બેંગલુરુના સ્ટાર્ટઅપનો સંવેદનશીલ નિર્ણય: મહિલા કર્મચારીઓ માટે માસિક સ્રાવ (પિરિયડ્સ) રજા નીતિ લાગુ, સોશિયલ મીડિયા પર વાયરલ!
૩ વર્ષ પહેલાં આર્થિક તંગીથી નકારેલો વિચાર બિઝનેસ સફળ થતાં જ અમલમાં મુકાયો: "કોઈ સવાલ કે સ્પષ્ટતા વિના મળશે રજા!"

બેંગલુરુ : મહિલા કર્મચારીઓની સ્વાસ્થ્ય જરૂરિયાતો અને માનસિક સ્થિતિને પ્રાધાન્ય આપતાં બેંગલુરુ સ્થિત એક સ્ટાર્ટઅપના નિર્ણયે ઇન્ટરનેટ પર લોકોના દિલ જીતી લીધા છે. 'હાઉસ ઓફ ક્રિએટર્સ' અને 'વાયરલ વિચાર' નામના સ્ટાર્ટઅપના સ્થાપક પીયૂષ શર્માએ પોતાની કંપનીમાં 'માસિક સ્રાવ રજા નીતિ' (Menstrual Leave Policy) ની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે ત્રણ વર્ષ પહેલાં નાણાકીય સ્થિતિ નબળી હોવાના કારણે આ પ્રસ્તાવ નકારી દેવાયો હતો, પરંતુ બિઝનેસ મજબૂત થતાં જ સ્થાપકોએ આ નીતિ લાગુ કરીને અન્ય મોટી કંપનીઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
"તાવ માટે બીમારીની રજા તો પીરિયડ્સના દુખાવા માટે કેમ નહીં?"
સ્ટાર્ટઅપના સ્થાપક પીયૂષ શર્માએ લિંક્ડઇન પોસ્ટ પર પોતાની સફર વાગોળતાં જણાવ્યું હતું કે, જ્યારે તેઓ અને તેમના સહ-સ્થાપકો ગોવામાં સ્ટાર્ટઅપની શરૂઆત કરી રહ્યા હતા, ત્યારે તેમના મહિલા સહ-સ્થાપક પીરિયડ્સના અસહ્ય દુખાવાને કારણે મહિને ૧ થી ૨ દિવસ કામ કરી શકતા નહોતા. જ્યારે પુરુષ સહ-સ્થાપક તાવ આવવા પર સરળતાથી સિક લીવ લઈ શકતો હતો. પીયૂષે વિચાર્યું, "બંને પાછળ બાયોલોજી જ જવાબદાર છે, તો નીતિ અલગ કેમ?" જોકે તે સમયે નવી કંપની હોવાથી ખર્ચ પોષાય તેમ ન હોવાથી આ નીતિ લાગુ કરી શકાઈ નહોતી.
વાર્ષિક ૪ પિરિયડ્સ લીવ: કોઈ અજીબ મેસેજ કે સ્પષ્ટતા આપવી નહીં પડે
ત્રણ વર્ષ બાદ કંપનીનો વિસ્તાર થયો ત્યારે મહિલા કર્મચારીઓએ ફરી આ મુદ્દો ઉઠાવ્યો હતો. કંપનીએ તુરંત જ નીતિ અમલમાં મૂકી, જે અંતર્ગત મહિલા કર્મચારીઓને કોઈપણ કારણ કે સાબિતી આપ્યા વિના વાર્ષિક ૪ માસિક સ્રાવ રજાઓ મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. કંપનીના એચઆર વિભાગે વોટ્સએપ ગ્રુપમાં સ્પષ્ટતા કરી હતી કે આ રજા લેવા માટે કોઈ કર્મચારીએ લાંબી લચક સ્પષ્ટતાઓ કે અસ્વસ્થ કરનારા મેસેજ કરવાની જરૂર રહેશે નહીં.
કર્મચારીઓનો ભાવુક પ્રતિસાદ અને નેટીઝન્સ દ્વારા પ્રશંસા
કંપનીના આ દયાળુ પગલાને કર્મચારીઓ તરફથી ભારે આવકાર મળ્યો છે. એક કર્મચારીએ લખ્યું કે, "મારી ૧૦ વર્ષની કારકિર્દીમાં મેં ક્યારેય આવી સંવેદનશીલ નીતિ ધરાવતી કંપની જોઈ નથી." પીયૂષ શર્માએ સ્વીકાર્યું કે વર્ષમાં ૪ રજાઓ કદાચ ઓછી હોઈ શકે, પરંતુ આ એક સકારાત્મક શરૂઆત છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થઈ રહી છે અને લોકો સ્થાપકોની સહાનુભૂતિ અને સરાહનીય નેતૃત્વ શૈલીની મુક્ત મને પ્રશંસા કરી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
