<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

E-20 ઈંધણ સામે કેજરીવાલનો મોરચો: પંજાબ વિધાનસભામાં પ્રસ્તાવ પસાર, હવે ગુજરાત, ગોવા અને જમ્મુ-કાશ્મીરમાં પણ વિરોધ નોંધાવાશે!

પીએમ આવાસ તરફ માર્ચ કરતાં અરવિંદ કેજરીવાલની ૨.૩૩ લાખ અરજીઓ સાથે ધરપકડ; ટ્રમ્પના દબાણમાં અમેરિકાથી ઇથેનોલ ખરીદવાનો લગાવ્યો ગંભીર આરોપ!

નવી દિલ્હી : દેશમાં E-20 (૨૦ ટકા ઇથેનોલ મિશ્રિત) પેટ્રોલના ઉપયોગ સામે આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આક્રમક આંદોલન શરૂ કર્યું છે. પંજાબ વિધાનસભામાં E-20 નીતિ પાછી ખેંચવા માટેનો પ્રસ્તાવ પસાર થયા બાદ હવે ગુજરાત, ગોવા અને જમ્મુ-કાશ્મીરમાં પણ આપના ધારાસભ્યો આ પ્રસ્તાવ રજૂ કરશે. મંગળવારે E-20 થી વાહનોને થતા નુકસાન અંગે દેશભરના નાગરિકોની ૨.૩૩ લાખથી વધુ હસ્તાક્ષરિત અરજીઓ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જઈ રહેલા કેજરીવાલ અને ૧૦૦ થી વધુ પીડિતોને દિલ્હી પોલીસે રસ્તામાં જ અટકાવ્યા હતા, જેના વિરોધમાં તેઓ રસ્તા પર ધરણાદર્શન પર બેસી ગયા હતા.
"ટ્રમ્પના દબાણમાં ભારતીય વાહનચાલકો પર નિર્ણય લાદવામાં આવ્યો" - કેજરીવાલ
ધરણા પર બેઠેલા અરવિંદ કેજરીવાલે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ હેઠળ કેન્દ્ર સરકાર અમેરિકા પાસેથી વધારાનું ઇથેનોલ ખરીદી રહી છે અને ભારતના ૩૦ કરોડ વાહનચાલકો પર તે બળજબરીથી લાદી રહી છે. સરકારે પોતે સ્વીકાર્યું છે કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી વાહનોનું માઇલેજ ઘટે છે અને એન્જિનના ભાગોને નુકસાન થાય છે. આમ છતાં, જનતા પર આ બોજ નાખવામાં આવી રહ્યો છે. જો સરકાર E-20 નીતિ પાછી નહીં ખેંચે તો દેશભરમાં મોટું જનઆંદોલન ઊભું કરવામાં આવશે.
ગુજરાત, ગોવા અને જમ્મુ-કાશ્મીરમાં પણ પ્રસ્તાવ રજૂ કરાશે
કેજરીવાલે જાહેરાત કરી હતી કે પંજાબ બાદ હવે ગુજરાતમાં આપના ૫, ગોવામાં ૨ અને જમ્મુ-કાશ્મીરમાં ૧ ધારાસભ્ય વિધાનસભામાં E-20 વિરૂદ્ધ પ્રસ્તાવ લાવશે. ભલે ભાજપ શાસિત રાજ્યોમાં આ પ્રસ્તાવ પસાર ન થવા દેવાય, પરંતુ જનતાનો અવાજ ગૃહ સુધી પહોંચાડવામાં આવશે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે પણ હાજરી આપી હતી. સંજય સિંહે આક્ષેપ કર્યો કે, "ટ્રમ્પની ગુલામીમાં વડાપ્રધાને દેશના ૩૦ કરોડ વાહનોને ગીરવે મૂકી દીધા છે અને ૨૨,૦૦૦ કરોડ રૂપિયાનો કચરો ભારત લાવવામાં આવી રહ્યો છે."
જનતાની માગ: શુદ્ધ પેટ્રોલનો વિકલ્પ અને કિંમતમાં ઘટાડો
પ્રધાનમંત્રીને મોકલવામાં આવેલી ૨.૩૩ લાખ અરજીઓમાં દેશના નાગરિકોએ મુખ્યત્વે બે માગણીઓ મૂકી છે:
૧. પેટ્રોલ પંપ પર વાહનચાલકોને શુદ્ધ પેટ્રોલ (ઈથેનોલ મુક્ત) અને E-20 વચ્ચે પસંદગી કરવાનો સ્પષ્ટ વિકલ્પ આપવામાં આવે.
૨. E-20 ઈંધણથી ઓછું માઈલેજ મળતું હોવાથી તેની કિંમતમાં તુલનાત્મક ઘટાડો કરવામાં આવે, જેથી જનતા પર આર્થિક બોજ ન પડે.

(6:42 PM IST)