<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

યુપી વિધાનસભામાં 'દાન ચોર, ગાદી છોડી દો'ના નારાથી સંગ્રામ: વિપક્ષ પર ગુસ્સે ભરાયેલા સ્પીકરે કહ્યું- 'દાન આપ્યું હોય તો રસીદ બતાવો!'

ચોમાસુ સત્રના બીજા દિવસે સપા ધારાસભ્યોનો ભારે હોબાળો: સીએમ યોગી આદિત્યનાથે વિપક્ષી વર્તનને ગેરબંધારણીય અને શરમજનક ગણાવ્યું!

લખનૌ : ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે વિપક્ષી પક્ષ સમાજવાદી પાર્ટી (SP) ના ધારાસભ્યોએ વિવિધ મુદ્દાઓ પર ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો. રામ મંદિરના દાનમાં કથિત ચોરી, પેપર લીક, ખેડૂતો માટે ખાતર અને યુરિયાની અછત, મોંઘવારી તેમજ કાયદો અને વ્યવસ્થાના મુદ્દે શિવપાલ સિંહ યાદવના નેતૃત્વમાં સપાના ધારાસભ્યોએ પરિસરમાં હાથમાં પોસ્ટરો અને ખાતરની થેલીઓ લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગૃહની કાર્યવાહી દરમિયાન વિપક્ષી નેતાઓએ વેલમાં આવીને "દાન ચોર, ગાદી છોડી દો" ના નારા લગાવવાનું શરૂ કરતાં વાતાવરણ ભારે ગરમ થઈ ગયું હતું.
"જો દાન આપ્યું હોય તો રસીદ બતાવો" - સ્પીકર સતીશ મહાના
વિપક્ષના સતત નારાબાજી અને પ્લેકાર્ડ લહેરાવવાના વર્તન પર વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કટાક્ષ કરતા સપા ધારાસભ્યોને રોકડું સંભળાવ્યંં કે, "જો તમે દાન આપ્યું હોય તો પહેલા તેની રસીદ બતાવો!" સ્પીકરના આ નિવેદન બાદ ગૃહમાં ગરમાવો વધુ વધી ગયો હતો, જેના કારણે કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવી પડી હતી. પાછળથી પણ વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર ચાલુ રાખતા અધ્યક્ષે ગૃહની કાર્યવાહી બુધવાર સવાર સુધી મુલતવી રાખવાની ફરજ પડી હતી.
સીએમ યોગીનો વળતો પ્રહાર: "વિપક્ષ લોકશાહીનું અપમાન કરી રહ્યો છે"
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષી હંગામા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સમાજવાદી પાર્ટી અને વિપક્ષનું આ વર્તન માત્ર ગેરબંધારણીય નથી પરંતુ ૨૫ કરોડ જનતાનું અને સંસદીય લોકશાહીનું શરમજનક અપમાન છે. સરકાર દરેક મુદ્દે નિયમો હેઠળ ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ વિપક્ષ ચર્ચામાં માનતો નથી. તેમણે ઉમેર્યું કે અયોધ્યા રામ જન્મભૂમિ બાબતે જે વિષય સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, તેને લઈને ગૃહમાં હોબાળો મચાવીને વિપક્ષ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યો છે.

(6:40 PM IST)