<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

ઉત્તરાખંડમાં કાવડ યાત્રાળુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા: સીએમ ધામીએ શિવભક્તોના પગ ધોઈને ભોજન પીરસ્યું!

'દેવભૂમિ'માં ૧ કરોડથી વધુ કાવડીઓએ ગંગાજળ લીધું: મુખ્યમંત્રીએ ફ્રન્ટલાઈન વર્કર્સનું સન્માન કરી સુરક્ષા અને સુવિધાઓની સમીક્ષા કરી!

હરિદ્વાર : ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વાર્ષિક કાવડ યાત્રામાં પધારેલા શિવભક્તોનું અનોખી રીતે સ્વાગત કરીને શ્રદ્ધાળુઓના દિલ જીતી લીધા છે. સીએમ ધામીએ હરિદ્વારમાં કાવડીઓ પર હેલિકોપ્ટરથી આકાશી પુષ્પવર્ષા કરી હતી અને પોતે પાંચ શિવભક્તોના પગ ધોઈને તેમને આદરપૂર્વક પ્રણામ કર્યા હતા. આ ઉપરાંત તેમણે અલકનંદા હોટલ પરિસરમાં મુખ્યમંત્રી આરોગ્ય સેવા શિબિરનું ઉદ્ઘાટન કરી કાવડીઓને પોતાના હાથે ભોજન પીરસીને 'અતિથિ દેવો ભવ:' ની પરંપરા સાકાર કરી હતી.

"કાવડ યાત્રા સનાતન પરંપરા અને એકતાનો ઉત્સવ"

મુખ્યમંત્રી ધામીએ ભક્તોને સંબોધતા જણાવ્યું હતું કે ઉત્તરાખંડ સરકાર દેવભૂમિની મુલાકાતે આવતા દરેક શિવભક્તને સલામત, સુવિધાજનક અને સન્માનજનક અનુભવ આપવા માટે કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે કાવડ યાત્રા માત્ર એક ધાર્મિક આયોજન નથી પરંતુ ભારતની સનાતન સંસ્કૃતિ, સામાજિક સમરસતા અને આધ્યાત્મિક ચેતનાનો ભવ્ય ઉત્સવ છે. મુખ્યમંત્રીએ માહિતી આપી હતી કે આ વર્ષે અત્યાર સુધીમાં ૧ કરોડથી વધુ કાવડીઓ પવિત્ર ગંગાજળ લઈને પોતાના ગંતવ્ય સ્થાન તરફ રવાના થઈ ચૂક્યા છે.

સીસીટીવી, ડ્રોન અને ઇમરજન્સી હેલ્થ સિસ્ટમથી કડક સુરક્ષા

યાત્રાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવતા સીએમ ધામીએ જણાવ્યું કે આખા યાત્રા ધામ પર સીસીટીવી કેમેરા, ડ્રોન સર્વેલન્સ, એમ્બ્યુલન્સ અને હેલ્થ કેમ્પ તૈનાત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેદારનાથ ધામ, કાશી વિશ્વનાથ અને મહાકાલ લોકના પુનર્નિર્માણનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે હરિદ્વારમાં ગંગા કોરિડોર અને શારદા કોરિડોર જેવા પ્રોજેક્ટ્સ ધાર્મિક પર્યટનને નવી ઊંચાઈ આપશે. તેમણે યાત્રા દરમિયાન શિસ્ત અને પવિત્રતા જાળવવા ભક્તોને અપીલ કરી હતી.

ફ્રન્ટલાઈન વર્કર્સનું સન્માન અને રાણીખેતના બિનસાર મહાદેવના દર્શનનો સંદેશ

કાવડ યાત્રાને સફળ બનાવવા રાત-દિવસ મહેનત કરી રહેલા પાંચ પોલીસ કર્મચારીઓ અને પાંચ સ્વચ્છતા મિત્રો (પર્યાવરણ મિત્ર) નું સીએમ ધામીએ વિશેષ સન્માન કર્યું હતું. આ સિવાય પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે તેમણે રાણીખેત (અલમોડા) ના ગાઢ દેવદારના જંગલોમાં આવેલા પૌરાણિક 'બિનસાર મહાદેવ મંદિરના આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને શિવભક્તોને આ પવિત્ર ધામના દર્શન કરવા વિનંતી કરી હતી.

(6:33 PM IST)