<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

ભારત સરકારની વિદેશોમાં મોટો સિકંજો: ૭ વર્ષમાં ૩૬ દેશોમાંથી ૨૭૪ ગુનેગારોનું પ્રત્યાર્પણ, ₹૧૭,૮૭૪ કરોડની મિલકતો જપ્ત!

અદ્યતન ટેકનોલોજી અને ઈન્ટરપોલના ઉપયોગથી ભાગેડુઓ પર મોટો પ્રહાર: ૨૦૦૪-૧૩ ની સરખામણીએ પ્રત્યાર્પણમાં ૧૦ ગણો રેકોર્ડ બ્રેક વધારો!

નવી દિલ્હી : વિદેશમાં ભાગી ગયેલા ભારતીય ગુનેગારો અને આર્થિક અપરાધીઓ સામે મોદી સરકારે આક્રમક વલણ અપનાવતા મોટો ઐતિહાસિક વિજય મેળવ્યો છે. વર્ષ ૨૦૧૯ થી જુલાઈ ૨૦૨૬ દરમિયાન ભારતે વિશ્વના ૩૬ જુદા જુદા દેશોમાંથી ૨૭૪ જેટલા ભાગેડુ ગુનેગારોને સફળતાપૂર્વક સ્વદેશ પરત લાવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) ના જણાવ્યા અનુસાર, આ સિદ્ધિ દર વર્ષે સરેરાશ ૪૦ ગુનેગારોના પ્રત્યાર્પણ સમાન છે, જે ૨૦૦૪ થી ૨૦૧૩ ની સરખામણીએ ૧૦ ગણો મોટો વધારો દર્શાવે છે. આ ઉપરાંત મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ ભાગેડુઓની ₹૧૭,૮૭૪ કરોડની મિલકતો પણ જપ્ત કરવામાં આવી છે.
આતંકવાદીઓ, ખુનીઓ અને આર્થિક ગુનેગારો પર શિકંજો
ગૃહ મંત્રાલયના અહેવાલ મુજબ, પરત લાવવામાં આવેલા ગુનેગારોમાં ગંભીર અને સંગઠિત અપરાધોમાં સંડોવાયેલા તત્વોનો સમાવેશ થાય છે:
•    આતંકવાદી કેસ: ૧૭ વોન્ટેડ આતંકીઓ
•    નાણાકીય ગુના: ૯ મોટા આર્થિક ભાગેડુઓ
•    સંગઠિત અપરાધ અને હિંસા: ૪૨ સંગઠિત ગુનેગારો તેમજ હત્યા અને લૂંટના ૬૨ આરોપીઓ
•    જાતીય અને માનવ તસ્કરી: બાળ ગુનાઓ અને મહિલા વિરુદ્ધના ૫૩ અને માનવ તસ્કરીના ૧૮ આરોપીઓ
•    અન્ય ગુના: ડ્રગ્સ, દાણચોરી અને નકલી ચલણના કેસના દાયરામાં આવતા દેશદ્રોહીઓ.
ઇન્ટરપોલ અને 'ઓપરેશન ત્રિશૂલ' નો સફળ પ્રયોગ
ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુનેગારોને ટ્રેક કરવા માટે ઇન્ટરપોલ (Interpol) અને અદ્યતન ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં જ ભાગેડુઓ સામે ૪૦૧ રેડ નોટિસ જારી કરવામાં આવી છે.
ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ CBI, IB, RAW, NIA, ED અને વિદેશ મંત્રાલય જેવી અગ્રણી એજન્સીઓએ એકત્રિત થઈને કામ કર્યું છે. ખાસ કરીને 'ઓપરેશન ત્રિશૂલ' હેઠળ સેટેલાઇટ ઇનપુટ્સ, ડિજિટલ ફૂટપ્રિન્ટ અને પ્રોફાઇલ મેપિંગ દ્વારા વિદેશમાં નામ કે ઓળખ બદલીને છુપાયેલા ગુનેગારોને શોધી કાઢવામાં આવ્યા છે.
૨૦૧૪ પહેલાંની સ્થિતિ અને વર્તમાન બદલાવ
સરકારે અગાઉની સ્થિતિ સાથે સરખામણી કરતાં જણાવ્યું હતું કે ૨૦૧૪ પહેલાં ભારત પાસે માત્ર ૩૭ દેશો સાથે પ્રત્યાર્પણ સંધિઓ હતી અને અપૂર્ણ દસ્તાવેજીકરણને કારણે પ્રક્રિયા ખૂબ ધીમી હતી. પરંતુ હવે 'ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ ૨૦૧૮' અને 'ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)' હેઠળની નવી જોગવાઈઓને લીધે ભાગેડુ આરોપીઓની ગેરહાજરીમાં પણ ટ્રાયલ ચલાવીને કાનૂની સિકંજો મજબૂત કરવામાં આવ્યો છે. CBI ના 'BHARATPOL' પ્લેટફોર્મ દ્વારા હવે ૧,૪૦૦ થી વધુ એજન્સીઓ ઝડપી માહિતી શેરિંગ માટે એકસાથે જોડાઈ ગઈ છે.

(6:38 PM IST)