાવે છે. અને સમગ્ર દેશમાં તેમણે અત્યંત ગેરશિસ્તનું વાતાવરણ ઊભું કરી દીધું હતું. જેથી કરીને, જેમ કે શ્રી ગેલબ્રેથે કહ્યું હતું, તે એક 'કાર્યરત અરાજકતા' (ફન્કશનિંગ એનાર્કી) જેવું લાગતું હતું. પરંતુ તે કાર્યરત નહોતું રહી ગયું, તે 'બિન-કાર્યરત અરાજકતા' બની રહ્યું હતું. અને એ ક્ષણે, જો અમે તેને ન રોક્યું હોત, તો ભારત ટકી શક્યું ન હોત."
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
