<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

બાંકીપુરમાં ભાજપની હાર બાદ પીએમ મોદીએ નીતિશ કુમાર સાથે મુલાકાત કરી

પ્રશાંત કિશોરની સરપ્રાઈઝ એન્‍ટ્રીથી ૩ દાયકા જૂનો ભાજપનો અજેય કિલ્લો ધ્‍વસ્‍ત

નવી દિલ્‍હી, તા.૪: બિહારની હાઈપ્રોફાઈલ બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીના પરિણામોએ ભારતીય જનતા પાર્ટીને મોટો આંચકો આપ્‍યો છે, જેના લીધે દેશના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનો અજેય ગઢ ગણાતી બાંકીપુર બેઠક પર ભાજપના ઉમેદવાર નીરજ કુમારનો શરમજનક પરાજય થયો છે. આ રાજકીય ભૂકંપ બાદ મંગળવારે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને બિહારના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી નીતિશ કુમાર વચ્‍ચે દિલ્‍હીમાં એક અત્‍યંત મહત્‍વપૂર્ણ અને ઈમરજન્‍સી બેઠક યોજાઈ હતી. રાજ્‍યસભાના સાંસદ સંજય ઝાની હાજરીમાં યોજાયેલી આ બેઠકના સમાચાર બહાર આવતા જ પટનાથી લઈને દિલ્‍હી સુધીના રાજકીય વર્તુળોમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો છે.

આ પેટાચૂંટણીમાં સૌથી મોટો ધડાકો જનસુરાજ પાર્ટીના સ્‍થાપક અને ચર્ચિત રણનીતિકાર પ્રશાંત કિશોરે કર્યો છે. પોતાની પહેલી જ ચૂંટણી લડી રહેલા પ્રશાંત કિશોરે ભાજપના ઉમેદવાર નીરજ કુમારને ૧૯,૩૨૪ મતોની વિશાળ સરસાઈથી ધૂળ ચાટતી કરી દીધી છે. પ્રશાંત કિશોરને કુલ ૬૪,૧૫૧ મતો મળ્‍યા હતા, જ્‍યારે ભાજપના આખરી ઘડીએ ઊભા રખાયેલા ઉમેદવાર ચારેય તરફથી ઘેરાઈ ગયા હતા. આ બેઠક ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ નીતિન નવીનના રાજીનામા બાદ ખાલી પડી હતી. બીજી તરફ રાષ્‍ટ્રીય જનતા દળના ઉમેદવાર રેખા ગુપ્તા માત્ર ૧૪,૨૭૩ વોટ મેળવીને ત્રીજા ક્રમે ધકેલાઈ ગયા હતા, જેનાથી સ્‍પષ્ટ થાય છે કે જનસુરાજે ભાજપ અને આરજેડી બંનેના પરંપરાગત વોટબેંકમાં મોટું સંધિવાન કર્યું છે

(3:26 PM IST)