<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

બેંગલુરુમાં નવું 'COD ફ્રોડ': વણમાગેલા પાર્સલ માટે માંગ્યા ₹૫૦૦, પેકેટ ખોલતાં જ અંદરથી નીકળ્યો અડધો સાબુ!

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોથી સસપેન્સ વકર્યું: પર્સનલ ડેટા લીક થવાના મુદ્દે બેંગલુરુ પોલીસે તપાસ શરૂ કરી!

બેંગલુરુ : સિલિકોન સિટી બેંગલુરુમાં એક ચોંકાવનારું અને વિચિત્ર કેશ-ઓન-ડિલિવરી (COD) કૌભાંડ સામે આવ્યું છે, જેનાથી ઓનલાઇન શોપિંગ કરતા ગ્રાહકોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે. સૌમ્યા સુરેશ નામની મહિલાના ઘરે અચાનક એક ડિલિવરી બોય આવ્યો હતો અને તેણે વણમાગેલા પાર્સલ બદલ ₹૫૦૦ ની માંગણી કરી હતી. મહિલાએ શંકા જતાં જ્યારે ડિલિવરી બોયની સામે જ પેકેજ ખોલ્યું ત્યારે અંદરથી એક તૂટેલું કાર્ડબોર્ડ બોક્સ અને કપડાં ધોવાનો અડધો સાબુ નીકળ્યો હતો! આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે ચર્ચા જાગી છે.

"મેં ઓર્ડર આપ્યો જ નથી, તો પૈસા કેમ આપું?" - મહિલાનો સણસણતો સવાલ

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા ડિલિવરી બોયનો સામનો કરે છે અને પાર્સલ સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દે છે. મહિલાએ સતત પ્રશ્ન કર્યો હતો કે જ્યારે તેણે કોઈ ઓર્ડર બુક કરાવ્યો જ નથી, તો પછી તેના નામે આ પાર્સલ કેમ મોકલવામાં આવ્યું? આ ઘટના બાદ સૌમ્યા સુરેશે ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કૌભાંડીઓ પાસે લોકોનું સાચું નામ, ઘરનું પૂરું સરનામું અને મોબાઈલ નંબર જેવા સંવેદનશીલ ડેટા ક્યાંથી અને કેવી રીતે પહોંચી રહ્યા છે.

વરિષ્ઠ નાગરિકો અને ભોળા ગ્રાહકો માટે મોટો ખતરો

આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ નેટીઝન્સે ભારે ચિંતા વ્યક્ત કરી હતી. વપરાશકર્તાઓએ આશંકા વ્યક્ત કરી છે કે ઠગ ટોળકીઓ આવી રીતે અજાણ્યા પાર્સલ ઘરે મોકલીને ભોળા ગ્રાહકો, ખાસ કરીને ઘરમાં એકલા રહેતા વડીલોને નિશાન બનાવી રહી છે. ઘણીવાર વડીલો એવું માનીને ચુકવણી કરી દેતા હોય છે કે પરિવારના કોઈ અન્ય સભ્યએ ઓર્ડર આપ્યો હશે. આ ઘટનાએ ડેટા પ્રાઈવસી અને ઓનલાઈન ડિલિવરીની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા છે.

બેંગલુરુ પોલીસ હરકતમાં: ઘટનાસ્થળની માહિતી માંગી

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ બેંગલુરુ પોલીસે તરત જ આ બાબતની નોંધ લીધી હતી. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં પોલીસે ઓફિશિયલ એકાઉન્ટથી ટિપ્પણી કરીને મહિલા પાસે ઘટનાસ્થળ અને વિસ્તારની વિગતો માંગી છે જેથી કૌભાંડીઓ સામે કાનૂની કાર્યવાહી કરી શકાય. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ વણમાગેલા કે શંકાસ્પદ COD પાર્સલ સ્વીકારતા પહેલા પરિવારના સભ્યો સાથે પુષ્ટિ કરવી અને કોઈપણ છેતરપિંડી થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.

(6:29 PM IST)