News of Tuesday, 4th August 2026
કાશી વિશ્વનાથ મંદિરમાં "નકલી VIP દર્શન" કૌભાંડનો પર્દાફાશ: મૈસુરુની મહિલા ભક્ત સાથે ₹4,000 ની ઠગાઈ, પોલીસે ક્ષણભરમાં પૈસા પાછા અપાવ્યા!
પૂજારીના વેશમાં આવેલા ઠગે ઝડપી દર્શનના નામે પૈસા પડાવ્યા; વારાણસી પોલીસની ત્વરિત કડક કાર્યવાહીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ!

વારાણસી : શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં વિશ્વપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાંથી એક ચોંકાવનારી અને આંખ ઉઘાડનારી ઘટના સામે આવી છે. કર્ણાટકના મૈસુરુથી ભગવાન ભોળાનાથના દર્શનાર્થે આવેલી એક નિષ્ઠાવાન મહિલા શ્રદ્ધાળુ "નકલી VIP દર્શન" કૌભાંડનો ભોગ બની હતી. પૂજારી જેવા પવિત્ર પોશાકમાં સજ્જ એક શાતિર ઠગે લાંબી લાઈનોમાં ઊભા રહ્યા વગર તરત જ દર્શન કરાવી આપવાની લાલચ આપી ભક્ત પાસેથી રૂ. 4,000 પડાવી લીધા હતા અને ચૂકવણી મેળવતા જ ક્ષણવારમાં ગાયબ થઈ ગયો હતો.
દર્શનના નામે ઠગાઈ: બનાવ કેવી રીતે પ્રકાશમાં આવ્યો?
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાશી વિશ્વનાથ ધામમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે, જેના કારણે મંદિર પરિસરમાં ભારે સુરક્ષા અને લાંબી કતારો જોવા મળી રહી છે. આ ભારે ભીડનો ગેરલાભ ઉઠાવીને મૈસુરુથી પરિવાર સાથે આવેલી નંદિની નામની મહિલાનો સંપર્ક એક અજાણ્યા શખ્સે કર્યો હતો. પોતાને મંદિરનો પૂજારી ઓળખાવી, તેણે કલાકોની પ્રતીક્ષા વગર સીધા VIP દર્શન કરાવવાનું વચન આપ્યું હતું. ઠગની વાત પર ભરોસો કરીને નંદિનીએ રૂ. 4,000 ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા, પરંતુ પૈસા મળતા જ તે વ્યક્તિ સેવા આપ્યા વિના છૂમંતર થઈ ગયો હતો. છેતરાયાનો અહેસાસ થતાં જ પીડિત પરિવારે મંદિર પાસે તૈનાત પોલીસ ટુકડીનો સંપર્ક કર્યો હતો.
પોલીસની સિંહઝડપ: ઓન-ધ-સ્પોટ પૈસા વસૂલ કરી દર્શન કરાવ્યા
ઘટનાની ગંભીરતા સમજીને વારાણસી પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને તપાસ હાથ ધરી હતી અને ગણતરીની મિનિટોમાં આ નકલી પૂજારીને ઝડપી પાડ્યો હતો. સોશિયલ મીડિયા (X) પર વાયરલ થયેલા એક વિડીયોમાં પોલીસ અધિકારી તે ઠગને જાહેરમાં ઉધડો લેતા સંભળાય છે: "આખી દુનિયા અહીં મફતમાં આટલી સુંદર રીતે દર્શન કરી રહી છે, અને તું બહારથી આવેલા નિર્દોષ લોકો પાસેથી ૪,૦૦૦ રૂપિયા લૂંટી રહ્યો છે?" પોલીસે સ્થળ પર જ આરોપી પાસે મહિલાના આખા ₹4,000 પરત કરાવ્યા હતા. એટલું જ નહીં, એક સંવેદનશીલ પોલીસ અધિકારીએ પરિવારને સાંત્વના આપતા કહ્યું, "મેડમ, તમે બિલકુલ ચિંતા ન કરો, હું પોતે તમને દર્શન કરાવવાની વ્યવસ્થા કરી આપું છું." ત્યારબાદ પરિવારે સુખરૂપ દર્શન કર્યા હતા.
વાયરલ વીડિયોથી નેટીઝન્સમાં રોષ: લોકોએ પોલીસની પ્રશંસા કરી
વારાણસી: તા.04: આ સમગ્ર ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થતાં સોશિયલ મીડિયા યુઝર્સ ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને શ્રદ્ધાળુઓને આવા ઠગોથી સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયાઓ:
• પહેલા યુઝરે લખ્યું: "દરેક યાત્રાળુએ આ વિડીયો જોવો જોઈએ. 'VIP' કે 'ઝડપી' દર્શનના નામે ક્યારેય બહારના લોકોને પૈસા ન આપો. દર્શન મફત છે, અને કંઈપણ શંકાસ્પદ લાગે તો સીધો પોલીસનો સંપર્ક કરો."
• બીજા યુઝરે ટિપ્પણી કરી: "પોલીસે અદ્ભુત કામ કર્યું છે! આવા નકલી પૂજારીઓ ધર્મના નામે શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે. ભક્તોએ પણ હવે સ્માર્ટ બનવાની જરૂર છે જેથી આવા લૂંટારાઓનો શિકાર ન બનવું પડે."
• ત્રીજા યુઝરે આક્રોશ વ્યક્ત કર્યો: "બહુ સરસ કામ કર્યું પોલીસે. ભગવાના નામે લૂંટ ચલાવતા આવા તત્વોનો મંદિર પરિસરમાં પ્રવેશ કાયમ માટે બંધ કરી દેવો જોઈએ."
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
