News of Tuesday, 4th August 2026
શું તમારા વાહનમાં પણ ભેળસેળયુક્ત ઈંધણ પુરાઈ રહ્યું છે? ૨,૦૦૦ થી વધુ સેમ્પલના ટેસ્ટિંગ બાદ પેટ્રોલિયમ મંત્રાલયે સત્ય કર્યું જાહેર!
૨,૦૦૦ નમૂનાઓમાંથી માત્ર ૨ માં સામાન્ય ક્ષતિ મળી, ઈંધણની ગુણવત્તા પર મંત્રાલયનો મોટો ખુલાસો: ૮૭,૦૦૦ થી વધુ આઉટલેટ્સ પર રોજ ૮ થી ૧૨ વખત ચેકિંગ!

નવી દિલ્હી : દેશભરમાં પેટ્રોલ, ડીઝલ અને E20 (ઈથેનોલ મિશ્રિત) ઈંધણમાં ભેળસેળ થઈ રહી હોવાની સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓ અને દેશવ્યાપી ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે મોટી સ્પષ્ટતા કરી છે. મંત્રાલયે ગુણવત્તા અંગેના તમામ અહેવાલોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે અને દેશભરના પેટ્રોલ પંપો પરથી લેવાયેલા આંકડા જાહેર કર્યા છે, જેમાં ૨,૦૦૦ થી વધુ સેમ્પલના કડક પરીક્ષણ બાદ ઈંધણ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે.
૨,૦૦૦ થી વધુ નમૂનાઓનું લેબોરેટરી ટેસ્ટિંગ
મંત્રાલય દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, ઈંધણની શુદ્ધતા ચકાસવા માટે ક્લોરાઈડ અને સલ્ફાઈડ જેવા દૂષણોની તપાસ માટે ૨,૦૦૦ થી વધુ ઈંધણના નમૂનાઓનું સ્પેશિયલ લેબ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ વિગતવાર તપાસ દરમિયાન ૨,૦૦૦ થી વધુ સેમ્પલમાંથી માત્ર ૨ નમૂનાઓમાં જ સામાન્ય ક્ષતિ જોવા મળી હતી, જેના પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે. આ આંકડા દર્શાવે છે કે દેશમાં સપ્લાય થઈ રહેલું ઈંધણ ઉચ્ચ ગુણવત્તાનું છે.
૮૭,૦૦૦ પેટ્રોલ પંપ પર દિવસમાં ૮ થી ૧૨ વખત વોટર લિકેજ ચેકિંગ
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દરરોજ ઈંધણની શુદ્ધતા પર નજર રાખી રહી છે. હાલના એડવાન્સ ટેસ્ટિંગ પ્રોટોકોલ ઉપરાંત હવે વધારાના સુરક્ષા પગલાં પણ અમલમાં મૂકવામાં આવ્યા છે. દેશભરમાં આવેલા ૮૭,૦૦૦ થી વધુ પેટ્રોલ પંપ અને આઉટલેટ્સ પર ઈંધણની ટેન્કોમાં પાણીનું પ્રમાણ કે લિકેજ તપાસવા માટે દિવસમાં ૮ થી ૧૨ વખત વોટર લિકેજ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેથી ગ્રાહકોને એક ટીંપું પણ દૂષિત ઈંધણ ન મળે.
અફવાઓથી દૂર રહેવા અને ગુણવત્તા પ્રત્યે આશ્વસ્ત રહેવા મંત્રાલયની અપીલ
પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે સપ્લાય ચેઈનથી લઈને ગ્રાહકના વાહનની ટેન્ક સુધી પહોંચતા ઈંધણના દરેક તબક્કે ગુણવત્તા નિયંત્રણનું કડક પાલન થાય છે. E20 બળતણથી વાહનોના એન્જિનને નુકસાન થવાના અને ભેળસેળના દાવાઓ પાયાવિહોણા છે. સરકારે નાગરિકોને ખાતરી આપી છે કે ઈંધણની ગુણવત્તા સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં અને નિયમિત તપાસ ચાલુ જ રહેશે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
