<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

ઉદયનિધિ સ્ટાલિનને મોટી રાહત: મદ્રાસ હાઈકોર્ટે 'સ્ટેશન જામીન' આપવાનો આદેશ આપ્યો; તમિલનાડુ સરકારે કહ્યું - 'જેલ મોકલવાનો કોઈ ઈરાદો નથી'!

અભિનેત્રી ત્રિશા પર વિવાદાસ્પદ ટિપ્પણી મામલે ચેન્નાઈ બંગલેથી અટકાયત બાદ હાઈકોર્ટમાં સુનાવણી: પૂછપરછ પૂરી થયા બાદ સંધ્યાકાળે સ્ટેશનથી જ મુક્ત કરાશે!

ચેન્નાઈ : અભિનેત્રી ત્રિશા સામે વિવાદાસ્પદ અને દ્વિઅર્થી ટિપ્પણી કરવાના મામલે મંગળવારે સવારે કસ્ટડીમાં લેવાયેલા તમિલનાડુના વિપક્ષી નેતા અને ડીએમકે (DMK) નેતા ઉદયનિધિ સ્ટાલિનને મદ્રાસ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. તમિલનાડુ સરકારે હાઈકોર્ટમાં સ્પષ્ટતા કરી છે કે તેમનો ઉદયનિધિના ન્યાયિક રિમાન્ડ (જેલ કસ્ટડી) મેળવવાનો કોઈ જ ઈરાદો નથી. આ રજૂઆત બાદ હાઈકોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે પૂછપરછ પૂર્ણ થયા બાદ ઉદયનિધિને આજે જ 'સ્ટેશન જામીન' (Station Bail) પર મુક્ત કરી દેવામાં આવે.
સરકારે કોર્ટમાં શું રજૂઆત કરી?
મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્યના એડવોકેટ જનરલ વિજય નારાયણે કોર્ટને જાણ કરી હતી કે પોલીસ માત્ર નોંધાયેલી એફઆઈઆર (FIR) ની તપાસના ભાગરૂપે ઉદયનિધિની પૂછપરછ કરવા માંગે છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય સરકાર કે પોલીસ તેમને જેલમાં મોકલવા કે જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવા માંગતી નથી. તપાસ પૂર્ણ થયા બાદ દિવસના અંતે તેમને પોલીસ સ્ટેશનથી જ જામીન પર મુક્ત કરી દેવામાં આવશે.
સરકારના આ સ્ટેન્ડની નોંધ લઈને મદ્રાસ હાઈકોર્ટે પોલીસને પૂછપરછ બાદ સ્ટેશન જામીન આપવાનો નિર્દેશ આપ્યો છે, જ્યારે ઉદયનિધિ સ્ટાલિનને ભવિષ્યમાં પણ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાનો આદેશ કર્યો છે.
હાઈડ્રામા બાદ થઈ હતી અટકાયત
આ અગાઉ મંગળવારે સવારે તંજાવુર પોલીસે ઉદયનિધિના ચેન્નાઈ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડીને તેમની અટકાયત કરી હતી. અટકાયત પહેલાં ઉદયનિધિના બંગલે ભારે નાટ્યાત્મક દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં તેમની પત્ની કિરુથિગા ઉધયનિધિ અને પૂર્વ મંત્રી મા. સુબ્રમણ્યમે પોલીસ અધિકારીઓ પાસે સવારની દિનચર્યા પૂર્ણ કરવા માટે ૧૦ મિનિટનો સમય માંગ્યો હતો.
તેમને અટકાયતમાં લીધા બાદ પૂછપરછ માટે તંજાવુર લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ હાઈકોર્ટના આ નિર્દેશ બાદ હવે તેમને જેલ જવું પડશે નહીં અને પૂછપરછ બાદ મુક્તિ મળશે.
શું હતો સમગ્ર વિવાદ?
ઉલ્લેખનીય છે કે, તંજાવુરમાં કાવેરી જળ વિવાદ અંગે યોજાયેલી એક રેલી દરમિયાન ભીડમાંથી અભિનેત્રી ત્રિશાના નામના નારા લાગ્યા હતા, જેના જવાબમાં ઉદયનિધિએ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. આ ટિપ્પણીઓ સામે વ્યાપક આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

(6:32 PM IST)