"મારો પતિ જીવતો છે, તેને બંદી બનાવવામાં આવ્યો છે!": સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ડ્રોન હુમલામાં મૃત મનાતા મર્ચન્ટ નેવી કેપ્ટનની પત્ની સુપ્રીમ કોર્ટ પહોંચી; ₹20 લાખની ખંડણી અને વોટ્સએપના નવા પુરાવા સામે આવ્યા!
ઓમાનના અખાતમાં તેલ ટેન્કર પર હુમલાના 5 મહિના પછી મોટો વળાંક: DNA મેચ નેગેટિવ આવ્યા બાદ પત્નીની 'હેબિયસ કોર્પસ' અરજી; કેપ્ટન આશિષ કુમારને શોધવા કેન્દ્ર સરકારને આદેશ આપવા માગ!

નવી દિલ્હી : ઓમાનના અખાતમાં લંગરાયેલા એક વિશાળ ઓઇલ ટેન્કર પર થયેલા ડ્રોન અને મિસાઇલ હુમલામાં મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવતા મર્ચન્ટ નેવીના કેપ્ટન આશિષ કુમારના કેસમાં એક અત્યંત ચોંકાવનારો અને નાટકીય વળાંક આવ્યો છે. બનાવના પાંચ મહિના બાદ કેપ્ટનની પત્નીએ દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) ના દરવાજા ખટખટાવ્યા છે. પત્નીએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે કે તેમના પતિ જીવિત છે અને વિદેશી તત્વો દ્વારા તેમને ગેરકાયદેસર રીતે બંદી બનાવીને રાખવામાં આવ્યા છે.
હુમલો, ગુમ થયેલા કેપ્ટન અને અવશેષોનો રહસ્યમય દાવો
બિહારના બેતિયાહના વતની 37 વર્ષીય કેપ્ટન આશિષ કુમાર 1 માર્ચના રોજ ઓમાનના ખાસાબ બંદર નજીક ઊભેલા ઓઇલ ટેન્કર 'સ્કાય લાઇન' પર સવાર હતા, ત્યારે જહાજ પર ભયાનક મિસાઇલ હુમલો થયો હતો. તે સમયે જહાજ પર 10 ભારતીય ખલાસીઓ સવાર હતા. હુમલા બાદ ઓમાની સત્તાવાળાઓએ 8 સભ્યોને ઉગારી લીધા હતા, પરંતુ એન્જિન રૂમમાં હાજર કેપ્ટન કુમાર અને ક્રૂ સભ્ય દલીપ ગુમ થયા હતા.
4 માર્ચે એવા અહેવાલો આવ્યા હતા કે કેપ્ટનની કેબિનમાંથી બળી ગયેલી ખોપરી અને હાડકાં મળી આવ્યા છે, જેને પ્રાથમિક દ્રષ્ટિએ કેપ્ટન કુમારના જ માનવામાં આવ્યા હતા. પરંતુ કેપ્ટનના પરિવારે આ વાત માનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ જ્યારે કેપ્ટનના નાના ભાઈના સેમ્પલ સાથે તે અવશેષોનું ફોરેન્સિક અને DNA પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે પરિણામ 'નેગેટિવ' આવ્યું હતું, એટલે કે તે અવશેષો કેપ્ટન કુમારના નહોતા!
ખંડણીના કોલ અને ડિજિટલ પુરાવાઓથી સનસનાટી
કેપ્ટનની પત્ની અંશુ કુમારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી 'હેબિયસ કોર્પસ' (Habeas Corpus) અરજીમાં કેટલાક ચોંકાવનારા ડિજિટલ પુરાવાઓ રજૂ કર્યા છે:
• WhatsApp મેસેજ ડિલિવરી: મિસાઇલ હુમલાના ત્રણ કલાકથી પણ વધુ સમય પછી અંશુ કુમારે મોકલેલો વોટ્સએપ મેસેજ કેપ્ટનના બીજા મોબાઈલ ફોન પર સફળતાપૂર્વક ડિલિવર (ડબલ ટીક) થયો હતો, જે દર્શાવે છે કે ઘટના પછી પણ ફોન સક્રિય હતો.
• ₹20 લાખની ખંડણીનો કોલ: 4 માર્ચ પછી અંશુ કુમારને ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય નંબરો પરથી અનેક કોલ આવ્યા હતા. ફોન કરનારાઓએ દાવો કર્યો હતો કે કેપ્ટન કુમાર તેમની કસ્ટડીમાં સુરક્ષિત અને જીવિત છે, અને તેમની મુક્તિ માટે ₹20 લાખની ખંડણી માંગવામાં આવી હતી.
• WhatsApp એકાઉન્ટનું શંકાસ્પદ ડીલીશન: કેપ્ટનના મુખ્ય આઇફોન (iPhone) સાથે જોડાયેલું વોટ્સએપ એકાઉન્ટ 31 માર્ચે મેન્યુઅલી (હાથથી) ડીલીટ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે નિષ્ક્રિય એકાઉન્ટ 120 દિવસ પછી ઓટો-ડીલીટ થાય છે, પરંતુ આ ઘટનાના માત્ર 30 દિવસમાં જ મેન્યુઅલી ડીલીટ થયું હતું, જે સાબિત કરે છે કે કોઈ વ્યક્તિ તે ડિવાઇસનો ઉપયોગ કરી રહી હતી.
સુપ્રીમ કોર્ટ પાસે ગુપ્તચર અને રાજદ્વારી મદદની માગ
અંશુ કુમારે પોતાની અરજી દ્વારા કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયને તમામ ઉપલબ્ધ રાજદ્વારી (Diplomatic), કોન્સ્યુલર અને આંતરરાષ્ટ્રીય ગુપ્તચર (Intelligence) ચેનલોનો ઉપયોગ કરીને કેપ્ટન આશિષ કુમાર શોધી કાઢવા અને તેમને સલામત રીતે ભારત પાછા લાવવા માટે કડક નિર્દેશ આપવાની માંગ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
